Columns

હિજબનો વિવાદ બંને બાજુનાં કોમવાદી તત્ત્વો જ ચગાવી રહ્યાં છે

દાયકાઓથી જે પ્રજા શાંતિ અને સંપથી જીવતી હોય તેમને અંદરોઅંદર લડાવી મારવાની કળા રાજકારણીઓ જાણતા હોય છે. હિન્દુ અને મુસ્લિમ કટ્ટરપંથી રાજકીય જૂથો પોતાની મતબેન્ક મજબૂત કરવા સમાજમાં વિભાજન અને વૈમનસ્ય પેદા કરવાની હદે જતા હોય છે. તેવું વિભાજન કર્ણાટકમાં કરવામાં રાજકીય પક્ષોને સફળતા મળી છે. કર્ણાટકની ત્રણેક કોલેજોમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા હિજબ પહેરવાનો મુદ્દો હવે રાષ્ટ્રીય વિવાદ બની ગયો છે. જે કોલેજોમાં આજ દિન સુધી હિજબ પહેરવા પર કોઈ પ્રતિબંધ નહોતો તેના પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકી દેવાયો છે. હિજબના મુદ્દે કર્ણાટકમાં કોમી રમખાણો થાય તેવો માહોલ પેદા થયો છે. દરેક કોલેજો હિન્દુ-મુસ્લિમ વચ્ચેની રણભૂમિ જેવી બની રહી છે. હાઈ કોર્ટ પણ લાચાર બનીને તમાશો જોઈ રહી છે.

કર્ણાટકની મોટા ભાગની કોલેજોમાં યુનિફોર્મનો કોઈ નિયમ નથી. દેશનાં બીજાં રાજ્યોની કોલેજોમાં પણ યુનિફોર્મ હોવાનું સાંભળ્યું નથી. ઘણી કોલેજોમાં ડ્રેસ કોડ હોય છે, જેમાં વિદ્યાર્થિનીઓ દેહનું પ્રદર્શન ન કરે તેવાં કપડાં પહેરે, તેની ચોકસાઈ કરવામાં આવે છે. તેમાં પણ ક્યારેક છૂટછાટ લેવામાં આવે તે ક્યારેય વિવાદનો મુદ્દો બનતો નથી. શાહરૂખ ખાનની ફિલ્મ કુછ કુછ હોતા હૈ માં પ્રિન્સિપાલ અનુપમ ખેર વિદ્યાર્થિનીઓને મિની સ્કર્ટ ન પહેરવા બાબતમાં લેક્ચર આપી રહ્યા હતા ત્યારે મહિલા પ્રોફેસર જ મિની સ્કર્ટમાં આવતાં પ્રિન્સિપાલની આંખો ચાર થઈ ગઈ હતી.

કર્ણાટકની મોટા ભાગની કોલેજોમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ પ્રવેશ લીધો ત્યારથી તેઓ હિજબ પહેરીને વર્ગખંડમાં આવતી હતી. તેમને હિજબના મુદ્દે ક્યારેય રોકવામાં કે ટોકવામાં આવતી નહોતી. કટ્ટર હિન્દુ વિદ્યાર્થીઓ દ્વારા હિજબનો વિરોધ કરવા ભગવો ખેસ નાખવાનું શરૂ કર્યું તેનો પણ વિરોધ કરવાનું કોઈ કારણ નહોતું. જો સંચાલકો દ્વારા હિજબની જેમ ભગવો ખેસ પણ માન્ય કરવામાં આવ્યો હોત તો આભ તૂટી નહોતું પડવાનું પણ મામલો થાળે પડી ગયો હોત.
હિન્દુ અને મુસ્લિમ બંને કોમોમાં એવાં તોફાની તત્ત્વો છે, જેઓ રાજકારણીઓ સાથે મળીને સમાજમાં વિખવાદ પેદા કરે છે અને તેમાં પોતાના રાજકીય રોટલા શેકે છે. કર્ણાટકમાં હિજબનો વિવાદ પેદા થયો તે પછી આવાં તત્ત્વો સક્રિય બની ગયાં છે. હિન્દુ કટ્ટરવાદીઓ દ્વારા જે રીતે હિન્દુ વિદ્યાર્થીઓને હિજબનો વિરોધ કરવા ઉશ્કેરવામાં આવ્યા તેમ ખેસ ધારણ કરીને કોલેજમાં આવવા પણ ઉશ્કેરવામાં આવ્યા હતા.

