Gujarat Main

મધ્ય-ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી

ગાંધીનગર: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ચોમાસું મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પહોંચ્યું છે. સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ સોમવારે મોડી રાતથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યાં છે. સોમવારે સવારે 6 વાગ્યાથી આજે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ પડ્યો છે, તેમાં સૌથી વધુ ખેડા જિલ્લાના માતરમાં 5 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ પડ્યો છે.

અમદાવાદ શહેરમાં બે કલાકમાં મેઘરાજા ધોધમાર વરસ્યા છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, અને કેટલાંય વૃક્ષો ધરાશાયી થયા છે. ઉત્તર ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવ્લી સહિતના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડતા લોકોએ બફારામાંથી છૂટકારો મેળવ્યો છે.

આ અગાઉ અમદાવાદમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાની અને રોડ બેસી જવાની ઘટના બની હતી. અહીંના સરસપુર વિસ્તારની ગોદાણી હોસ્પિટલની સામે આવેલા સોમનાથ નાગરદાસની ચાલીના મકાનમાં ઘરની અંદર આવલું મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. ઘરના બે સભ્યોને સામાન્ય ઇજા થઇ હતી. માણેકબાગમાં ચાર રસ્તા પાસે રોડ બેસી ગયો હતો. ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા નજીક ભુવો પડ્યો હતો.

આ તરફ મધ્ય ગુજરાતના દાહોડ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામી પાનમ નદીમાં ટ્રેક્ટર તણાયાની ઘટના બની છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે પાનમ નદીમાં અચાનક પુર આવ્યું હતું, જેના કારણે નદીમાં રેતી ભરવા ગયેલા ટ્રેક્ટર ચાલક સહિત અન્ય એક નદીમાં ફસાયા છે.

Most Popular

To Top