નવી દિલ્હી: ગ્રીસમાં (Greece) એક ભયનાક ટ્રેન અકસ્માત (Train Accident) સર્જાયો છે. ગ્રીસમાં બે ટ્રેનો વચ્ચેની ભયાનક અથડામણમાં 26 લોકોના મોત (Death) થયા છે. આ અકસ્માતમાં 85 થી વધુ લોકો ઘાયલ (Injured) થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે.
અકસ્માતની જાણ થતા જ રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રેનમાંથી લાંબા સમય સુધી ધુમાડો નીકળતો રહ્યો હતો. ત્યાર બાદ બચાવકર્મીઓએ ટોર્ચ વડે ટ્રેનમાં ફસાયેલા મુસાફરોની શોધખોળ કરી તેમને બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માત મોડી રાત્રે થયો હતો. આટલી મોટી દુર્ઘટના કેવી રીતે સર્જાય તે હજી સુધી જાણી શકાયું નથી.
ગ્રીસના થેસાલી ક્ષેત્રના ગવર્નરે જણાવ્યું કે એક પેસેન્જર ટ્રેન એથેન્સથી ઉત્તરીય શહેર થેસાલોનિકી જઈ રહી હતી, જ્યારે બીજી માલગાડી થેસાલોનિકીથી લારિસા આવી રહી હતી. આ બંને ટ્રેનો લારિસા શહેર પહેલા ટકરાઈ હતી. અકસ્માત બાદ ટ્રેનોની ટક્કરનો વીડિયો અને ફોટ્સ સામે આવ્યા હતા. દુર્ઘટના બાદ તસવીરોમાં ટ્રેકની બાજુમાં ટ્રેનના ડબ્બા દેખાય છે. તસવીરમાં જોઈ શકાય તેમ ધુમાડાઓ પણ દેખાઈ રહ્યા છે. બચાવકર્મીઓ સતત કામગીરી કરી રહ્યા છે. એગોરાસ્ટોસે જણાવ્યું કે ટ્રેનમાં લગભગ 350 લોકો સવાર હતા. જેમાંથી 250 મુસાફરોને ટ્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને બસોમાં થેસાલોનિકી શહેરમાં મોકલવામાં આવ્યા હતા.
ઘટના સમયે નજીકથી પસાર થઈ રહેલા વ્યક્તિના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ અફરાતફરી મચી ગઈ હતી. ટક્કર બાદ એવું લાગ્યું કે જાણે ભૂકંપ આવ્યો હોય. લોકો જોરજોરથી બૂમો પાડી રહ્યા હતા અને મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. દુર્ઘટના બાદ ફાયર વિભાગના પ્રવક્તા વાસિલિસ વર્થાકોગિઆનિસે જણાવ્યું હતું કે અકસ્માત બાદ લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. અકસ્માત સમયે સ્થળ પર હાજર લોકોએ પણ પેસેન્જરોને બચાવવામાં રેસ્ક્યુ ટીમની મદદ કરી હતી. ઘટનાના થોડા સમય બાદ ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કાર્યમાં જોડાયેલા એક બચાવકર્મીએ જણાવ્યું કે, રાત્રે ગાઢ અંધકાર તેમજ દુર્ઘટના બાદ બધે ધુમાડો ફેલાઈ જવાને કારણે બચાવ કામગીરી ચલાવવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ ટીમ તેના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.