ગાંધીનગરમાં મંગળવારે મહેસુલ વિભાગના દ્વારા વેધર વોચ ગ્રુપની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી પાંચ દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે વલસાડ જિલ્લાના ઉમરગામમાં સાડા દસ ઈંચ વરસાદ થયો હતો.
જ્યારે વાપીમાં પોણા પાંચ ઈંચ, વઘાઈમાં સાડા ત્રણ ઈંચ, કપરાડામાં 3 ઈંચ, બનાસકાંઠાના વડગામમાં 3 ઈંચ, ગાંધીનગરના માણસામાં પોણા ત્રણ ઈંચ, વાંસદામાં અઢી ઈંચ, ખેરગામમાં 2 ઈંચ, કઠલાલમાં 2 ઈંચ વરસાદ થયો છે. આ સાથે રાજ્યમાં 20 તાલુકાઓ એવા છે કે જયાં 1થી સાડા દસ ઈંચ જેટલો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં એટલે કે જન્માષ્ટમીના દિને રાજ્યમાં રાજ્યમાં સાર્વત્રિક 155 ટકા જેટલો સાર્વત્રિક વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ મોરવા હડફમાં બે ઈંચ વરસાદ થયો હતો. જ્યારે બીજા ક્રમે ઉત્તર ગુજરાતમા સિદ્ધપુરમાં બે ઈંચ, સાબરકાંઠાના તલોદમાં પણ બે ઈંચ વરસાદ થયો છે.
મહેસુલ વિભાગના અધિક સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. જેમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત નિયામક સી.સી. પટેલે આ બેઠકમાં જણાવ્યુ કે, પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૪૩.૧૪ ટકા છે. જેમાં કચ્છમાં 31.74 ટકા, ઉત્તર ગુજરાતમાં 34.22 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 40.00 ટકા, સૌરાષ્ટ્રમાં 37.54 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 52.61 ટકા વરસાદ થયો છે.
કૃષિ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ચાલુ વર્ષે તા. તા.૩૧ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૮૦.૯૦ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૮૨.૯૮ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૪.૫૭ ટકા વાવેતર થયું છે.
સરદાર સરોવરમાં 46 ટકા જળ સંગ્રહ
સરદાર સરોવર નર્મદા નિગમના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૫૫,૪૧૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના ૪૬.૫૨ ટકા છે. સિંચાઇ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૨,૮૭,૫૩૧ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શક્તિના ૫૧.૫૮ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૬ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૫ જળાશય તેમજ વોર્નિંગ ઉ૫ર-૧૨ જળાશય છે.
ઉત્તર ગુજરાતમાં વીજળી પડતાં બેના મોત
રાજ્યમાં ગઈકાલ સાંજથી વરસાદી માહોલ જામ્યો છે. મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગરમાં ગણપતપુરા ખાતે સોમવારે સાંજના સમયે ખેતરમાંથી ઘાસચારો લઈ આવી રહેલા નાગજીભાઈ અને સુખીબેન પર અચાનક વીજળી પડતાં બંનેના મોત થયા હતા.
અમદાવાદમાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે માંડ 1 ઈંચ વરસાદ પડ્યો
અમદાવાદ: અમદાવાદમાં ઘણા લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ મંગળવારે સવારથી જ આકાશ વાદળછાયું બન્યું હતું. બપોરના સમયે શહેરમાં જોરદાર વરસાદી ઝાપટું પડયું હતું. જેના પગલે પાણી ભરાયા હતા. જોકે અડધો કલાક બાદ વરસાદ શાંત થઇ ગયો હતો, ત્યારબાદ ક્યાંક ઝરમર ઝરમર વરસાદ થયો હતો. અમદાવાદ શહેરમાં આજે સાંજે 4 વાગ્યા સુધી પૂર્વ ઝોન, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 14 મિ.મી, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 38 મિ.મી, મધ્ય ઝોનમાં 19 મિ.મી, ઉત્તર ઝોનમાં 14 મિ.મી, દક્ષિણ ઝોનમાં 27 મિ.મી મળી સરેરાશ 20 મિ.મી જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે મોસમનો કુલ વરસાદ 18 ઇંચ જેટલો નોંધાયો છે