ભરૂચ: (Bharuch) ભરૂચથી વડોદરા NHI-૪૮ રોડ પર ૧૧૬ જેટલી હોટલના સંચાલકોને ગાઈડલાઈનની વિરુદ્ધમાં જઈને દબાણો કરતા હાઈવે ઓથોરિટીએ (Highway Authority) અગાઉ દૂર કરવા માટે નોટિસ ફટકારી દીધી હતી. આપેલી મુદ્દત પૂરી થતાં હાઈવે ઓથોરિટીએ દબાણો દૂર કરવા માટે સપાટો બોલાવતાં ચાર દિવસમાં નર્મદા ચોકડીએ ૬ દુકાનો પર બુલડોઝર (Bulldozer) અને ક્રેઇન ફરી વળ્યું હતું. હાઈવે ઓથોરિટીના ઇતિહાસમાં લગભગ પહેલી ઘટના હોવાથી એન્ક્રોચમેન્ટ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
- હાઈવે ઓથોરિટીનો સપાટો, ભરૂચમાં હાઈવે ઉપર છ દબાણવાળી દુકાનો દૂર કરી
- ભરૂચ-વડોદરા વચ્ચે ૧૧૬ જેટલી હોટલ સંચાલકોને અગાઉ દબાણ બાબતે નોટિસ ફટકારી હતી
ભરૂચથી પસાર થતો વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-૪૮ પર ઘણી હોટલો દબાણ કરીને રોડ નજીક પહોંચી જતાં હોય છે. ખાસ કરીને હાઈવે ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ મંજુરી વિના રોડ પર ધસતાં ક્યારેક જીવના જોખમે અકસ્માત થતો હોય છે. જેની કારણ વગર જવાબદારી હાઇવે ઓથોરિટીના માથે નાંખી દેતા હોય છે. જે માટે હાઈવે ઓથોરિટી દ્વારા ભરૂચ-વડોદરા રોડ પર ૧૧૬ જેટલી હોટલ સંચાલકોને અગાઉ દબાણ બાબતે નોટિસો ફટકારી હતી. જેમાં દબાણોના પ્રશ્નો બતાવીને દૂર કરવા માટે મુદ્દત આપી હતી. છતાં પણ આ બાબતે ધ્યાને ન લેતાં આખરે હાઈવે ઓથોરિટીએ ભરૂચ જિલ્લામાં નર્મદા ચોકડી પર ચાર દિવસથી છ જેટલી દુકાનો દૂર કરી હતી. જેમાં રોડની બાજુમાં દુકાનોના રૂમો બનાવી દીધા હતા. જેને બુલડોઝર અને ક્રેઇનથી હટાવી દેવામાં આવ્યું હતું.
હવે કડોદરા નગર ઉપર ઠેર ઠેર સીસીટીવી કેમેરા વોચ રાખશે
પલસાણા : કડોદરા નગર પાલિકામાં ૨.૪ કરોડના ખર્ચે સીસીટીવી કેમેરા મુકવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. આ કેમેરા ૨૦૦ મીટર સુધીની રેન્જ કવર કરશે. કેમેરા નગરના ફરતે ચલથાણ, હરીપુરા, ઉંભેળ અને તાતીથૈયાની મુખ્ય એન્ટ્રી કવર કરશે જેથી કડોદરા પોલીસને પણ તેનો લાભ મળી શકશે. કડોદરા નગર પાલિકામાં ગુજરાત સરકારની સ્વર્ણીમ જ્યંતિ મુખ્ય મંત્રી યોજના અંતર્ગત ૨.૪ કરોડના ખર્ચે સીસીટીવી મુકવાનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. કડોદરાના ૧૬ જેટલા લોકેશન સાથે એન્ટ્રી પોંઇન્ટ પણ કવર કરશે. કડોદરા નગરમાં કેનાલ રોડ, અકળામુખી મંદીર, નુરીમીડિયા, જેવા ૧૬ લોકેશન ઉપર કેમેરા મુકવામાં આવશે.
જેમાં ગુજરાતમાં પ્રથમવાર ૮ મેગા પિક્સલના બુલેટ ૪૮ કેમેરા મુકવામાં આવશે. જે કેમેરા ૫૦ થી ૭૦ મીટર દુર સુધીની રેન્જ કવર કરશે. તેમજ એએનપીઆર કેમેરા કે જે ૭૦ કી.મીની સ્પીડ ઉપર પણ વાહનોની નંબર પ્લેટ ડિટેક્ટ કરશે. તેમજ મુખ્ય માર્ગો ઉપ૨ ૨૭ જેટલા કેમેરા મુકવામાં આવશે. જેનાથી દરેક સિરિઝની ગાડીઓ દિવસ દરમિયાન કેટલી વખત અને કયા સમયે પસાર થઈ તે ગણતરી પણ ઓટોમેટિક થશે. ૨૦૦ મીટર રેન્જ કેપચર કરે તેવા ૩૬૦ પેનેરોમિક પીટીએલ પાંચ કીલો વજન ધરાવતા મુખ્ય ૬ એન્ટ્રીઓ પર મુકવામાં આવશે. આમ કડોદરા નગરમાં સીસીટીવી કેમેરાનુ કામ શરૂ થતા કડોદરા નગર માં થતી ગુનાખોરીને અંકુશમાં લેવા માટે કડોદરા પોલીસને મોટી સફળતા મળશે.
સીસીટીવી કેમેરાનું ઓપરેટિંગ કડોદરા પોલીસ કરશે : અંકુરભાઇ દેસાઇ
કડોદરા નગરમાં બે કરોડથી વધુના ખર્ચે સાકાર થનાર સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનું સંપૂર્ણ ઓપરેટિંગ કડોદરા પોલીસને સોપવામાં આવશે. જેથી તેઓ સીસીટીવીના માધ્યમથી સમગ્ર નગર પર વોચ રાખી શકાય અને કડોદરામાં સુલેહશાંતિનું વાતાવરણ ઉભુ થાય તેમ કડોદરા નગર પાલિકાના કારોબારી અધ્યક્ષ અંકુરભાઇ દેસાઇ દ્વારા જણાવ્યુ હતું.