gandhinagar : અમદાવાદ આજે ગાંધીનગરમાં છેલ્લા કેટલાંક દિવસથી ભારે ઉકળાટ અને બફારાની સ્થિતિ વચ્ચે રવિવારે ગાજવીજ સાથે મેઘરાજાની ( monsoon) બીજી ઈનિંગનો આરંભ થયો હતો. ગુજરાત પર સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમ ( law pressure system) ની અસર હેઠળ રાજ્યમાં રવિવારે પોરંબદરમાં દોઢ ઈંચથી વધારે વરસાદ થયો છે. જ્યારે સરેરાશ 52 તાલુકાઓમાં હળવો વરસાદ થયો છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. રાજ્યમાં આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 156 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જેમાં 32 તાલુકાઓમાં સાડા ત્રણ ઈંચથી 1 ઈંચ જેટલો વરસાદ થયો હતો. ખાસ કરીને ધોરાજીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ થયો હતો. તે પછી બીજા ક્રમે ડાંગ આહવામાં 3.2 ઈંચ , ધરમપુરમાં 3 ઈંચ, નર્મદાના નાદોદમાં પોણા ત્રણ ઈંચ, જુનાગઢના માળિયામાં પોણા બે ઈંચ વરસાદ થયો હતો.
ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 15.92 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.34 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 16 ટકા, સૌરાષ્ટ્રમાં 13.69 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 18.14 ટકા વરસાદ થયો છે.અમદાવાદમાં સાંજે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. જેના પગલે અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા શહેરીજનોને રાહત મળી હતી. સાંજે ગાંધીનગરમાં પણ ગાજવીજ શરૂ થઈ જવા પામી હતી. તે પછી ભારે વરસાદ થયો હતો.
રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં પોરબંદરમાં દોઢ ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં સવા ઈંચ, સુરેન્દ્રનરના સાયલામાં સવા ઈંચ, જામજોધપુરમાં સવા ઈંચ, ઈડરમાં સવા ઈંચ, ભાણવડમાં સવા ઈંચ, ચુડામાં પણ સવા ઈંચ, ચોટીલા – થાનગઢમાં 1 ઈંચ, જ્યારે અન્ય તાલુકાઓમાં 20 મીમીથી ઓછો વરસાદ થયો હતો.