નવી દિલ્હી: દેશમાં ખાસ કરીને ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી (Heat) પડી રહી છે અને કેટલાયે ઠેકાણે ગરમીનો પારો ૪૦ ડીગ્રીની ઉપર ગયો છે ત્યારે સખત ગરમીના મોજામાં (Heat Wave) સોમવારથી થોડી રાહત મળી શકે છે તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા ભાગોમાં વરસાદ પણ પડી શકે છે આના કારણે સખત દઝાડતી ગરમીમાં થોડી રાહત મળી શકે છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ત્રીજી મેથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે એમ હવામાન વિભાગે જણાવ્યું છે. ગુજરાતમાં પણ તાપમાન આગામી ચાર દિવસ માટે ત્રણ ડીગ્રી જેટલું નીચું જઇ શકે છે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
દરમ્યાન, કાળઝાળ ગરમી વચ્ચે દેશના કેટલાક ભાગોમાં વરસાદની ઘટનાઓ પણ બની હતી. દક્ષિણ પશ્ચિમ બંગાળમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકો માર્યા ગયા હતા, પોલીસે રવિવારે જણાવ્યું હતું. દરમિયાન હવામાન વિભાગે સોમવારે વિદર્ભ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને પશ્ચિમ રાજસ્થાનના અલગ-અલગ ભાગોમાં હીટવેવની પણ આગાહી કરી છે. બેંગલુરુના કેટલાક ભાગોમાં રવિવારે ભારે વરસાદ થયો હતો. કારણ કે ઉત્તર અને મધ્ય ભારતમાં સખત ગરમી ચાલુ રહી હતી. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ જણાવ્યું હતું કે, સોમવારથી દિલ્હી અને પંજાબ, હરિયાણા દક્ષિણ યુપી અને કચ્છ સહિતના આસપાસના વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ ઓછી થઈ શકે છે. જોકે, હવામાન વિભાગે સોમવારે વિદર્ભ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને પશ્ચિમ રાજસ્થાનના અલગ-અલગ ભાગોમાં હીટવેવની પણ આગાહી કરી છે.
આઈએમડીના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાને કારણે રવિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી સેલ્સિયસ પર સ્થાયી થયું હતું. જે સિઝનની સરેરાશ કરતાં એક ડિગ્રી વધારે હતું. આગાહી દર્શાવે છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શવાની ધારણા છે. હવામાનશાસ્ત્રીએ અલગ-અલગ સ્થળોએ હીટવેવની સ્થિતિ સાથે આંશિક વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે.
પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં તા. 2 અને 3 મેના રોજ અલગ-અલગ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિમાં ધીમે ધીમે ઘટાડો થશે. પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 3 મે સુધી હીટવેવની સ્થિતિ ચાલુ રહે છે. પૂર્વ મધ્ય પ્રદેશ, તેલંગણા, જમ્મુ અને વિદર્ભ 2 મે સુધી. નીચા ઉષ્ણકટિબંધીય સ્તરોમાં સમગ્ર ઉત્તર અને ઉત્તરપૂર્વ ભારતમાં પૂર્વ-પશ્ચિમ હવાના નીચા દબાણવાળો પ્રદેશ, આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારત અને પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળમાં વીજળી અને તેજ પવન સાથે વ્યાપક વરસાદ થવાની સંભાવના છે.
ગરમી સંદર્ભમાં કેન્દ્ર સરકારની રાજ્યોને આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરવા સૂચના
દેશભરમાં વધતા તાપમાન અને હીટવેવ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તેમની આરોગ્ય સુવિધાની તૈયારીની સમીક્ષા કરવા વિનંતી કરી હતી જેમાં જરૂરી દવાઓ અને તમામ જરૂરી સાધનોની પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધતા સામેલ છે સાથે જ મહત્વપૂર્ણ વિસ્તારોમાં પર્યાપ્ત માત્રામાં પીવાના પાણીની વ્યવસ્થાની ખાતરી કરવા અને ઠંડક આપતા સાધનો સરખી રીતે કામ કરી રહ્યા છે તેની ખાતરી કરવા કહ્યું હતું.
શનિવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને મોકલાવેલા પત્રમાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તેમને વિનંતી કરી હતી કે ગરમીથી સંબંધિત બિમારીઓ પર રાષ્ટ્રીય એક્શન પ્લાનમાં જણાવેલ દિશનિર્દેશનો દરેક જિલ્લામાં પ્રચાર કરવામાં આવે જેથી હીટવેવના કેસોનું અસરકારક પ્રબંધન કરી શકાય.
પત્રમાં કહેવાયું હતું કે 1 માર્ચથી તમામ રાજ્યોમાં રોજ ગરમીથી સંબંધિત બીમારી પર જાપ્તો શરૂ કરવામાં આવ્યો હતો.
રાજ્યોને આ રોજના જાપ્તાના અહેવાલ નેશનલ સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ સાથે શેર કરવા કહેવાયું હતું. ભૂષણે પત્રમાં કહ્યું હતું, ‘ભારતીય હવામાન ખાતા દ્વારા રોજના હીટ એલર્ટ રાજ્યો સાથે શેર કરવામાં આવે છે જેમાં આવનારા 3 દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવે છે.’