હિંડનબર્ગ રિસર્ચ અને 24 જાન્યુઆરીની તારીખ અદાણી ગ્રુપ (Adani Group) ભાગ્યે જ ભૂલી શકે તેમ છે. ત્યારે હવે હિંડનબર્ગ રિસર્ચે (Hindenburg Research) ફરી એકવાર એક નવા ટ્વિટથી સમગ્ર વિશ્વમાં (World) ખળભળાટ મચાવી દીધો છે. આ શોર્ટ સેલિંગ કંપનીએ ટ્વીટ (Tweet) કરીને ટૂંક સમયમાં વધુ એક નવો રિપોર્ટ રજૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ટ્વીટ કર્યું છે કે ‘નવો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે – બીજો મોટો ખુલાસો થશે’. જો કે આ રિપોર્ટમાં (Report) કઇ કંપની ટાર્ગેટ હશે તે અંગે કંપનીએ હજુ સુધી કોઇ ખુલાસો કર્યો નથી. જોકે એવા કયાસ લગાડવામાં આવી રહ્યાં છે કે આ વખતે ચીનની કોઈ મોટી કંપની હોઈ શકે છે અથવા યૂએસ બેંકિંગ સિસ્ટમ (US Banking System) પર કોઈ રિપોર્ટ હોઈ શકે છે. જણાવી દઈએ કે નાથન એન્ડરસનની કંપની ‘હિંડનબર્ગ’નું મુખ્ય કામ શેરબજાર, ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ પર સંશોધન કરવાનું છે.
નેટ એન્ડરસન દ્વારા સંચાલિત આ ફર્મે આ વર્ષે જાન્યુઆરીમાં અબજોપતિ ગૌતમ અદાણીના જૂથ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. જે બાદ લગભગ પાંચ સપ્તાહમાં આ જાયન્ટ ગ્રૂપની માર્કેટ વેલ્યુમાં 150 અબજથી વધુનો ઘટાડો થયો છે. આ સાથે જૂથની વિશ્વસનીયતા અને ભવિષ્ય પર પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે. અદાણીની ઘણી કંપનીઓ સેબીની દેખરેખ હેઠળ આવી ગઈ છે. હવે જ્યારે કંપનીએ ફરી ટ્વીટ કરી વધુ એક ધમાકો કરવાની જાહેરાત કરી છે ત્યારે ટ્વીટ આવ્યા બાદ લોકો ઈચ્છી રહ્યા છે કે ફરી એક વખત કોઈ ભારતીય કંપની તેના નિશાના પર ન આવે. લોકોનું કહેવું છે કે આ કંપનીએ જાણીજોઈને અદાણી ગ્રુપની કંપનીઓના શેર નીચે લાવવા માટે આ રિપોર્ટ બહાર પાડ્યો હતો.
શું હવે ચાઈનીઝ કંપની શિકંજામાં આવશે?
અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ‘ન્યૂ રિપોર્ટ સૂન.. અનધર બિગ વન’ જાહેરાત કર્યા બાદ તરત જ તે ટ્વિટર વપરાશકર્તાઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે. લોકો પૂછી રહ્યા છે કે શું અદાણી પછી અન્ય ભારતીય કંપનીઓને નિશાન બનાવવામાં આવશે? કેટલાક વપરાશકર્તાઓએ જણાવ્યું હતું કે તેઓ આ વખતે યુએસ બેંકિંગ સિસ્ટમ અથવા ચાઇનીઝ કંપની વિશે અહેવાલ પ્રકાશિત કરવાની અપેક્ષા રાખે છે.