અમદાવાદ: ગયા મહિને તા. 25મી મેના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલા આગ કાંડમાં 28 નિર્દોષોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી સરકાર અને સરકારી તંત્ર સામે ખટલો શરૂ કર્યો છે. આજે તા. 6 જૂનના રોજ આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હતી.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકાર અને તંત્રની બરોબર ઝાટકણી કાઢી હતી. કોર્ટે પૂછ્યું કે, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન શરૂ થયું તે વખતના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને સસ્પેન્ડ કેમ કરાયા નથી? તમે રમત રમો છો. દોષનો ટોપલો બીજા ખાતાના કર્મચારી પર ઢોળો છો. 28 લોકોમાં નિર્દોષ બાળકોના પણ મોત થયા છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર સામે આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ કેમ કરાયો નથી?
હાઈકોર્ટના જ્જ બીરેન વૈષ્ણવ અને જજ દેવેન દેસાઈની બેન્ચ સમક્ષ આજે સુનાવણી ચાલી હતી. રાજકોટ મહાનગર પાલિકા તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને એડિશનલ એડવોકેટ જનરલ મનીષા શાહ હાજર થયા હતા. રાજકોટના ફાયર ઓફિસરો પણ હાજર હતા.
કોર્ટે સીટની રચના અંગે પણ ટીપ્પણી કરતા કહ્યું હતું કે, દુર્ઘટનાઓ બને બાદમાં સીટની રચના થાય છે, પરંતુ દુર્ઘટનાઓ અટકતી નથી. સીટે ફાઈનલ રિપોર્ટ રજૂ કરવા કોર્ટ સમક્ષ બે મહિનાનો સમય માંગ્યો હતો પણ સરકારે 28 જૂન સુધીનો સમય આપ્યો છે. હવે કોર્ટમાં આગામી સુનાવણી 13 જુને હાથ ધરાશે.
હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને કોર્ટ વચ્ચે તીખી દલીલ
આ મામલે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ રાજ્ય સરકાર વિરુદ્ધ દલીલ કરી હતી. ત્રિવેદીએ કહ્યું કે, પુરાવા દૂર કરવા કોણે આદેશ આપ્યા? ત્રિવેદીની દલીલ પર રાજ્ય સરકારે ત્રિવેદીના બોલવા પર વાંધો ઉઠાવ્યો હતો ત્યારે બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું કે, રાજ્ય સરકાર ગુનેગાર વતી રજૂઆત કરી શકતી હોય તો હું કેમ આ મુદ્દે દલીલ ના કરી શકું?