ગુજરાત ઉપર સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં છોટા ઉદેપુરના કવાંટમાં સાડા પાંચ ઈંચ અને ડીસામાં પાંચ ઈંચ વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ પેદા થવા પામી છે. ડીસામાં પાંચ ઈંચ વરસાદના પગલે દુકાનોમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી પરી વળ્યા છે. કવાંટમાં પણ ભારે વરસાદથી નુકસાન થયું છે.
કવાંટ, ડીસા પછી વડોદરાના ડભોઈમાં 3 ઈંચ, હાલોલમાં અઢી ઈંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં બે ઈંચ, દાહોદના ધાનપુરમા પોણા બે ઈંચ, આણંદના બોરસદમાં પોણા બે ઈંચ, દાહોદના સંજેલીમાં પણ પોણા બે ઈંચ વરસાદ થયો છે. એકંદરે રાજ્યમાં આજે 122 તાલુકાઓમાં વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 42 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જેમાં બનાસકાંઠાના દાંતીવાડામાં પોણા છ ઈંચ વરસાદ થયો હતો.
રાજ્યમાં ચોમાસાની માોસમનો 82.40 ટકા વરસાદ થયો હતો. જેમાં કચ્છમાં 87.63 ટકા , ઉત્તર ગુજરાતમાં 66.53 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 73.82 ટકા, સૌરાષ્ટ્રમાં 92.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 82.41 ટકા વરસાદ થયો છે.