ક્લાઈમેટ ચેન્જ ગણો કે પછી વાતાવરણને થતું નુકસાન, દુનિયામાં ધીરેધીરે ગરમી વધી રહી છે. આ વખતે જ ભારતમાં તપાવી દે તેવી ગરમી શરૂ થઈ ગઈ છે. ગરમીને પગલે લોકો હેરાન પણ થઈ રહ્યા છે. દર વર્ષે ભારતમાં હીટવેવને કારણે મોતનો આંકડો સૌથી વધુ હોય છે. આ વખતની ગરમીથી ત્રાહિમામ થઈ ગયા હોય તો પણ એ ધ્યાનમાં રાખવા જેવું છે કે આગામી વર્ષોમાં ગરમી એટલે કે હીટવેવ વધશે. હીટવેવ અંગે ભારતીય હવામાન વિભાગે 25મી એપ્રિલે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં એવું જણાવ્યું છે કે, આગામી 2060 સુધી હીટવેવ પોતાનું રૌદ્રરૂપ બતાવશે.
ત્યાં સુધી દર વર્ષે હીટવેવના ગાળામાં 12થી 18 દિવસનો વધારો જોવા મળશે. હવામાન વિભાગના આ રિપોર્ટમાં ચેતવણી પણ આપવામાં આવી છે. ‘હીટ એન્ડ કોલ્ડ વેવ પ્રોસેસિસ એન્ડ પ્રિડિક્શનન્સ ઈન ઈન્ડિયા’ શીર્ષક ધરાવતા આ રિપોર્ટમાં વેન્ટિલેશન અને ઈન્સ્યુલેશન દ્વારા ભારતમાં ઈમારતોને સુધારવાની ચર્ચા પણ કરવામાં આવી છે. સાથે સાથે ગરમીની પ્રતિકૂળ અસરોથી કેવી રીતે બચી શકાય, કેવી રીતે કામના સમયમાં ફેરફાર કરવો, ગરમી અંગે લોકોને જાણ કરવાથી માંડીને અનેક ભલામણો પણ રજૂ કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગના રિપોર્ટમાં જણાવાયું છે કે, ઉષ્ણકટિબંધીય ચક્રવાતના અપવાદ સિવાય અન્ય કુદરતી જોખમોની તુલનામાં ભારતમાં હીટવેવને કારણે સૌથી વધુ મોત થાય છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા 1061થી શરૂ કરીને 2020 સુધીના ડેટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે તાપમાન 40 ડિગ્રી પર પહોંચી જાય ત્યારે હીટવેવ શરૂ થઈ જાય છે. ભારતમાં વિવિધ રાજ્યોમાં જ્યારે તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધી જાય અને તેમાં પણ આ વિસ્તારના તાપમાન તેના સરેરાશ તાપમાનથી સાડા છ ડિગ્રી જેટલું વધી જાય તો હીટવેવ સર્જાય છે.
આ તાપમાન પ્રમાણે જ હીટવેવ અને તેનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. છેલ્લા 30 વર્ષમાં હીટવેવની ઘટનાઓ વધવા માંડી છે. સામાન્ય રીતે અગાઉ હીટવેવની ઘટના વર્ષમાં એક કે બે વખત થતી હતી પરંતુ હવે તેમાં વધારો થઈ ગયો છે. 30 વર્ષમાં હીટવેવમાં 3 દિવસનો વધારો થઈ ગયો છે. હાલમાં અનેક વિસ્તારો એવા છે કે જેમાં હીટવેવનો સમયગાળો 10 દિવસનો છે. જ્યારે કેટલાક વિસ્તારો એવા પણ છે કે જેમાં હીટવેવનો ગાળો 15 દિવસનો છે.
હીટવેવમાં વધારો થવાના અને ભવિષ્યમાં પણ હીટવેવ વધવાના કારણોમાં ગ્લોબલ વોર્મિંગનો વધારો જવાબદાર છે. જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ વધે છે તેમ તેમ હીટવેવ વધવાની સંભાવના વધી જાય છે. ગ્લોબલ વોર્મિંગને કારણે જ વર્ષ 2060 સુધીમાં 2 હીટવેવ વધવાની સંભાવના છે. જમીનના ભેજમાં ઘટાડો અને સાથે સાથે ગરમીના પ્રવાહને કારણે હીટવેવ વધે છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલો આ રિપોર્ટ ભારત માટે ચિંતાજનક છે. આમ પણ ભારતમાં હીટવેવને કારણે થતાં મોતની સંખ્યા વધારે છે ત્યારે હીટવેવને ખાળવા માટે સરકાર અને લોકોએ પગલા લેવા જરૂરી છે.
ગરમીનો સામનો કરવા માટે હવે મોટાભાગના મકાનોમાં એસી લગાડવામાં આવી રહ્યા છે. એસીથી જે તે મકાનમાં ઠંડક મળે છે પરંતુ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે જ છે. જંગલો પણ કપાઈ રહ્યા હોવાથી ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. હીટવેવને ખાળવા માટે વૃક્ષ વાવવાથી માંડીને કેવી રીતે ગરમીનું પ્રમાણ ઘટે તે માટેના પગલા લેવા જરૂરી છે. જો સરકાર અને લોકો પોતે નહીં સમજે તો આગામી દિવસો ગરમીથી શેકાવાના હશે તે નક્કી છે.