સુરતની વિકાસ ગાથાઓ દેશ વિદેશમાં થતી હોય છે. શહેરના શાસકો અને અધિકારીઓ પણ વિકાસના એવોર્ડ લઈ કોલર ઉંચો કરતા નજરે પડતા હોય છે, પરંતુ આજે સુરતનો વિકાસ પાણીમાં તરતો દેખાયો હતો. ચોમાસું બેઠાં પછી પહેલા રાઉન્ડમાં આજે મેઘરાજાએ સુરત શહેરમાં જોરદાર બેટિંગ કરી હતી.
માત્ર 4 કલાકમાં સાડા સાત ઈંચ જેટલો વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા નજારા જોવા મળ્યા હતા. આ સાથે જ તંત્રની પોલ પણ ઉઘાડી પડી હતી. ઠેરઠેર પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાનું છતું થયું હતું, તે ઉપરાંત કેટલાં ઠેકાણે રસ્તાઓ પર ગાબડા અને ભુવા પડવાના બનાવો પણ બન્યા હતા.
સુરતમાં આજના દેમાર વરસાદ બાદ પાણીના ભરાવાની સમસ્યા સાથે હવે ભુવા પડવાની સમસ્યા પણ બહાર આવી રહી છે. શહેરના કતારગામ ઝોનમાં આવેલા અમરોલી વિસ્તારમાં એક મોટો ભુવો પડ્યો છે જોકે, હજી સુધી પાલિકા તંત્ર પહોંચ્યું ન હોવાથી અકસ્માતની ભીતિ છે.
સુરતમાં પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે પહેલેથી જ સવાલ ઉઠી રહ્યા છે તેમાં આજે ઠેર ઠેર પાણીના ભરાવાના કારણે શહેરના અનેક વિસ્તારમાં લોકોની હાલત કફોડી થઈ રહી છે. લોકો પાલિકાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં પાણી ભરાવાની સમસ્યા સાથે સાથે હવે ભુવા પડવાની સમસ્યા શરૂ થઈ છે.
આજે સવારે અમરોલી વિસ્તારમાં આવેલા રજવાડી પાર્ટી પ્લોટ સંસ્કૃત રો-હાઉસ નજીક રસ્તા પર મોટો ભુવો પડી ગયો છે. જોકે, બપોર સુધી તંત્ર પહોંચ્યું ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વરસાદના પાણી ઓસર્યા બાદ અનેક જગ્યાએ ભુવા પડવા કે ટ્રેન્ચ બેસી જવાની ફરિયાદ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.