Dakshin Gujarat

સુરત-તાપી જિલ્લામાં ધમધોકાર વરસાદ, સૌથી વધુ ઓલપાડ અને ઉમરપાડામાં પડ્યો

સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે મોડી રાતથી જ શ્રીકાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી જ મોટા ભાગનાં તાલુકાઓમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને સુરત શહેરમાં પણ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં બેથી અઢી ફુટ સુધી પાણીનો ભરાવો થતાં વાહન ચાલકોથી માંડીને રાહદારીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હતો.

અલબત્ત, દર વર્ષની જેમ સુરત મહાનગર પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ વધુ એક વખત ખુલ્લી જવા પામી હતી. કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવતી પ્રિ-મોન્સુન કામગીરી છતાં પહેલાં જ વરસાદમાં ઠેકઠેકાણે પાણીનો ભરાવો થતાં મહાનગર પાલિકાની ટીમો દોડતી નજરે પડી હતી.

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર સુરત જિલ્લામાં ઓલપાડ અને ઉમરપાડામાં 3.5 ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો જ્યારે બારડોલી, કામરેજ, માંગરોળ અને પલસાણામાં એકંદરે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લામાં પણ ડોલવણ તાલુકામાં ગણતરીનાં સમયમાં જ 3 ઈંચથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે. જ્યારે સુરત શહેરમાં વરાછા અને કતારગામ ઝોનમાં સૌથી વધુ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જુન મહિનાનાં પહેલા પખવાડિયામાં અસહ્ય ઉકળાટ અને ભારે ગરમી વચ્ચે છેલ્લા ચાર દિવસથી સુરત શહેર- જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. ગઈકાલે સુરત શહેર જિલ્લામાં મેઘરાજાના આંશિક વિરામ બાદ મોડી રાતથી જ કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

સુરત જિલ્લામાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
સુરત મહાનગર પાલિકાના ફ્લડ કંટ્રોલ રૂમનાં જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં બારડોલીમાં 59 મીમી, ચોર્યાસીમાં 9 મીમી, કામરેજમાં 58 મીમી, મહુવામાં 19 મીમી, માંડવીમાં 13 મીમી, માંગરોળમાં 63 મીમી, ઓલપાડમાં 89 મીમી, પલસાણામાં 39 મીમી અને ઉમરપાડામાં 72 મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં એકમાત્ર ચોર્યાસીને બાદ કરતાં મોટા ભાગના તાલુકાઓમાં ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાવા પામ્યા છે.

તાપી જિલ્લામાં મેઘમહેર
આ સિવાય તાપી જિલ્લામાં પણ વ્યારા અને ડોલવણ સહિતના તાલુકાઓમાં પણ મેઘમહેર જોવા મળી હતી. વાલોડમાં 35 મીમી, ઉચ્છલમાં 11 મીમી, સોનગઢમાં 21 મીમી, નિઝરમાં 20 મીમી, વ્યારામાં 45 મીમી, ડોલવણમાં 84 મીમી અને કુકરમુંડામાં 34 મીમી વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લામાં વરસાદને પગલે તાપી નદીમાં પણ નવા નીરનાં આગમન થયા છે.

સુરત શહેરમાં પહેલાં જ વરસાદમાં ઠેરઠેર પાણી ભરાયા
સુરત શહેરનાં સેન્ટ્રલ ઝોનમાં 39 મીમી, રાંદેરમાં 38 મીમી, કતારગામ ઝોનમાં 44 મીમી, વરાછા ઝોન-એમાં 49 મીમી, વરાછા ઝોન-બીમાં 51 મીમી, લિંબાયતમાં 24 મીમી, અઠવા ઝોનમાં 14 મીમી અને ઉધના ઝોનમાં 13 મીમી વરસાદ નોંધાયો છે.

સુરતમાં આજે સવારથી જ ભારે વરસાદને પગલે મહાનગર પાલિકાનાં તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરનાં મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિકને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ખાસ કરીને ક્તારગામ ઝોનમાં ભારે વરસાદને પગલે ફુલપાડા સહિતનાં વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો.

ડાંગ-સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું
સુરતીઓ માટે ચોમાસામાં હોટ ડેસ્ટિનેશન ગણાતાં સાપુતારામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. ખાસ કરીને ગઈકાલે રાતથી અવિરત વરસાદને પગલે ડાંગનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે. આહવામાં આજે બપોર સુધીમાં 11 ઈંચની સાથે વઘઈમાં 9 અને સુબીરમાં પણ 8 ઈંચ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ડાંગની લોકમાતાઓ ભારે વરસાદને પગલે બંને કાંઠે ખળખળ વહેતી નજરે પડી રહી છે. ડાંગ જિલ્લાનો ગીરા ધોધ પણ જળપ્રપાતથી નવસાધ્ય થયો હોય તેમ ભાસી રહ્યું છે.

Most Popular

To Top