ગાંધીનગરઃ હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે. અહીંના ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. અહીં 2 કલાકમાં અંદાજે 11 ઈંચ વરસાદ વરસતા ગામ બેટમાં ફેરવાયું હતું. ગામના બજારમાં નદી વહેતી હોઈ તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આ તરફ કેશોદના શેરગઢ, માણાવદરનું જિંજરી ગામમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગીર ગઢડામાં પણ નદી નાળા છલકાયા છે. જ્યારે કલ્યાણપુરમાં 4 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે.
ઉપલેટાના મોજીરા ગામ પાસે આવેલો મોજડેમ 94 ટકાથી વધુ ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ કુલ 44 ફૂટની ક્ષમતા ધરાવતા મોજડેમની સપાટી હાલ 43.10 ફૂટે પહોંચી ગઈ છે. તેમજ ડેમમાં હાલ 1175 ક્યુસેક પાણીની આવક થઈ રહી હોવાથી મોજ નદીનાં કાંઠે આવેલા ગામોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા છે. મોજડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે, માટે લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના આંકડા અનુસાર આજે તા. 22 જુલાઈના રોજ સવારે 10થી 12 વાગ્યા સુધીમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 5.83 ઈંચ, જુનાગઢના માળીયા હાટીનામાં 3.27 ઈંચ, વિસાવદરમાં 2.56 ઈંચ, રાજકોટના ઉપલેટમાં 2.20 ઈંચ અને સુરતના પલસાણામાં 1.65 ઈંચ વરસાદ ખાબક્યો છે.
સવારે 6થી 12 કલાકમાં જુનાગઢના કલ્યાણપુરમાં 10.71 ઈંચ, માણવદરમાં 6.02 ઈંચ, માળીયા હાટીનામાં 5.20 ઈંચ, વિસાવદરમાં 3.82 ઈંચ, કેશોદમાં 2.91 ઈંચ, ઉપલેટામાં 4.96 ઈંચ, ગીર ગઢડામાં 4.72 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં 3.03 ઈંચ, વાપીમાં 2.95 ઈંચ અને સુરતના પલસાણાં 3.54 ઈંચ વરસાદ નોંધાયો છે.