કિન્નોર(Kinnor): હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના કિન્નૌર જીલ્લાના શલાખારમાં વાદળો ફાટતા(Cloud Bust) તબાહી મચી જવા પામી છે. ભારે વરસાદ(Heavy Rain)ના કારણે આ વિસ્તારમાં પૂર(Flood) જેવી સ્થિતિ સર્જાઈ હતી. નદી-નાળાઓ છલકાઈ જતા શાલખાર પંચાયતમાં પાણી ભરાય ગયા હતા. તેમજ ફૂટ બ્રિજ ધોવાઈ ગયો હતો. પાણી ઘૂસી જવાને કારણે ઘરો ધરાશાયી થઇ ગયા હતા. પાણીના જોરદાર પ્રવાહમાં અનેક વાહનો પણ વહી ગયા હતા. એટલું જ નહીં, બગીચાઓ પણ કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. તિબેટને અડીને આવેલા આ વિસ્તારોમાં વધારે વરસાદ પડતો નથી. આ ઢોળાવવાળા વિસ્તારોમાં હળવો વરસાદ પણ આફત બની જાય છે.
વાહનો અને મકાનો કાટમાળ નીચે દટાઈ ગયા
સ્થાનિક લોકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિસ્તારમાં ગત બપોરથી ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન સાંજના 6:00 વાગ્યાના સુમારે અચાનક ઉપરવાસમાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે પાકે નાળા, ધુનાળા, દેનાનાળા, બસ સ્ટેન્ડ નાળા, શારંગ નાળા, મુર્તિકયુ નાળા, જીપ અને ગૌતાંગ નાળામાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે શાલખાર ગામની ચારે તરફ પાણી ઘુસી ગયા હતા. લોકોના ઘરોમાં કાટમાળ અને પાણી ઘુસી ગયા હતા. પાણીના જોરદાર પ્રવાહ અને કાટમાળને કારણે રોડની બહાર પાર્ક કરાયેલા વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ સિવાય જલ શક્તિ વિભાગ સહિત લગભગ છ સ્થાનિક વિસ્તારોને નુકસાન થયું છે. ઘરોમાં પાણી ઘુસી જવાને કારણે લોકોના સામાનને પણ નુકસાન થયું છે. આ વિસ્તારમાં મોડી રાત સુધી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગામનાં લોકો સુરક્ષિત રહેવા માટે બીજા ગામમાં જવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે પરંતુ પૂર અને કાટમાળને કારણે બહાર નીકળી શકતા નથી.
બિયાસ નદીના જળસ્તરમાં વધારો
બીજી તરફ, બિયાસ નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે, જિલ્લા મંડીના જોગીન્દરનગર હેઠળના કાંધા બાલેસર અને કોઠી બંદર પર બોટ પરિવહન સેવા આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. ધરમપુરથી જોગીન્દરનગર અને જોગીન્દરનગરથી ધરમપુર જતા ગ્રામજનોએ કેટલાક કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડશે. મંડી જિલ્લામાં, આગામી આદેશો સુધી નદીઓ અને નાળાઓને અડીને આવેલા અને ભૂસ્ખલનની સંભાવનાવાળા વિસ્તારોને અડીને આવેલા તમામ સ્થળોએ કેમ્પ સાઇટ્સ બંધ કરવા સૂચના આપવામાં આવી છે. આગામી આદેશો સુધી બારોટ અને તત્તાપાણીમાં કોઈપણ પ્રકારની વોટર સ્પોર્ટ્સ પ્રવૃતિઓને મંજૂરી આપવામાં આવશે નહીં. ડેપ્યુટી કમિશનર અરિન્દમ ચૌધરીએ માહિતી આપી હતી કે આ આદેશ એ કેમ્પ સાઇટ્સ પર લાગુ થશે નહીં જે જિલ્લાના વિવિધ ટ્રેકિંગ માર્ગો પર પરંપરાગત અને ઐતિહાસિક રૂપે માન્યતા આપવામાં આવી છે. વન વિભાગ પરિસ્થિતિ અનુસાર આવી કેમ્પ સાઈટ અંગે નિર્ણય લેશે.
બે-ત્રણ જગ્યાએ વાદળો ફાટ્યા: જિલ્લા પરિષદ
જિલ્લા પરિષદના સભ્ય શાંતા કુમારે જણાવ્યું હતું કે બે-ત્રણ જગ્યાએ વાદળો ફાટ્યા છે. ભારે વરસાદને કારણે લોકોના ઘર અને બગીચાને ભારે નુકસાન થયું છે. તેમણે સરકાર પાસે લોકોને તાત્કાલિક સહાય પૂરી પાડવા માંગ કરી છે. તેમણે કહ્યું કે આ બધી ઘટના બદલાતા વાતાવરણને કારણે થઈ રહી છે. તેમણે કહ્યું કે, પર્યાવરણ સાથે આડેધડ ચેડા થઈ રહ્યા છે. ભારે વરસાદને કારણે આ વિસ્તારમાં વાહનોને પણ નુકસાન થયું હતું. ચાંગો અને શલાખારની આસપાસ શિમલા કાઝા રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. લોકો પોતાનો સામાન લઈને સુરક્ષિત સ્થળોએ પહોંચવા લાગ્યા છે. બસ સ્ટેન્ડ પર પાર્ક કરાયેલા વાહનો પણ કાટમાળ નીચે દટાયા હતા.