અમારો દેશ વિશાળ બહુવસ્તી ધરાવતો પ્રજાસત્તાક દેશ છે. અમે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. દેશનો રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રીય પક્ષી છે, પ્રાણી છે. પણ આ દેશને એની પોતાની ‘રાષ્ટ્રભાષા’ નથી. કેમ? આ પ્રશ્ન પર સરકારનું ધ્યાન જ નથી. કેમ? એ તો સરકાર જ જાણે. કદાચ રાષ્ટ્રભાષાનું મહત્વ સમજનારા ત્યાં ઓછા હશે? ‘હિન્દી’ ભાષા સ્વતંત્રતા સંગ્રામની નાંદી હતી, શુભ શરૂઆત હતી. અંગ્રેજોને ‘હિન્દ છોડો’નો બળશાળી લલકાર અમારા નેતાઓએ હિન્દીમાં આપ્યો હતો. ‘ચલે જાવ’નો ઉદ્ગાર હિન્દીમાં કાઢયો હતો. પરદેશી અંગ્રેજો પણ હિન્દી શીખ્યા અને બોલતા થયા હતા. કારણ હિન્દી સમજવામાં સહેલી છે, સરળ છે.
દેશના બહુતાંશ લોકો હિન્દી બોલી શકે છે, વાંચે છે, લખે છે અને સમજી શકે છે. પણ એક ધીમો આવાજ આવે છે કે દક્ષિણ ભારતના કોઇ રાજયો હિન્દી રાષ્ટ્રભાષા માટે વિરોધ કરે છે. એ વાત પૂર્ણ સત્ય નથી. કારણ હું આ લખનાર 1958-59 સાલમાં મદ્રાસ ચેન્નાઇ હતો. ત્યારે સિનેમાગૃહોમાં હિન્દી ફિલ્મો જોવા માટે તામીલ ભાષાના પ્રેક્ષકોનો ધસારો દેખાતો હતો. અન્ય પ્રાંતીય માણસ જોડે મદ્રાસી માણસ હિન્દી ભાષામાં જ વાત કરીને પુછેલા પ્રશ્નોનું ઉત્તર આપતો હતો. અંગ્રેજીનો ઉપયોગ જોવા મળતો નહતો.
મજૂરથી લઇને માલિક સુધી, વિદ્યાર્થીથી લઇને અધ્યાપક સુધી, રેસ્ટોરાંમાં, બજારોમાં, બસમાં, બધે જ ટૂટી-ફૂટી પણ હિન્દી જ દેખાતી હતી. મંદિરોના બહાર ભિક્ષુક પણ ‘ઓ દાતા કુછ ભેટ દે જાના’ કહીને હિન્દીમાં જ બોલતો હતો. કારણ હિન્દી તો રાષ્ટ્ર પારિવારીક ભાષા છે. દક્ષિણમાંથી ચુંટીને આવેલા સાંસદો સુંદર હિન્દી બોલે છે. તો પ્રજા કેમ હિન્દી બોલી ના શકે? સરકારી કાર્યાલયોમાં અન્ય ભાષિકો અને બાબુઓ મુદ્દાની વાત હિન્દીમાં જ સમજાવે છે. સંબંધિત હિન્દી કાર્યાલય રાષ્ટ્રભાષા હિન્દી પર પ્રકાશ નાખે. હિન્દી રાષ્ટ્રભાષા જ જોઇએ.
સુરત – બાળકૃષ્ણ વડનેરે – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.