“બ્યુટીફીકેશનને બદલે બની ગયા ગરીબોના બસેરા” એ હેડીંગ હેઠળ પ્રગટ થયેલી તસવીર અત્યંત હૃદયદ્રાવક છે. દેશની જનતાની આર્થિક સ્થિતિ પર આ તસ્વીરનું ફોકસ છે. શહેરના ફ્લાય ઓવર બ્રિજની નીચે લાખ્ખો રૂપિયાના ખર્ચે પેઇન્ટિંગ કરાવીને સુરત મહાનગરપાલિકા બ્યુટીફીકેશન કરી રહી છે. શહેરની શોભા વધારવાના એક માત્ર ધ્યેય માટે મહાનગરપાલિકા બ્રીજના પેઇન્ટીંગ માટે લાખ્ખો રૂપિયા ખર્ચી રહી છે. પરંતુ કરુણતા એ છે કે શહેરના મોટા ભાગના ઓવર બ્રીજની નીચે ગરીબોનાં રહેઠાણો ઊભાં થઈ ગયાં છે.
ગુજરાત દેશનાં માતબર અને અતિ વિકસિત રાજ્ય હોવાના સરકારના દાવા સામે આ અતિ કરુણ ,હ્રદયદ્રાવક , તસ્વીર ‘ગુજરાતમિત્રે’ પ્રગટ કરી સરકારના દાવાની પોલ ખોલી નાંખી છે. જો ગુજરાતની જ આ દશા હશે, તો દેશનાં બાકીનાં રાજ્યોની દુર્દશા કેવી હશે, તેની કલ્પના જ દિલને ધ્રુજાવનારી બની જાય છે. સ્વતંત્રતાના ૭૫ વર્ષના લાંબા ઇતિહાસમાં દેશનાં વિકાસની તાસીરની આ તસ્વીર વિકાસના ફુગ્ગાની પોલ ખોલી નાંખે છે. દેશનાં મોટાં શહેરોની આવી જ દશા છે. સરકારની આંકડાકીય માહિતી પ્રમાણે કરોડો લોકો બે ટાઈમનું ભોજન મેળવી શકતા નથી, જે દેશની જનતા તેનો જઠરાગ્નિ જ ઠારી શકતી નહીં હોય તો તે રહેઠાણની સમસ્યાનો હલ કેવી રીતે કરી શકે? ભૂખ અને રહેઠાણની સમસ્યાઓને હલ કરવા માટે કરોડો લોકો ઝઝૂમી રહ્યા છે. ઉદ્યોગોનું, ધંધાનું, વ્યાપારના કેન્દ્રીકરણની સરકારની નીતિને કારણે આ સમસ્યા ઓર વકરી રહી છે. ગામડાંઓ ભાંગી રહ્યાં છે. ગામડાંઓની જનતા રોજી રોટી મેળવવા પોતાની ભૂખનો ખાડો, ભૂખનો જઠરાગ્નિ ઠારવા માટે શહેરો તરફ દોટ મૂકે છે.
ગામડાંઓમાં ખેતી સિવાય બીજો કોઈ ધંધો વિકસ્યો નથી. આજે પણ સૌથી વધુ રોજગારી ખેતી ક્ષેત્ર જ આપે છે. પરંતુ આ ક્ષેત્રે પણ ક્ષમતા કરતાં વધુ દબાણ આવ્યું છે. તેથી નિઃસહાય , બેકાર જનતા શહેર તરફ દોટ મૂકે છે. શહેરની પણ એક મર્યાદા હોય છે. આ મર્યાદા પર અતિક્રમણ થવાને કારણે જ આવા હૃદયદ્રાવક ચિત્ર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ખમતીધર ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં પ્રવાસ કરતા લોકો આવાં કરુણ દૃશ્યો જોઈને નાકનું ટેરવું ચઢાવે છે . પરંતુ નિઃસહાય, બેકાર વ્યક્તિઓ પોતાનો તેમજ પોતાના કુટુંબનો પેટનો ખાડો પૂરવા માટે આવી હૃદયદ્રાવક, નિઃસહાય પરિસ્થિતિમાં જીવી રહી છે. ભેસ્તાન – બી. એમ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.