આ યુવાનો પોતાના ભૂતકાળમાં ક્યારેય ખેસ ધારણ કરીને કોલેજમાં આવતા નહોતા. તેઓ મંદિરમાં દર્શન કરવા જાય ત્યારે પણ ખેસ ધારણ કરતા નથી. કોલેજમાં ભગવો ખેસ ધારણ કરીને આવવા પાછળનો તેમનો ઉદ્દેશ હિજબનો વિરોધ કરવાનો હતો. હિન્દુ યુવાનોના ભગવા ખેસનો વિરોધ કરવા જે મુસ્લિમ યુવતીઓ ક્યારેય હિજબ પહેરીને કોલેજમાં આવતી નહોતી તેમણે હિજબ પહેરીને પોતાની તાકાત દેખાડી દેવાનો નિર્ધાર કર્યો હતો. આ યુવતીઓ હિજબનો ઉપયોગ વસ્ત્ર તરીકે નહીં પણ હથિયાર તરીકે કરવા માગતી હતી. કોલેજના સંચાલકો દ્વારા તેનો વિરોધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે તેમણે હિજબને ધાર્મિક સ્વતંત્રતાનું પ્રતીક ગણાવ્યું હતું. પ્રતિબંધને તેમણે ધર્મ પરના આક્રમણ તરીકે ગણાવ્યું હતું.

હિજબના વિવાદમાં સૌથી ભૂંડી ભૂમિકા કર્ણાટકની ભાજપ સરકારે ભજવી છે. તેણે તઘલખી અને મનસ્વી નિયમો જાહેર કરીને વિવાદને ઠારવાને બદલે ભડકે બાળ્યો હતો. ઉડુપીની કોલેજમાં મર્યાદિત પ્રમાણમાં હિજબનો વિવાદ પેદા થયો ત્યારે સરકારે તટસ્થ રહેવાને બદલે મુસ્લિમવિરોધી અને હિન્દુતરફી સ્ટેન્ડ લીધું હતું. તેમણે જે કોલેજમાં હિજબ ઉપર ક્યારેય પ્રતિબંધ નહોતો તેના પર કાયદા દ્વારા પ્રતિબંધ જાહેર કર્યો હતો. સરકારને અચાનક યાદ આવી ગયું હતું કે શૈક્ષણિક સંસ્થાઓ સેક્યુલર હોવી જોઈએ, ત્યાં ધાર્મિક પ્રતીકોને સ્થાન હોવું જોઈએ નહીં. હકીકતમાં હિજબનો ઉપયોગ કરવો તે મુસ્લિમોના ધાર્મિક અધિકારનો એક ભાગ છે, કારણ કે તેમના શાસ્ત્રમાં લખ્યું છે કે મુસ્લિમ મહિલા ઉંમરમાં આવે તે પછી તેણે પોતાનું મસ્તક ઢાંકવું જોઈએ.

કોઈ હિન્દુ ધર્મશાસ્ત્રમાં લખ્યું નથી કે હિન્દુ યુવાનોએ ભગવો ખેસ ધારણ કરીને જ ઘરની બહાર નીકળવું જોઈએ. વ્યવહારમાં તેવું કોઈ કરતું પણ નથી. રહી વાત શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક પ્રતીકોની. કોઈ ખ્રિસ્તી મિશનરી સંસ્થામાં હિન્દુ વિદ્યાર્થિનીને કપાળમાં ચાંદલો કરીને કે હાથમાં મહેંદી લગાડીને આવતા રોકવામાં આવે ત્યારે હિન્દુઓની ધાર્મિક લાગણી પણ દુભાતી હોય છે. તેનો વિરોધ કરતા કટ્ટર હિન્દુઓ કહેતા નથી કે કોલેજો બિનસાંપ્રદાયિક સંસ્થાઓ છે. કોલેજના કેમ્પસમાં હિજબ સાથે કેવી રીતે કામ પાડવું તે મુંબઇના મુસ્લિમ બહુમતીના વિસ્તારમાં આવેલી માત્ર મહિલાઓ માટેની સોફિયા કોલેજના સંચાલકો પાસેથી શીખવું જોઈએ. આ કોલેજમાં અત્યંત મોડર્ન હિન્દુ યુવતીઓથી લઈને અત્યંત રૂઢિચુસ્ત મુસ્લિમ યુવતીઓ પણ ભણવા આવતી હોય છે.

