નવસારી: ગત રાત્રે પૂર્ણા નદીના જળસ્તર ભયજનક સપાટી વટાવી જતા નવસારીમાં પૂરના પાણી ભરાયા હતા. જો કે, સોમવારે સવારે શહેરના કેટલાકે વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરી ગયા હતા. પરંતુ હજી પણ કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ભરાયેલા જ રહેતા રહીશો પરેશાન થઇ રહ્યા છે.
ગઈકાલે ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદને પગલે નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદી અને અંબિકા નદીના જળસ્તરમાં અચાનક ધરખમ વધારો થવા લાગ્યો હતો. મોડી સાંજે પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતા નદીના પાણી નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘુસવા લાગ્યા હતા. જેમાં ભેંસતખાડા, કાશીવાડી, રેલવે સ્ટેશનથી વિરાવળ જતા રિંગ રોડ પર, હિદાયતનગર, બંદર રોડ, ગધેવાન મહોલ્લો, કાછીયાવાડી અને શાંતાદેવી રોડ પર પૂરના પાણી ભરાવા લાગ્યા હતા. જેને પગલે 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રાત્રે 2 વાગ્યે સુધી પૂર્ણા નદીનું જળસ્તર 25.50 ફૂટે વહી રહી હતી. જો કે ત્યારબાદ પૂર્ણા નદીના જળસ્તરમાં ઘટાડો થવા લાગ્યો હતો. બીજી તરફ ગત રાત્રે 10 વાગ્યે સુધી અંબિકા નદી 26.40 ફૂટે વહી રહી હતી. ત્યારબાદ અંબિકા નદીના જળસ્તરમાં પણ ઘટાડો થવા લાગ્યો હતો.
આજે બપોરે 12 વાગ્યે સુધી પૂર્ણા નદીનું જળસ્તર ઘટીને 20 ફૂટે આવી જતા શહેરમાં ભરાયેલા પૂરના પાણી ઓસરવા માંડ્યા હતા. ભેંસતખાડા, બંદર રોડ અને શાંતાદેવી રોડના વિવિધ વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરી જતા તંત્ર સહિત સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાણી ઓસરતાની સાથે જ નવસારી મહાનગરપાલિકાના 250 જેટલા સફાઈ કર્મચારીઓ સફાઈ કામમાં જોતરાયા હતા. પરંતુ શહેરમાં રેલવે સ્ટેશનથી વિરાવળ જતા રોડ પરના આવાસ પાસે, રિંગ રોડ પર અને કાશીવાડીમાંથી પૂરના પાણી ઓસર્યા નથી, જેથી સ્થાનિકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે.
નવસારી જિલ્લામાં ગત સાંજ બાદ વરસાદનું જોર ઘટી ગયું હતું, માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. રવિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાકમાં, ખેરગામ તાલુકામાં 18 મિ.મી.., વાંસદા તાલુકામાં 10 મિ.મી.., ચીખલી તાલુકામાં 8 મિ.મી.., નવસારી અને ગણદેવી તાલુકામાં 3-3 મિ.મી.. તેમજ જલાલપોર તાલુકામાં 1 મિ.મી..વરસાદ નોંધાયો છે.
જિલ્લાના 35 રસ્તા બંધ કરાયા
વરસાદી અને નદીના પાણીઓ રસ્તા પર ભરાઈ જતા તંત્ર દ્વારા રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે. આજે જિલ્લામાં તંત્ર દ્વારા 35 રસ્તા બંધ રખાયા છે.