અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ સાથે ભાજપ સંપૂર્ણ રીતે રામભક્ત પાર્ટીમાં ફેરવાઈ ગયો છે. હવે ભારતમાં રાજનીતિનું ભગવાકરણ કરવાની દિશા ખુલી ગઈ છે. ભાજપ સાથે સ્પર્ધામાં ઊતરવા માટે બીજા પક્ષો અને નેતાઓ પણ પોતાની જાતને રામભક્ત પુરવાર કરવા કમ્મર કસી રહ્યા છે. એક સમયે રેશનલ નેતા ગણાતા મેગ્સેસે પુરસ્કાર વિજેતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી શહેરમાં વિવિધ સ્થળોએ સુંદરકાંડના પાઠનું આયોજન કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
પીઢ સમાજવાદી નેતા દિવંગત બીજુ પટનાયકના પુત્ર અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક જ્યાં સુધી તેમની રાજકીય વિચારધારાને લગતા છે ત્યાં સુધી તેઓ એક બિનસાંપ્રદાયિક નેતા માનવામાં આવે છે. તેમણે પણ જાહેરાત કરી છે કે તેમની સરકાર મહત્ત્વાકાંક્ષી જગન્નાથ પુરી મંદિર કોરિડોરનું નિર્માણ કરશે અને તેમણે સૂચન કર્યું કે શુભ શરૂઆત કરવા માટે તેમના રાજ્યનાં નાગરિકો તેમનાં ઘરોમાં માટીના દીવા પ્રગટાવે અને શંખ ફૂંકે. બંધારણીય રીતે ભારતમાં સરકારોએ કોઈ ચોક્કસ ધાર્મિક પરંપરાનું પાલન કરવું જોઈએ નહીં, કારણ કે આપણે એક બિનસાંપ્રદાયિક દેશ છીએ; પરંતુ તે નિયમ હવે બદલાઈ ગયો છે.
હિંદુ પરંપરાને અનુસરવું એ રાજકારણમાં નવી ફેશન કે મજબૂરી છે; જેનો પાયો ૧૯૮૬માં નાખવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી ૧,૧૯૮૬ના રોજ ફૈઝાબાદ જિલ્લા અદાલતે એક નાના મંદિરના દરવાજાને ખોલવાનો આદેશ આપ્યો હતો, જેમાં ભગવાન રામની નાની મૂર્તિ હતી. આ મૂર્તિ બાબરી મસ્જિદના ગુંબજની બરાબર નીચે આવેલી હોવાથી સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા માટે ત્યાં કોઈ પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. હિંદુઓ ખૂબ જ મંદ રીતે આંદોલન કરી રહ્યા હતા. કોર્ટમાં દાવાઓ ચાલતા હતા. જિલ્લા વહીવટી તંત્રના આદેશ મુજબ દરવાજાને તાળું મારી દેવામાં આવ્યું હતું. અંદર કોઈને પ્રવેશ આપવામાં આવતો ન હતો. ૧૯૮૬માં તાળાં ખૂલવા સાથે ભારતના રાજકારણમાં નવી પરંપરાનો પ્રારંભ થયો હતો.
વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ભગિની સંસ્થાઓ તેમાંથી એક મોટો મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. તેઓ જાહેર સભાઓ અને રથયાત્રાઓનું આયોજન કરી રહ્યા હતા અને તેને હિંદુઓ સામે અન્યાય ગણાવતા હતા. વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા એક વકીલે સ્થાનિક કોર્ટમાં દરવાજો ખોલવા અને ભક્તોને પૂજા માટે અંદર જવા દેવાની અરજી કરી હતી. તે સમયે ભાજપ માત્ર છ વર્ષ જૂની પાર્ટી હતી. ૧૯૮૪ની સામાન્ય ચૂંટણીમાં તેણે લોકસભામાં માત્ર બે બેઠકો જીતી હતી.