આ કોલેજમાં હિજબ કે બુરખા પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. ઘણી મુસ્લિમ વિદ્યાર્થિનીઓ ઘરેથી હિજબ કે આખું શરીર ઢંકાય તેવો બુરખો પહેરીને નીકળે છે અને કોલેજમાં આવીને હિજબ કે બુરખો ઊતારી કાઢે છે. કોલેજના સંચાલકો દ્વારા ભણતરના કલાકો દરમિયાન હિજબ કે બુરખો સાચવવાની સવલત પણ આપવામાં આવે છે. કોઈ યુવતી હિજબ કે બુરખો પહેરીને વર્ગખંડમાં બેસતી હોય તો તેના પહેરવેશની પણ ઇજ્જત કરવામાં આવે છે. ભારતની મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં આવું ઉદાર વાતાવરણ જોવા મળે છે. નમણી નારીઓ પોતાના દેહસૌંદર્યને પારકા પુરુષની બૂરી નજરથી બચાવવા માટે વસ્ત્રોનો ખૂબીપૂર્વક ઉપયોગ કરે તેમાં કોઇની લાગણી ઘાયલ થવી જોઇએ નહીં. ભારતમાં રહેતી રૂઢિચુસ્ત હિન્દુ નારીઓ પોતાના ચહેરાને ઢાંકવા ઘૂંઘટ કાઢતી હોય છે તેમ દુનિયાભરની મુસ્લિમ મહિલાઓ તે માટે હિજબનો કે બુરખાનો ઉપયોગ કરતી હોય છે.

ભારતના અનેક બીચ પર મહિલાઓ માટે અર્ધનગ્ન થઇને સ્નાન કરવા પર પ્રતિબંધ છે, પણ ક્યાંય ઘૂંઘટ કાઢવા પર કે બુરખો પહેરવા પર પ્રતિબંધ નથી. સ્ત્રીને પોતાનાં મનગમતાં વસ્ત્રો પહેરવાનો અધિકાર હોવો જોઇએ અને કોઈ પણ રાજ્યની કે કેન્દ્રની સરકારને તેમાં દખલ દેવાનો કોઇ અધિકાર હોવો જોઇએ નહીં.
કર્ણાટકમાં હિજબના વિવાદે કાયદા વિરુદ્ધ બંધારણનું સ્વરૂપ ધારણ કર્યું છે. હિજબનો વિરોધ કરતી સરકાર તેનો કાયદો ટાંકે છે, જેમાં દરેક શૈક્ષણિક સંસ્થામાં યુનિફોર્મ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ કાયદો હતો પણ તેનો અમલ કરવામાં આવતો નહોતો.

હવે હિજબ પર પ્રતિબંધ મૂકવા માટે આ કાયદાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ કાયદો એવો ન હોવો જોઈએ કે જે નાગરિકના મૂળભૂત અધિકારનો નાશ કરે. જો સરકાર દ્વારા તેવા કાયદાઓ ઘડવામાં આવે તો નાગરિકો કોર્ટમાં જઈને તેવા કાયદાઓ રદ કરાવી શકે છે. કર્ણાટક સરકાર દ્વારા કાયદા વડે હિજબ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, પણ તે કાયદો મૂળભૂત ધાર્મિક અધિકાર પર આક્રમણ કરતો હોય તો હાઈ કોર્ટમાં કે સુપ્રિમ કોર્ટમાં ટકી શકે નહીં. કર્ણાટકના કાયદાને પણ મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હાઈ કોર્ટ ન્યાય કરશે તેવી આશા રાખવી જોઈએ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top