SURAT

સુરતમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ, સહરા દરવાજાના ગરનાળામાં પાણીની વચ્ચોવચ્ચ બસ બંધ પડી

સુરત: આજે અધિક શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મેઘરાજાની તોફાની સવારી નિકળતા તમામ નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા જન જીવન ખોરવાઈ ગયું હતું. બે કલાકના સમયગાળામાં શહેરના અલગ અલગ વિસ્તારમાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેના લીધે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા.

સવારે નવ વાગ્યા આસપાસ શરૂ થયેલો વરસાદ એક કલાકમાં બે ઈંચ કરતાં વધુ ખાબક્યો હતો. રસ્તાઓ પાણીમાં ગરક થઈ ગયાં હતાં. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લિંબાયતમાં માત્ર 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેને લઇને ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે.

સવારે 10.30 કલાક બાદ તો આખાય શહેરમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. સતત બે કલાકથી વધુ વરસાદ પડ્યો હતો. સવારે 10થી 12 કલાકના બે કલાકના સમયગાળા દરમિયાન સુરત શહેરમાં લગભગ 75 મીમી એટલે કે ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેના લીધે પાલ, અડાજણ, વરાછા, ઉધના દરવાજા, કાદરશાની નાળ, લિંબાયત જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

સહરા દરવાજા પાસેના ગરનાળામાં એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. બસ પાણીની વચ્ચોવચ્ચ બંધ પડી જતા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. મુસાફરોને બારીમાંથી બહાર કાઢવા પડ્યા હતા. બીજી તરફ સહરા દરવાજા નજીક આવેલી સ્મીમેર હોસ્પિટલની અંદર પાણી ભરાઈ ગયા હતા. લીકેજના લીધે સીટી સ્કેન, એક્સરે ડિપાર્ટમેન્ટમાં પાણીબરાયા હતા.

હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ફરી શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જનજીવનને પણ અસર પહોંચી રહી છે. ભારે વરસાદના કારણે રસ્તાઓની સાથે સાથે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો અને ગરનાળામાં પણ પાણી ભરાઈ જવાના કારણે વાહનો રસ્તા પર બંધ થઈ જતાં પણ જોવા મળ્યાં હતાં.

ભારે વરસાદના કારણે કામકાજ અર્થે નિકળેલા લોકો ભીંજાય ને કામકાજ પર જવા મજબુર બન્યા હતા. એક ધારો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી પાણી જ દેખાય રહ્યય હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી હતી. જેના કારણે તંત્ર દ્વારા પ્રિ મોન્સૂન સહિતની કામગીરી પર પાણી ફરી વળ્યું હતું.

આ અગાઉ સોમવારે સુરત શહેરમાં વરસાદે વિરામ લીધો હતો. બપોરે અમુક વિસ્તારોમાં એકાદ ભારે ઝાપટા બાદ સૂર્યનારાયણે સોનેરી કિરણો પાથરતા વાતાવરણ ખીલી ઉઠ્યું હતું. જિલ્લામાં માંડવીમાં એક ઇંચ અને બારડોલીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાયના તમામ તાલુકા કોરાકટ રહ્યાં હતાં. ઉકાઈ ડેમના ઉપરવાસની વાત કરીએ તો સોમવારે ઉપરવાસમાં પણ વરસાદે વિરામ લીધો હતો. ચીખલધરામાં 10 મીમી, ચાંદપુરમાં 28.40 મીમી અને ઉકાઈમાં 13 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાયના કેટલાક રેઈનગેજ સ્ટેશન પર સામાન્ય 1 મીમીથી લઈને 5 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.

Most Popular

To Top