ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ અમદાવાદ વચ્ચે સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટ (High Speed Rail Project) શરૂ થતા રાજકોટ સૌરાષ્ટ્રના લોકો ગણતરીના કલાકમાં જ અમદાવાદ પહોંચી શકશે. આ પ્રોજેક્ટના ડીપીઆર (DPR) વેસ્ટર્ન રેલવે દ્વારા તૈયાર કરીને કેન્દ્ર સરકારના રેલ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યા છે જે હવે નિર્ણાયક તબક્કામાં છે. ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રિય રેલ્વે મંત્રી અશ્વિની કુમારે અમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટમાં કેન્દ્ર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. શનિવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેંદ્રીય રેલવે મંત્રી (Railway Minister) અશ્વિની વૈષ્ણવ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. અશ્વિની વૈષ્ણવે રેલવે વિભાગ દ્વારા આ પ્રોજેક્ટને સાકાર કરવા બાબતે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે.
ગાંધીનગર રેલવે સ્ટેશન તેમજ અન્ય રેલવે પ્રોજેક્ટના પ્રધાનમંત્રીના હસ્તે શુક્રવારે થયેલા વર્ચ્યુઅલ લોકાર્પણમાં રેલવે મંત્રી ગાંધીનગરમાં હાજર રહ્યા હતા. તેઓ ગુજરાતની મુલાકાતે હતા અને મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી રૂપાણીની સાથે બેઠક ફળદાયી નિવડી હતી.
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓનો આ સેમી હાઇસ્પિડ રેલ માર્ગ અમદાવાદ સાથેની કનેક્ટિવિટી વધુ સુવિધાપૂર્ણ, ઝડપી, માર્ગ પરના ટ્રાફીકને હળવો કરનારી અને પર્યાવરણ પ્રિય ટ્રાન્સપોર્ટેશનને વેગ આપનારી બનશે. અમદાવાદ-રાજકોટ વચ્ચેનું ૨૨૫ કિમીનું અંતર આ સેમી હાઇસ્પિડ રેલની ૨૨૦ કિમી પ્રતિકલાકની ઝડપના પરિણામે બે કલાકથી પણ ઓછા સમયમાં પુરૂ થશે. આ પ્રોજેક્ટના DPR વેસ્ટર્ન રેલવે દ્વારા તૈયાર કરીને કેન્દ્ર સરકારના રેલ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યા છે તે પણ નિર્ણાયક તબક્કામાં છે. આ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટ શરૂ થતા રાજકોટ સૌરાષ્ટ્રના લોકો ઝડપથી અમદાવાદ આવીને અને ભવિષ્યમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન શરૂ થતા એક જ દિવસમાં સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્રથી મુંબઇ જઇને પરત આવવાની સગવડ મેળવી શકશે.
આ અંગે સીએમ રૂપાણીએ કહયું હતું કે સરકારે ફાટક મુક્ત ગુજરાતનો જે સંકલ્પ કર્યો છે તે ઝડપથી પૂર્ણ કરાશે. રાજ્યના શહેરો, નગરોમાં રેલવે ફાટકને પરિણામે ટ્રાફીક સમસ્યા, ઇંધણ અને સમયનો જે વ્યય થાય છે તે દુર થાય, લોકોને ઇઝ ઓફ લિવિંગ-ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન મળે તેવો આ પ્રોજેક્ટનો મુળ હેતુ છે. બેઠકમાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ગુજરાતના આ મહત્વકાંક્ષી ડ્રીમ પ્રોજેક્ટ વેળાસર પૂર્ણ થાય તે માટે તેમના મંત્રાલય તરફથી જરૂરી યોગ્ય મદદ-સહાયની ખાતરી આપી હતી.