અટલબિહારી વાજપેયી ભાજપમાં તમામ બાબતોનું સુકાન સંભાળતા હતા. તેમના નેતૃત્વ હેઠળ ભાજપે તેની મુખ્ય રાજકીય વિચારધારા તરીકે ગાંધીવાદી સમાજવાદને અપનાવ્યો હતો. ચૂંટણીમાં જોરદાર પછડાટ બાદ ભાજપમાં સળવળાટ જોવા મળ્યો હતો. આરએસએસ પોતાની હિંદુત્વની ફિલસૂફી પાર્ટી પર થોપવાનો પ્રયાસ કરી રહી હતી. લાલકૃષ્ણ અડવાણીએ તક ઝડપી લીધી અને ૧૯૮૬માં ભાજપના અધ્યક્ષ બન્યા પછી તેમણે તરત જ ગાંધીવાદી સમાજવાદની વિચારધારાને ફેંકી દીધી હતી અને હિંદુત્વના વિચાર સાથે પ્રયોગો કરવાનું શરૂ કર્યું હતું.
રાજીવ ગાંધી લોકસભામાં પ્રચંડ જીત મેળવ્યા બાદ તે સમયે ભારતના વડા પ્રધાન હતા. વિશ્વ હિન્દુ પરિષદ રામ જન્મભૂમિ આંદોલનની ધ્વજવાહક હતી. આરએસએસ તેનું સંપૂર્ણ સમર્થન કરી રહ્યું હતું પરંતુ જાહેરમાં નહીં. બજરંગ દળ જેવાં સંગઠનોને આક્રમકતા સર્જવા માટે આંદોલનમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું. અશોક સિંઘલ, વિનય કટિયાર, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા અને તેમના જેવાં લોકો આંદોલનના ચહેરાઓ હતા. લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં ભાજપે આંદોલનને સમર્થન આપવાનું શરૂ કર્યું હતું; પરંતુ ધર્મને રાજકારણ સાથે ભેળવવો એ તે દિવસોમાં સ્વીકાર્ય વિચાર ન હતો. તેથી જ્યાં સુધી મંદિર ચળવળનો સંબંધ છે ત્યાં સુધી ભાજપ ખુલ્લેઆમ વિશ્વ હિન્દુ પરિષદ સાથે ક્યારેય આવ્યો નથી.
વિશ્વનાથ પ્રતાપ સિંહનો યુગ શરૂ થઈ રહ્યો હતો. તેમણે રાજીવ ગાંધી સામે બળવો શરૂ કરી દીધો હતો. ભારત એક નવા વડા પ્રધાનના નિર્માણનું સાક્ષી હતું. બોફોર્સ કૌભાંડ દરરોજ અખબારોમાં હેડલાઇન્સ બનાવતું હતું. શાહબાનો કેસના ફિયાસ્કોનો સામનો કરવા માટે રાજીવ ગાંધીએ દૂરદર્શનને રામાયણ નામની ટી.વી. સિરિયલ શરૂ કરવા કહ્યું હતું . તે ભગવાન રામની કથા હતી. તેઓ સાચા અર્થમાં માનતા હતા કે યુવા પેઢીએ ભગવાન રામના આદર્શો વિશે શીખવું જોઈએ. તે ખૂબ જ લોકપ્રિય કાર્યક્રમ બની ગયો, પરંતુ તેણે રાજીવ ગાંધી અથવા કોંગ્રેસને મદદ કરવાને બદલે રામ મંદિર આંદોલન ચલાવનારાઓને મદદ કરી હતી. રસપ્રદ વાત એ છે કે આ ટી.વી. સિરિયલમાં મંદિર આંદોલનના “જય શ્રી રામ”ના નારા જોરથી લગાવવામાં આવ્યા હતા.
