દક્ષિણની સફળ ફિલ્મોને હિન્દીમાં ફરી બનાવવાનું ચલણ વધી રહ્યું છે. તેલુગુ હીટ ફિલ્મ – ‘હીટ – ધ ફર્સ્ટ કેસ’, એ જ નામથી અને એ જ દિગ્દર્શક દ્વારા અને કોઈ ફેરફાર વિના ફરી હિન્દીમાં બનાવવામાં આવી છે. થોડા દિવસ થિયેટરમાં રાખ્યા પછી એને OTT પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી છે. પોલીસ વડા (દિલીપ તાહિલ)ને હોમિસાઇડ ઇન્ટરવેનશન ટીમ (હીટ ) ના ઇન્સ્પેકટર વિક્રમ (રાજકુમાર રાવ)ની સક્ષમતા પર ઘણો વિશ્વાસ છે. જો કે વિક્રમ ભૂતકાળમાં એક પ્રિયજનને ગુમાવી ચૂક્યો છે અને તેને કારણે PTSD (પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર)થી પીડાય છે. પણ તેની નાની નાની વસ્તુઓ ઝીણવટથી જોવાની ટેવને લીધે ઘણો સફળ છે.
ફોરેન્સિક વિભાગમાં કામ કરતી નેહા (સાન્યા મલ્હોત્રા) સાથે એના પ્રેમસંબંધ છે. પોલીસ ઓફિસર રોહિત એનો જુનિયર સાથી અને મિત્ર છે જયારે પોલીસ ઓફિસર અક્ષય સાથે એને બનતું નથી. પ્રીતિ નામની છોકરીની હાઇવે પર ગાડી બગડે છે. એ પોતાનો ફોન ભૂલી ગઈ છે એટલે પસાર થતા પોલીસ ઓફિસર ઇબ્રાહિમના ફોનથી પોતાના પિતાને ત્યાં બોલાવે છે. થોડા સમય પછી ઇબ્રાહિમ એને એક ભૂરી ગાડીમાં બેસતી દૂરથી જુએ છે. પછી એના પિતા આવીને એ મળતી નથી એવી ફરિયાદ કરે છે. ઇબ્રાહિમ તેમની સાથે તોછડાઈથી વર્તે છે એટલે એને સસ્પેન્ડ કરી દેવાય છે. કોઈ જગ્યાએ લાશ છે એવી નનામી ચિઠ્ઠી મળે છે.
પોલીસ ટીમ અટવાય છે પણ વિક્રમ આવીને ઘાસના નિરીક્ષણ પરથી જગ્યા શોધે છે. બળેલી લાશ મળવાથી વિક્રમને ભૂતકાળ તાજો થાય છે અને માનસિક શાંતિ માટે તેને 6 મહિના રજા પર જવાનું કહેવાય છે. થોડા સમય પછી સાન્યાનું પણ અપહરણ થાય છે એટલે વિજય ફરજ પર પાછો ફરે છે પણ સાન્યાનો કેસ અક્ષયના હાથમાં છે અને અક્ષયને વિક્રમ પર શકે છે. અક્ષય રોહિત સાથે મળી પોતાની તપાસ શરૂ કરે છે. તેને લાગે છે કે સાન્યાને પ્રીતિના કેસમાં કંઈ મળ્યું હોવું જોઈએ એટલે એનું અપહરણ કરવામાં આવ્યું છે.
પ્રીતિ કેસની ફરી તપાસ શરૂ થાય છે. ખબર પડે છે કે તે અનાથ હતી અને તેને દત્તક લેવામાં આવી હતી. દત્તક માતા-પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા પછી પિતાના ભાઈ-ભાભી એના હાલના માતા-પિતા હતા. વિક્રમ તેમની, પાડોશી મિત્ર શીલા અને અનાથાશ્રમની સંચાલિકાની તપાસ કરે છે. થોડી અપેક્ષિત ટ્વિસ્ટ પછી વિક્રમ સત્ય સુધી પહોંચે છે. ગુનેગાર જેલમાં જાય છે અને સાન્યા હેમખેમ એની પાસે પાછી ફરે છે. પણ બેઉ જયારે એમની ગાડીમાં બેસવા જાય ત્યારે એમની પર ગોળી છૂટે છે – હીટ – થઈ સેકન્ડ કેસ ની પૂર્વભૂમિકા બની ગઈ છે!
અપહરણ-ખૂન-સસ્પેન્સ તરીકે મોટે ભાગે જકડી રાખવામાં ફિલ્મ સફળ રહે છે. પહેલા આપણા હીરો બધા બત્રીસલક્ષણા સુપરમેન હતા. હવે લગભગ બધાના ભૂતકાળમાં ઘણી તકલીફો હોય છે અને તેમનો માનવીય ચહેરો બતાવાય છે. રાજકુમાર રાવ સારા એક્ટર તરીકે હિન્દી ફિલ્મોમાં જામી રહ્યો છે. સાન્યા સારી લાગે છે – એને કઈ ખાસ એક્ટિંગ કરવાનો સ્કોપ નથી. શીલા તરીકે શિલ્પા શુક્લ અને ઇબ્રાહિમ તરીકે મિલિન્દ ગુણાજી નોંધપાત્ર કહેવાય. એકંદરે જોઈ શકાય એવી ફિલ્મ.