હાઈ બી. પી., હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ બહુધા વારસાગત રોગો છે. આ રોગોનાં ચિહ્નો ઘણી વાર વર્ષો સુધી જણાતાં નથી અને જયારે હાર્ટએટેક, પેરેલિસીસ કે કિડની ફેલ્યોરનું નિદાન થતાં બાપરે કહીને બેસી જતાં તમને બ્લડપ્રેશરનો પ્રોબ્લેમ છે ની જાણકારી મળે ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. હાઈ B.P.ને એટલા માટે Silent Killer તરીકે ઓળખવામાં આવે છે. નવાઈ એ છે કે હાઈ બ્લડપ્રેશરને ઘણાં લોકો રોગ-બીમારી નથી સમજતાં. આ રોગની શરૂઆત છે અને એનો અનાદર તમને ભવિષ્યમાં મોટી મુસીબતમાં મૂકી શકે છે. બ્લડપ્રેશરના ઉપલા આંકને Systolic B.P. અને નીચલા આંકને Diastolic B.P.તરીકે ઓળખવામાં આવે છે.
- 1. નોર્મલ બ્લડપ્રેશર એટલે 120/80 નીચે.
- 2. B.P. ઊંચું છે 120-129/80 થી વધારે. જો અહીં ધ્યાન ન રાખતાં, લાઈફ -સ્ટાઈલ ન બદલાય તો ભવિષ્યમાં તમને આ રોગ થવાની સંભાવના વધશે.
- 3. સ્ટેજ-1: 130-139/80/90 અહીં લાઈફ-સ્ટાઈલની સાથે ડૉકટર તમને દવા પણ આપે.
- 4. સ્ટેજ-2 : 140/90 કરતાં વધારે. અહીં ડૉકટર તમને દવા આપવાની ચાલુ કરશે.
- 5. Hypertensive Crisis 180-120 કરતાં આંક ઊંચો.
અહીં હાર્ટએટેક અને લકવાની શકયતા વધુ. અહીં તરત જ ડ\કટરનો સંપર્ક કરી ટ્રીટમેન્ટ લેવી અત્યંત જરૂરી છે નહીં તો જાન જોખમમાં મુકાવાનો ભય છે. બ્લડપ્રેશરની બીમારી હોય તો માથામાં દુખાવો થાય, આંખને જોવામાં તકલીફ થાય. પણ જો સાથે છાતીમાં દુખાવો થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, વાંસામાં દુખાવો થાય, હાથપગ સૂના લાગે, બોલવામાં તકલીફ થાય તો તરત ડૉકટરનો સંપર્ક કરવો જોઈએ.
હાઈ B.P. ના રોગના બે પ્રકાર છે. 1. Primary Hypertension: જે મોટે ભાગે વારસાગત હોય છે એને નાબૂદ કરવાનો કોઇ ઉપાય ઉપલબ્ધ નથી. માત્ર અહીં દવાઓ દ્વારા એને કંટ્રોલમાં રાખી શકાય. આ ઉપરાંત ઉંમરને કારણે થતાં શરીરમાં ફેરફાર જેમ કે ધમનીઓની વિસ્તરણની ક્ષમતામાં થતાં ઘટાડાને કારણે પ્રતિકાર અવરોધ વહેતા લોહીને નડતાં હૃદયને વધુ જોરથી સંકોચાવાનો પ્રયત્ન કરવો પડે જેથી તમારું B.P. વધવા લાગે અથવા કિડનીમાં થતાં ફેરફારો અને તમારા આસપાસના વાતાવરણની અસર અનહેલ્ધી લાઈફ-સ્ટાઈલ અને વજનમાં વધારો પણ ભાગ ભજવે.
