આશરે એક દાયકા પહેલાં જે હિન્દુઓ પાકિસ્તાનમાં રહેતાં હતાં એમાંનાં લગભગ ૯૦૦ જેટલાં લોકો પાકિસ્તાનમાં થતી હેરાનગતિથી તંગ આવી જઇ ૨૦૧૩માં ત્યાંથી હિજરત કરી બહેતર જીવનની આશા, અપેક્ષા સાથે આપણા દેશની રાજધાની દિલ્હીના મજલીસ પાર્કમાં આવીને ઝૂંપડપટ્ટીમાં વસ્યાં. જ્યાં તેમણે વસવાટની શરૂઆત કરી ત્યારથી વીજળી, ડ્રેનેજ, પાણી અને રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધા ઉપલબ્ધ નથી. આ સર્વે હિન્દુ નિર્વાસિતો કે જેઓ કોઇ પણ પ્રકારની સગવડ કે સુવિધા વિના રહેતાં હતાં. એમને નવ વર્ષ વીત્યાં પછી આશાનું કિરણ દેખાયું જ્યારે દિલ્હી હાઇકોર્ટે નવેમ્બર,૨૦૨૨માં દિલ્હીમાં વીજળી પૂરી પાડતી ટાટા પાવર કંપનીને મજલીસ પાર્કમાં અંધકારમાં રહેતાં આ સર્વે વસાહતીઓને એક મહિનાની અંદર વીજળીની સુવિધા પૂરી પાડવા માટે હુકમ કર્યો. આ નિર્વાસિતો નાગરિકતા અને મતદાન અધિકારથી હજી વંચિત છે, પરંતુ વીજળી મળવાની (અલબત્ત ધીરે ધીરે) શરૂઆત થતાં એમને ભારતની નાગરિકતા અને મતદાન અધિકાર મળવાની પણ આશા બંધાઇ છે.
એક વર્તમાનપત્રના પ્રતિનિધિએ તાજેતરમાં અહીંના વસાહતીઓની લીધેલી મુલાકાત દરમિયાન આશાવાદી વસાહતીઓએ ક્હ્યું કે અમારી વસાહતમાં સુખ, સગવડ મેળવવા માટે અમારી લડાઇ લાંબી છે જે અમે લડતાં રહીશું અને અમને આશા છે કે સમય જતાં ભારતની નાગરિકતા અને અન્ય સવલતો પણ મળી શકશે. અહીં સવાલ એ પેદા થાય છે કે આટલાં વર્ષોથી કોઇ પણ જાતની સુવિધા વિના પાકિસ્તાનમાંથી હિજરત કરીને આવેલ હિન્દુઓ શું ગેરકાયદે વસવાટ કરતા હતા? વસાહત ગેરકાયદેસરની હોય તો એ વસાહત કોની મહેરબાનીથી ઊભી થયેલ? જો એવું ન હોય તો આટલાં વર્ષોથી એમને મળવાપાત્ર મૂળભૂત સેવાઓથી વંચિત કેમ રહ્યા અને એમણે ન્યાયપાલિકાનો આશરો કેમ લેવો પડ્યો? સવાલો તો ઘણા ઊભા થઇ શકે, પરંતુ આપણે તો એટલું જ ઇચ્છીએ કે છેલ્લાં નવ વર્ષથી બદતર હાલતમાં રહેતાં આ લોકોને યોગ્ય ન્યાય મળે અને જીવન જીવવા માટે જરૂરી એવી મૂળભૂત સેવાઓ પ્રાપ્ત થાય.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.