Charchapatra

હિંદુત્વ મારી દૃષ્ટિએ

આજકાલ એવું જોવામાં આવી રહ્યું છે કે આપણા હિંદુ ધર્મમાં પેસી ગયેલા દૂષણો વિરૂધ્ધ કોઈ અવાજ ઊઠાવે છે અને કહેવાતા હિંદુત્વવાદીઓ તરત જ તેને હિંદુત્વનો વિરોધી કે દુશ્મન ગણીને તેને ચૂપ કરાવવાના પ્રયત્નો કરે છે. કારણ કે એમને ખબર જ નથી કે આજના હિંદુત્વવાદના ઉદ્દગાતા નેતાઓ કે જેઓ હિંદુત્વનો જોરદાર પ્રચાર કરી રહ્યાં છે, તેમના માટે હિંદુત્વ એ હિંદુત્વ નહીં પરંતુ આર્યત્વ છે. અર્થાત હિંદુત્વવાદી નેતાઓ આપણી હિંદુ પ્રજાને તેના સાચા હિંદુત્વને બદલે આર્યત્વમાં અર્થાત વિદેશી વિનાશકારી વર્ણવ્યવસ્થામાં ફસાવી હિંદુ પ્રજાને વિદેશી આર્યોની વર્ણવ્યવસ્થા, તદ્દજન્ય જાતિપ્રથા, ઊંચનીચના ભેદ, અંધશ્રધ્ધાઓ અને વ્યર્થ – હાનિકારક ક્રિયા કાંડોમાં ફસાવી બાવા – સાધુ, યાંત્રિક – તાંત્રિક, બની બેઠેલા ગુરુ – સ્વામી – બાબા – બાપુ, જ્યોતિષી અને વાસ્તુશાસ્ત્રીના સકંજામાં ફસાવે છે. આપણી હિંદુ પ્રજાએ આ નકલી, બનાવટી અને છેતરપીંડીયુક્ત હિંદુત્વથી દૂર રહીને આજે આપણે આપણા સાચા હિંદુત્વ તરફ પાછા ફરવાનું છે. સિંધુત્વ એ જ સાચું હિંદુત્વ છે. ‘હિંદુ’ શબ્દ ‘સિંધુ’ શબ્દ ઉપરથી આવ્યો છે. અર્થાત આપણી 5000 વર્ષ પુરાણી સિંધુ સંસ્કૃતિના મોહન – જો – દડો અને હડપ્પા જેવા આધુનિક વૈજ્ઞાનિક ઢબે બંધાયેલા નગરોમાં આપણા સુસભ્ય અને વિકસિત પૂર્વજો રહેતા હતા, તેમની જીવનશૈલી એ જ સાચું હિંદુત્વ છે. આપણા ભારતીય બંધારણના મહાન વિદ્વાન 211 ઘડવૈયાઓએ બંધારણના આમુખમાં જે ઉમદા સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના આદર્શો મૂકયા છે, તે જ આપણું સૌથી પ્રાચીન અને સાચું સિંધુત્વ – હિંદુત્વ છે.
કડોદ     – એન.વી.ચાવડા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top