દ્વારકાઃ હવામાન ખાતાની આગાહી અનુસાર આજે શનિવારે પણ ગુજરાતના 66 તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે. ગઈકાલે શુક્રવારે પોરબંદરમાં 24 કલાકમાં 22 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે દ્વારકામાં માત્ર બે કલાકમાં 9 ઈંચ વરસાદ વરસ્યો હતો. દરમિયાન આજે વહેલી સવારથી ફરી દ્વારકા, જુનાગઢ અને ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી.
આજે સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 66 તાલુકામાં વરસાદ પડ્યો છે. ગઈકાલે શુક્રવારની જેમ આજે શનિવારે વહેલી સવારથી દ્વારકા, જુનાગઢ ઉપરાંત ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હોય પોરબંદર અને દ્વારકામાં શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ હતી. જુનાગઢના દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યા છે. અહીં અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે.
આજે બીજા દિવસે શનિવારે પણ દ્વારકામાં ભારે વરસાદ વરસ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં દ્વારકામાં સાડા છ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. તેના લીધે દ્વારકા ડુબી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રસ્તા પર કમર સુધીના પાણી ભરાયા છે. લોકો જેસીબીના સહારે રસ્તા ક્રોસ કરી રહ્યાં છે. જેમાં સૌથી વધુ સાડા છ ઈંચ વરસાદ દ્વારકામાં પડ્યો છે.
આ ઉપરાંત જુનાગઢમાં 4.92 મિ.મી, ગીર સોમનાથમાં 4.61 મિ.મી વરસાદ વરસ્યો છે. જુનાગઢમાં ધોધમાર વરસાદના લીધે ઝાંઝરડાના અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં એક કાર ફસાઈ ગઈ હતી. અહીં જુનાગઢની સાથે ગીર સોમનાથમાં પણ મૂશળધાર વરસાદ વરસતા જુનાગઢનો દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. વેરાવળમાં સાડા ચાર ઈંચ વરસાદ ઝીંકાયો છે, જેના લીધે પ્રભાસ તીર્થનો ત્રિવેણી સંગમ છલકાયો છે.
પોરબંદરમાં 24 કલાકમાં 22 ઈંચ વરસાદ વરસ્યો
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે પોરબંદરમાં ભારે વરસાદ ઝીંકાયો હતો. 24 કલાકમાં 22 ઈંચ વરસાદ વરસતા પોરબંદર જળમગ્ન બની ગયું હતું. અહીં ભારે વરસાદને પગલે વાહનો અને પશુઓ તણાયા હતા. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ હતુ. આવનારા પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને, રાજકોટમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તો ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને, ડાંગમાં પણ ઓરેંજ અલર્ટ સાથે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.