National

દિલ્હીથી ગાયબ થયેલા હેમંત સોરેન 40 કલાક પછી અચાનક રાંચીમાં પ્રગટ થયા

રાંચી(Ranchi): ઝારખંડના (Jharkhand) મુખ્યમંત્રી હેમંત સોરેન (CMHemantSoren) લગભગ 40 કલાક પછી મંગળવારે રાંચી પહોંચ્યા હતા. તે 40 કલાક પહેલાં અચાનક દિલ્હીથી ગાયબ થઈ ગયા હતા. ત્યાર બાદ રાંચીમાં પ્રકટ થયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કથિત જમીન છેતરપિંડીના કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હેમંતની પૂછપરછ કરવા માંગે છે.

EDએ અત્યાર સુધીમાં હેમંત સોરેન વિરુદ્ધ 10 સમન્સ ઈશ્યુ કર્યા છે. એવી ચર્ચા છે કે ED હેમંતની ધરપકડ કરી શકે છે. ધરપકડથી બચવા માટે સોરેન કાનૂની વિકલ્પ શોધી રહ્યા હતા અને તે માટે જ તેઓ અચાનક ગાયબ થઈ ગયા હતા. આ તરફ ભાજપે આ મામલે ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળની સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. હેમંત સોરેનના ગુમ થયેલા વ્યક્તિ તરીકેના પોસ્ટર પણ શેર કરવામાં આવ્યા છે અને ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે.

ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને કહ્યું છે કે અમે મુખ્યમંત્રીના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. રાજ્યપાલે મુખ્ય સચિવ અને ડીજીપીને પણ બોલાવીને માહિતી માંગી છે. DGP અજય કુમાર સિંહ, ગૃહ સચિવ અને મુખ્ય સચિવ મંગળવારે રાજભવન પહોંચ્યા હતા.

મળતી માહિતી મુજબ ઝારખંડમાં તાજા ઘટનાક્રમ બાદ જેએમએમ ગઠબંધન સરકાર મુશ્કેલીમાં છે. ગઠબંધનના તમામ ધારાસભ્યોને રાંચીમાં રહેવા અને રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવા માટે મંગળવારે બેઠકમાં હાજરી આપવા માટે બોલાવવામાં આવ્યા છે. શાસક ગઠબંધનને ડર છે કે ED મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરી શકે છે. JMM, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) ઝારખંડમાં શાસક ગઠબંધનનો ભાગ છે.

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, EDએ મુખ્યમંત્રી હેમંત સોરેનના લોકરમાંથી 40 લાખ રૂપિયાની રોકડ રિકવર કરી છે. છેલ્લા 50 કલાકથી ગાયબ થઈને મુખ્યમંત્રી પોતાની અબજો રૂપિયાની રોકડનો નિકાલ કરી રહ્યા છે?

જેએમએમના જનરલ સેક્રેટરી અને પ્રવક્તા વિનોદ કુમાર સિંહે જણાવ્યું કે, વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને બુધવારે ED દ્વારા મુખ્યમંત્રી હેમંત સોરેનની પ્રસ્તાવિત પૂછપરછ અંગેની વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે આજે બેઠક મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને બોલાવવામાં આવી છે.

Most Popular

To Top