SURAT

સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો, વરાછા-લિંબાયતમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો

સુરત: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી (Rain) માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત (South Gujarat), સૌરાષ્ટ્ર (Saurashtra) મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતમાં (Surat) વહેલી સાવરથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં વરસાદથી કેટલાક વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. અને વાતાવરણમાં ઠંડક પસરી હતી.

સુરતમાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જ્યારે સુરતના વરાછા અને લિંબાયત વિસ્તારમાં બે કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. વરાછા લિંબાયત જેવા વિસ્તારમાં મૂશળધાર વરસાદ વરસાદ રસ્તા પર પાણી ફરી વળ્યું હતું જેના કારણે વાહનચાલકોને હાલાકી થઈ હતી. સુરતના પાલ, અડાજણ, વરાછા, રાંદેર, અઠવાગેટ, ઉધના, લિંબાયત, વેસુ, રીંગરોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અત્યાર સુધીનો વરસાદ
વરાછા અને લિંબાયાતમાં 24 મિમિ વરસાદ ખાબક્યો જ્યારે કતારગામ અને સેન્ટ્રોલ ઝોનમાં 3 મિમિ વરસાદ ખાબક્યો, આ સિવાય અઠવા-14 મિમિ, રાંદેર-12 મિમિ, વરાછા-બીમાં 19 મિમિ અને ઉધનામાં 4 મિમિ વરસાદ નોંધાયો છે.

તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાં ધીમે ધીમે પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હાલ ઉકાઈ ડેમમાંથી 7 હજારથી વધુ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે હાલ ઉકાઈ ડેમની સપાટી 316.02 ફૂટ પર પહોંચી ગઈ છે. તાપી નદીમાં ડેમનું પાણી છોડાતા સુરતમાં આવેલા રાંદેર અને કાતારગામને જોડતા કોઝવેની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલ કોઝવેની સપાટી 5.15 મીટર પર પહોંચી છે. નોંધનીય છે કે કોઝવેની સપાટી 6 મીટરે પહોંચતા ઓવરફ્લો થશે.

રાજ્યના 16 તાલુકામાં છુટોછવાયો વરસાદ: નવસારીના ખેરગામામાં દોઢ ઈંચ વરસાદ
ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 16 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 36 મી.મી. વરસાદ આ ઉપરાંત અમરેલીના બાબરામાં 23 મી.મી., સાબરકાંઠાના ખેડબ્રહ્મા 10 મી.મી., ધરમપુરમાં 10 મી.મી., અમદાવાદના ધંધુકામાં 7 મી.મી., રાજકોટના ગોંડલમાં 6 મી.મી., અમરેલીના વડિયામાં 5 મી.મી., વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરના સાયલા, ગીર સોમનાથના તાલાલા, વડોદરા, ભાવનગર, સહિતના વિસ્તારોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા થયા હતા.

હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના છે. વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પ્રતિ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, પંચમહાલ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, દીવ સહિત અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.


Most Popular

To Top