રાજીવ ગાંધી તેમની પ્રચંડ બહુમતી છતાં બોફોર્સ કૌભાંડને કારણે રાજનીતિ પરથી તેમની પકડ ગુમાવી રહ્યા હતા. તેઓ વી.પી. સિંહને બદનામ કરવા માટે અનેક જુઠ્ઠાણાં બોલીને દેશભરમાં ફરી રહ્યા હતા. ભાજપે રામ કરતાં વી.પી. સિંહ અને બોફોર્સને પ્રાધાન્ય આપ્યું હતું. તેઓએ તેમના ૧૯૮૯ના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિર આંદોલનનો ઉલ્લેખ પણ કર્યો ન હતો. લોકસભામાં ભાજપની સંખ્યા બેથી વધીને ૮૫ પર પહોંચી ગઈ હતી. લાલકૃષ્ણ અડવાણી ભારતીય મતદારોના મૂડને સમજવા જેટલા સ્માર્ટ હતા. તે પછી ૧૯૯૧ની સાલ આવી. ઓબીસી સમુદાયોને શિક્ષણ અને નોકરીઓમાં અનામત આપવા માટે વી.પી. સિંહે મંડલ પંચની ભલામણો લાગુ કરી હતી.
સમગ્ર દેશમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં વિદ્યાર્થી સમુદાય દ્વારા મંડલ પંચનો ભારે વિરોધ થઈ રહ્યો હતો. વી.પી. સિંહની અલ્પજીવી સરકાર પડી ભાંગી હતી. લાગ જોઈને લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા શરૂ કરી હતી. સ્વાભાવિક રીતે જ રામ મંદિર આંદોલન ભાજપના એજન્ડામાં આવ્યું હતું. ૧૯૯૧ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે પ્રથમ વખત તેના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિરનો મુદ્દો ઉમેર્યો હતો. પરંતુ તેમાં શ્રી રામ મંદિર જન્મસ્થાન શીર્ષક હેઠળ માત્ર છ વાક્યોનો ઉલ્લેખ કર્યો હતો. ભાજપે કહ્યું હતું કે તેઓ બાબરી મસ્જિદના ઢાંચાને સ્થાનાંતરિત કરીને જન્મસ્થાન ખાતે શ્રી રામ મંદિર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
૧૯૯૬ની સામાન્ય ચૂંટણીઓ આવી ત્યાં સુધીમાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. હિન્દુત્વનો મુદ્દો રાજકારણમાં કેન્દ્રસ્થાને આવી ગયો હતો. ભાજપે તેના નવા ઢંઢેરામાં રામ મંદિરના મુદ્દાને વિસ્તૃત રીતે સમજાવ્યો હતો. ભાજપે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનું ખુલ્લેઆમ વચન આપ્યું હતું. તેણે ફાયરબ્રાન્ડ હિન્દુત્વવાદી નેતાઓ ઉમા ભારતી અને વિનય કટિયારને લોકસભામાં પહોંચવા માટે ટિકિટ આપી હતી. રામાયણ સિરિયલમાં સીતા અને રાવણનો રોલ કરનાર ટી.વી. કલાકારોને લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા. ભાજપની લઘુમતી સરકાર બની હતી, પણ ૧૩ દિવસમાં તેનું પતન થયું હતું.
ત્યાર બાદ જનતા દળની સરકાર આવી હતી પણ તે લાંબી ચાલી નહોતી. ફરી ભાજપની સરકાર બની તે ૧૩ મહિના ચાલી હતી. ૧૯૯૯માં સામાન્ય ચૂંટણી થઈ હતી, જેમાં ભાજપના નેતૃત્વ સાથેનો ૧૬ પક્ષોનો મોરચો પૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવ્યો હતો અને તેણે પાંચ વર્ષ શાસન કર્યું હતું. હવે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપે હિન્દુત્વનું મિશ્રણ વિકાસના મુદ્દા સાથે કરીને વિજયી ફોર્મ્યુલા વિકસાવી કાઢી છે. ભાજપે ત્રિપલ તલાક, ૩૭૦મી કલમ અને શ્રી રામ મંદિર જેવો હિન્દુત્વનો એજન્ડા પૂરો કર્યો છે. હવે પછીનું તેનું લક્ષ્ય ભારતમાં હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવાનું રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.