2. Secondary Hypertension જેમાં કોઇ કારણસર તમારું B.P. વધે. જેમ કે મૂત્રપિંડના રોગ, થાઈરોઇડ કે એડ્રિનલ (Adrenal) ગ્લેન્ડના રોગ, અમુક દવાઓની આડઅસર, એ સાથે ડ્રગ્સનું સેવન, વધારે પડતાં આલ્કોહોલનો ઉપયોગ. માનસિક તણાવ. આની ટ્રીટમેન્ટ કરાવવાથી B.P. ફરી નોર્મલ બની શકે છે. તમને હાઈ B.P. છેનું નિદાન થતાં જ અમુક તપાસ, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, આંખની તપાસ, ચેસ્ટ એકસ-રે અને જરૂર હોય તો કિડની અને હાર્ટની અલ્ટ્રાસાઉન્ડ દ્વારા ટેસ્ટ જેથી કરી B.P.ને લીધે થયેલા નુકસાનનો ડૉકટરને અને તમને સાચો ખ્યાલ આવે. જો B.P.ની બીમારી વારસાગત હોય તો વીસ વર્ષની ઉંમર બાદ દર વર્ષે B.P. ચેક કરાવવું જોઇએ ન હોય તો ચાળીસ વર્ષની ઉંમર બાદ વાર્ષિક ચેક કરાવવું અસ્થાને નથી.
જેવી તમને ખબર પડે કે તમારું B.P. હાઇ છે તો એ જ દિવસથી તમારી જીવનશૈલીને બદલવાની તૈયારી શરૂ કરી દો. મેદસ્વીપણું હોય તો વજન ઉતારો. હેલ્ધી ફૂડ, શાકભાજી, ફળફળાદિનો ઉપયોગ, તળેલા ફાસ્ટફૂડ, હાઇ ચરબીવાળા પદાર્થોનો બહિષ્કાર, ધૂમ્રપાન નિષેધ, આલ્કોહોલનું ઓછું સેવન (એક ડ્રિંક સ્ત્રી અને બે ડ્રિંકસ પુરુષ માટે એક દિવસ દરમિયાન) અથવા એનો સંપૂર્ણ ત્યાગ, માનસિક તણાવથી દૂર પ્રસન્ન વાતાવરણમાં રહો. બેઠાડુ ન બનતાં સક્રિય જીવન ગાળો. એકસરસાઇઝમાં પ્રવૃત્ત રહો. અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસમાં ૩૦ મિનિટની એકસરસાઇઝ કરો. મનને આનંદમાં રાખો.ખોરાકમાં મીઠાનો ઉપયોગ ઓછો કરો. ટેબલ સોલ્ટમાં ૪૦ ટકા સોડિયમ હોય છે. રોજ સોડિયમનું પ્રમાણ ખાવામાં ૧૫૦૦ મી. ગ્રામથી ઓછું હોવું જોઇએ. ફરસાણ અને ચાઇનીઝ ફૂડમાં મીઠું વધારે પ્રમાણમાં વાપરવામાં આવે છે એનો ખ્યાલ રહે.
તમારું B.P. ઉપર ન જાય એ માટે થોડા સહેલા ઉપાયોમાં જો B.P. વારસાગત હોય તો ૨૦ વર્ષની ઉંમરથી ખોરાકમાં મીઠા (સોલ્ટ)નો ઉપયોગ ઘટાડો. રેગ્યુલર એકસરસાઇઝ કરી વજનને કંટ્રોલમાં રાખો. મેદસ્વીપણાથી દૂર રહો. યોગાસન કરો. પૂરતા પ્રમાણમાં ઊંઘ મેળવો. સ્થૂળતા ત્યજો. માનસિક તણાવને ટાળો. નાની ઉંમરથી કેફિન અને નિકોટિનનો બહિષ્કાર કરો. સ્મોકિંગથી તમારી ધમની સંકોચાવાને કારણે B.P. હાઇ જવાનો ભય પેદા થાય છે. ૯૦ ટકા હાઇ B.P. ની બીમારી વારસાગત હોવાથી એને સો ટકા ટાળી શકાતી નથી પણ ઉપર પ્રમાણેની સલાહ એનો ઉપદ્રવ વહેલો આવતાં અટકાવે છે અને કદાચ બીમારીને ગંભીર બનતાં અટકાવે છે તથા દવાઓના ગુલામ થતાં બચાવી શકે છે.