Charchapatra

હિંદુ રાષ્ટ્રવાદ

દેશમાં ભાજપના રાજકીય ઉદયથી ખતરનાક હિંદુ રાષ્ટ્રવાદ સતત મુખર રહ્યો છે. સંઘ પરિવાર અને મોદીજી એને ગુજરાત મોડલ તરીકે ઓળખાવે છે. ભાજપની વિચારધારાએ શેરીએ મહોલ્લે હિંદુત્વવાદી ટોળીઓ ઊભી કરી છે. જે પોતાના વિચારો સાથે અસહમત હિંદુઓનેય બેરહેમીથી સતાવે છે. મોદીજીની વિચારધારાથી અસહમત અત્યંત ઉમદા વિચારના એક ડોક્ટર પરિવારે કટ્ટર હિંદુત્વવાદીઓથી સતત થતી સતામણીથી ત્રાસીને જુના તળ સુરતમાંથી પોતાનું રહેઠાણ છોડી સોસાયટી વિસ્તારમાં ભાગવું પડ્યું. બીજા એક બનાવમાં એક પ્રતિષ્ઠિત ડોક્ટરે એક બીજેપી નેતાના સુરતની મેડિકલ કોલેજમાં પડ્યાપાથર્યા રહેતા ગુંડાઓથી બચવા પોતાની હોસ્પિટલ વેચી અમેરિકા સેટલ થવા ભાગવું પડ્યું. માત્ર મુસ્લિમો નહીં, સામાન્ય હિંદુઓ પણ ભોગ બનવાના છે. જેમ કાશ્મીરમાં ઉગ્રવાદીઓએ ઉદારમતવાદી મુસલમાનોનેય ટારગેટ બનાવીને માર્યા છે એ જ હાલત કટ્ટર હિંદુત્વવાદીઓ ઉદારવાદી હિંદુઓની આખા દેશમાં કરવાના છે.
સુરત     – જિતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

12 વી ફેઇલ અને એનિમલ, કઇ ફિલ્મ વધુ યોગ્ય?
અસલ ફિલ્મો બનતી તો ફિલ્મનો વિષય પારિવારિક ધાર્મિક દેશભાવના નેતાઓના જીવન આધારિત તેમજ સંગીત સાથે અર્થસભર ગીતોના સમન્વયવાળો રહેતો, સમયાંતરે તેમાં ફેરફારો આવતા ગયા. જનમાનસને પ્રભાવિત કરતી ને અમુક કુભાવિત કરતી ફિલ્મો પણ બનવા લાગી કે જેનાથી સેન્સર બોર્ડના હસ્તક્ષેપની જરૂર ઊભી થઈ અને તેને ફરજિયાત પ્રમાણપત્ર મેળવ્યા પછી જ ફિલ્મ પ્રસારિત કરી શકાય એવો નિયમ લાગુ પડયો, હાલ જ  બોલીવૂડની ધ્યાન પ્રેરે તેવી બે ફિલ્મો પ્રકાશિત થઈ. એક બારવી ફેઇલ’ અને બીજી “એનિમલ*.

બંનેની સરખામણી કરીએ તો એક ફિલ્મ અત્યંત પ્રેરણાદાયક અને નિષ્ફળ થતાં નાસીપાસ નહીં પરંતુ બમણા જોરથી મહેનત કરી નિર્ધારિત લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય તેમજ સાથીમિત્રો અને કુટુંબનાં વડીલોનું વ્યક્તિની સફળતામાં શું યોગદાન હોય તેનું પણ સરસ નાટ્યાત્મક રૂપાંતરણ અને બીજી ફિલ્મ જેમાં નકારાત્મક હિંસક, સ્ત્રીઓને માત્ર વ્યક્તિ નહિ, પરંતુ વસ્તુ સમજવી, વિપરીત સંજોગોમાં પોતાને લગતા અન્યાયનો બદલો ગમે તે માર્ગથી લઈ શકાય એવું દર્શાવે છે, સરખામણી થકી શીખ માત્ર એટલી જ લેવાની કે નિર્ધારિત લક્ષ્યના માર્ગ તો ઘણા હોય છે પરંતુ નક્કી ખાસ એ કરવાનું કે ક્યા માર્ગે જવું ?

એ તો સર્વ વિદિત છે કે ચઢાણવાળો માર્ગ કપરો જ હોય અને ઢળાણવાળો માર્ગ સહેલો, નીચે ઊતરવાનું કામ સહેલું અને ઊંચે ચઢવાનું અઘરું સભાનપણે એટલું યાદ રાખી શકાય એવો જ માર્ગ ઊંચે લઈ જાય જે સખત પરિશ્રમ, સંજોગો વિપરીત હોય તો પણ ઊંચે ચઢવાનો દ્રઢ સંકલ્પ અને ધગશવાળો હોય, બાકી એનિમલ ફિલ્મમાં બતાવેલ માર્ગને તો નેગેટિવ જાહેરાત પૂરતો જ સમજવો. મેં જો ભૂલે ચૂકે થિયેટરમાં જોવા પણ જઈએ તો મગજને ઘરે મૂકીને અને ફિલ્મને પૂરું થતાં થિયેટરમાં જ છોડીને ચાલ્યા આવવું એ જ હિતકારક છે.
સુરત     – સીમા પરીખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top