હિન્દીને દેશવ્યાપી ભાષા તરીકે પ્રચલિત કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોમાં સંતુલન જાળવવાના પ્રયાસો કરવામાં આવશે એવા કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના નિવેદનની ‘ગુજરાતમિત્ર’ના અગ્રલેખ (તારીખ 4/ 5 /22) માં સારી ચર્ચા કરવામાં આવી. આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ રાષ્ટ્રભાષા માટે સરકારે આવી વાત કરવી પડે એનાં મૂળ નહેરુ-ગાંધીની જોડીમાં રહેલાં છે. વાતની વાત એમ છે કે આઝાદી મળ્યા પછી દેશ અને સરકારની સંરચનામાં ઉત્તર ભારતીયોનું ટોળું તૂટી પડ્યું અને દક્ષિણ ભારતના ભોગે સત્તા સ્થાનો આંચકી લીધાં અને સાથોસાથ હિન્દી ભાષા સમગ્ર દેશ પર લાદી દેવાની ઉતાવળ કરી. હિન્દી પ્રચાર અને પ્રસારના નામે લોકોના પૈસે લીલાલહેર કરવા માંડી. હિન્દીના ઝનૂની પ્રચારકોએ હિન્દીની પરીક્ષાઓના નામે લોકો પાસે પૈસા લૂંટવા માંડ્યા અને હિન્દીમાં ઉચ્ચ લાયકાત હોય તો નોકરી આપવાની પણ ખાતરી આપવા માંડી પણ એ ખાતરીનું પાલન નથી થયું એટલે હિન્દી પરીક્ષાઓનાં વળતાં પાણી થયાં.
ઉત્તર ભારતીયોના સત્તાભૂખ્યા લોકોએ દેશની આઝાદીના અને ત્યાર પછીના ઈતિહાસમાં દક્ષિણ ભારતને નહીંવત્ સ્થાન આપીને તેની અવગણના કરી અને દક્ષિણ ભારત હિન્દીનો વિરોધ કરે છે. તેમની પાસે વિરોધ કરવા માટે રાજકારણ નહિ, પણ સબળ કારણો છે. અગર હિન્દીને રાજભાષા કે રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવામાં આવે તો વિકલ્પે દક્ષિણ ભારતની એક ભાષાને પણ એવો દરજ્જો આપવો જોઈએ. જે દેશમાં અનેક ભાષા હોય ત્યાં એકથી વધુ સત્તાવાર ભાષા રાખી શકાય એવા અનેક દાખલા દુનિયામાંથી મળે છે તો વિવિધતામાં એકતાનાં બણગાં ફૂંકતા ભારતમાં આવું કેમ ન બની શકે?! ઉત્તર ભારતીયોનું માન રાખવાનું ફરજીયાત છે?! કાબેલ શાસકોનો વિરોધ નથી પણ સત્તા પર ચડી બેસી પોતાની મરજી અન્ય પર ઠોકી બેસાડનાર સામે વિરોધ અવશ્ય થઈ શકે.
સુરત – સુનીલ રા. બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.