હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) પૂરના (Flood) કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી ઓંકારચંદ શર્માએ જણાવ્યું હતું કે, જુલાઈ કરતાં 13, 14 અને 15 ઓગસ્ટ દરમિયાન વધુ નુકસાન થયું છે. 71 લોકોના મોત (death) થયા છે અને 7,500 કરોડનું નુકસાન થયું છે. આ અંદાજ વધી શકે છે કારણ કે લોકો હજુ પણ બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત છે અને વિગતવાર અંદાજમાં સમય લાગશે. અમે 2,500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.
તાજેતરમાં ભારે વરસાદ વચ્ચે રાજધાની શિમલામાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. અહીંના કૃષ્ણા નગરમાં મોટા પાયે ભૂસ્ખલન થયું હતું, જેમાં કતલખાના સહિત અનેક મકાનો ધરાશાયી થયા હતા. આ ભૂસ્ખલનમાં છ મકાનો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. તેની નીચે શહેરના કતલખાના પણ ચાલતા હતા. ઘર સહિત કતલખાનું સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગયું હતું, જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. રાજ્યમાં વર્તમાન ચોમાસાની ઋતુમાં વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની 170 થી વધુ ઘટનાઓ જોવા મળી છે અને લગભગ 9,600 મકાનોને આંશિક અથવા સંપૂર્ણ નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ ચાલુ છે. ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભૂસ્ખલનને કારણે અનેક મકાનો પણ ધરાશાયી થઈ છે. શિમલામાં સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. હિમાચલ યુનિવર્સિટીએ મુશળધાર વરસાદનાં કારણે 19 ઓગસ્ટ સુધી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સ્થગિત કરી દીધી છે તેમજ લાઇબ્રેરી પણ 20 ઓગસ્ટ સુધી બંધ રાખી છે.
ઉત્તરાખંડમાં (Uttrakhand) વરસાદના (Rain) કહેરનાં કારણે તૂફાન આવ્યો છે. જાણકારી મુજબ વરસાદના કારણે રાજ્યમાં 48 કલાકમાં 60 લોકોના મોત (Death) થયા છે. આ દુર્ઘટનાને કારણે રાજ્યમાં અત્યાર સુધી 10 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાના એંધાણ પણ છે. ત્યારે આ વચ્ચે રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત મદમહેશ્વરનો રાજ્યના અન્ય ભાગોથી સંપર્ક કપાઈ ગયો છે. બંટોલી પાસે ફૂટ બ્રિજ ધરાશાયી થવાને કારણે અંદાજે 20થી 30 લોકો ફસાયા હતા. મંગળવારે અમુક લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું જ્યારે આજે બાકીનાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું હતું. SDRF અને DDRFની ટીમો સ્થળ પર હાજર છે.