હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ (Orange Alert)જાહેર કર્યું તે સાચું પડ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર મેઘરાજા મનભરીને વરસી રહ્યાં (Heavy Rain) છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હજુ થોડા દિવસ વરસાદી માહોલ જળવાઈ રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
દરમિયાન આજે સવારથી જ પંચમહાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અહીંના જાંબુઘોડા પંથકમાં 4 કલાકમાં 5.5 ઈંચ વરસાદ વરસ્યો છે, જેના લીધે આખાય પંથકમાં પાણી ભરાઈ ગયા છે. નદી, નાળાં ઉભરાયા છે. પંચમહાલ જિલ્લાના ચેરાપુંજી કહેવાતા જાંબુઘોડામાં આભ ફાટી પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. અહીંના નારુંકોટ, ઝંડ હનુમાન, હાથણી માતા વિસ્તારની નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
- બોડેલીમાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ પડતા જોજવા આડબંધ ઓવરફ્લો થયો
- છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં પાણી આવતા બે કાંઠે વહી રહી છે
- સંખેડા તાલુકાનું કાવીઠા ગામ વરસાદને લીધે નદીઓ ઉભરાઈ જતા સંપર્કવિહોણું બન્યું
છોટાઉદેપુરમાં આજે સતત બીજા દિવસે ભારે વરસાદ વરસ્યો છે. અહીંના બોડેલીમાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તાર અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. બોડેલી તાલુકામાં આવલો જોજવા આડબંધ ઓવરફ્લો થયો છે. ઓરસંગ નદીમાં પાણીની આવક થતાં જોજવા આડબંધ ઓવરફ્લો થયો છે. બીજી તરફ નસવાડી તાલુકામાંથી પસાર થતી અશ્વિન નદી પણ બે કાંઠે વહી રહી છે. જેને પગલે વાગિયા મહુડા તરફથી નસવાડી જવાના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં પાણી આવતા બે કાંઠે વહી રહી છે. આ સિઝનમાં પાંચમી વખત ઓરસંગ નદીમાં પાણી આવતા બે કાંઠે થઇ છે.
આ તરફ વડોદરા શહેરમાં પણ સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ સંખેડા તાલુકાનું કાવીઠા ગામ વરસાદને લીધે નદીઓ ઉભરાઈ જતા સંપર્કવિહોણું બન્યું છે. સંખેડાના માલુ ગામમાં 20થી વધુ ઘરો પાણીમાં ડૂબી ગયા છે. અહીંના પોલ્ટ્રી ફાર્મમાં પાણી ભરાઈ જતા 800 મરઘા ડૂબી ગયા છે.
- અરવલ્લી જિલ્લાની વાત્રક નદીમાં નવા નીર આવ્યા
- સંખેડાના માલુ ગામના પોલ્ટ્રી ફાર્મમાં પાણી ભરાતા 800 મરઘા ડૂબી ગયા
- પરાડા તાલુકાના ફતેપુર ગામમાં લો-લેવલનો કોઝવે ઉભરાયો
આ તરફ રાજકોટના ધોરાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના રજાનગર વિસ્તારમાં ભારે વરસાદના લીધે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ અરવલ્લી જિલ્લાની વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે. સૂકીભઠ્ઠ વાત્રક નદી બંને કાંઠે વહેવા લાગી છે. વાત્રક પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. પાવાગઢમાં વરસાદ જામતા પવિત્રધામના પગથિયાં પર પાણી ખળખળ વહેવા લાગ્યા છે.
વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ
દક્ષિણ ગુજરાતના નવસારીમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વલસાડના કપરાડા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે. કપરાડા તાલુકાના ફતેપુર ગામમાં લો-લેવલનો કોઝવે ઉભરાયો છે. તેથી મોટાભાગના ગામો સંપર્કવિહોણા થયા છે. સુરત શહેરમાં આજે આકાશ સાફ રહ્યું હતું. અહીં સવારે અમુુક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. ત્યાર બાદ દિવસભર વાતાવરણ સ્વચ્છ રહ્યું હતું.
આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત, વડોદરા, પંચમહાલ, આણંદમાં ભારે વરસાદ વરસી શકે
હવામાન વિભાગ દ્વારા બે દિવસ બાદ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. ભાદરવો ભરપૂરની ઉક્તિ સાચી પડે તેમ લાગી રહ્યું છે. વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદમાં ભારે વરસાદ વરસી શકે છે. બે દિવસ પછી દક્ષિણ ગુજરાતમાં પણ મેહૂલો તોફાન કરે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં પણ છૂટોછવાયો વરસાદ વરસે તો નવાઈ નહીં. ચાલુ સપ્તાહ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે.