દુબઈ. (Dubai) સંયુક્ત આરબ અમીરાત એટલે કે, યુએઇનું એક એવું શહેર જેના વિશે તમે ઘણું જાણતાં હશો! દુબઈના તમે વીડિયો જોયા હશે, તસવીરો જોઈ હશે, કદાચ ફરી પણ આવ્યાં હશો! દુબઈને વિશ્વનું આધુનિક શહેર કહેવામાં આવે છે પણ દુબઈથી માત્ર ૧૧૭ કિમીના અંતરે એક શહેર આવ્યું છે, નામ છે – મસદાર. એક એવું શહેર (City) જે દુબઈથી ક્યાંય આધુનિક છે. મસદારમાં ગરમી નથી લાગતી, ગાડીઓ ડ્રાઇવર વગર ચાલે છે, માનો કે આ શહેરમાં બધું જ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી ચાલે છે! અલબત્ત, આટલું સાંભળીને ચોંકી ગયા હો તો હજુ ઊભા રહો! મસદારથી પણ એડવાન્સ શહેરનું પ્લાનિંગ યુએઇએ (UAE) કરી નાખ્યું છે! યુએઇના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની કંપની નિઓમ આની પાછળ છે.
પહેલાં થોડું સમજીએ કે, નિઓમ શું છે? રેગિસ્તાનમાં આળોટતી એક એવી કંપની જે ફક્ત ફ્યુચરની વાત કરે છે. ભવિષ્યની ઊર્જા, ભવિષ્યની લાઇફ સ્ટાઇલ, ભવિષ્યમાં પાણી સહિતના સ્ત્રોત વગેરેનું પ્લાનિંગ અત્યારથી થઈ રહ્યું છે. આ કંપનીનો એક જ હેતુ છે કે, પૃથ્વી પરના દરેક રિસોર્સિસને જીવતાં રાખીને એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી જીવન લોકો પૃથ્વી પર જીવે. અત્યારે સૌથી મોટો ખતરો પૃથ્વીને ક્લાઇમેટ ચેન્જનો છે. ક્લાઇમેટ ચેન્જ એટલા માટે કારણ કે, આપણે ધરતી માતાની ઘોર ખોદી રહ્યાં છીએ. પરિણામે પૃથ્વી દિવસે દિવસે ગરમ થઈ રહી છે. જો આમ જ ચાલતું રહ્યું તો ચોક્કસ એક દિવસ આપણે વિનાશ તરફ ધકેલાઈ જઈશું. જો કે, યુવા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન રેગિસ્તાનમાં ભવિષ્યના આધુનિક શહેરોનાં સપનાં સેવી રહ્યાં છે. આ સપનાંને સાકાર કરવા માટે જ તેઓએ નિઓમની શરૂઆત કરી છે. નિઓમનો પહેલો પ્રોજેક્ટ મસદાર સિટી છે. મસદાર હજુ તૈયાર થઈ રહ્યું છે ત્યાં જ એનાથી પણ એડવાન્સ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે.
આ શહેરનું નામ છે – ધ લાઇન અથવા તમે તેને નિયોમ સિટી તરીકે પણ ઓળખી શકો છો. લાલ મહાસાગર નજીક બની રહેલું આ શહેર તેની હેરાન કરી દે એવી અસંખ્ય વિશેષતાઓને કારણે ચર્ચામાં છે. ચાલો તમને આજે ભવિષ્યના આ શહેર વિશે રોચક માહિતી આપીએ. સાથે મસદાર શહેરની કહાની પણ સંભળાવીએ. સૌથી પહેલાં કહાની મસદાર શહેરની. યુએઇમાં આખું વર્ષ ભયંકર ગરમ મોસમ રહેતી હોય છે. આવા તાપમાનને નજરમાં રાખીને મસદારનું ટાઉન પ્લાનિંગ ગજબનું કરવામાં આવ્યું છે. ઈમારતો એવી રીતે બનાવવામાં આવી છે કે, એકબીજાનો પડછાયો એકબીજા પર પડતો રહે છે! ગરમી ઓછી લાગે. સાથે મસદારની ઈમારતો લો કાર્બન સિમેન્ટ અને રિસાઇકલ્ડ એલ્યુમિનિયમથી બનાવવામાં આવી છે. આખું શહેર સ્વચ્છ ઊર્જા પર ચાલે છે. ઉપરાંત શહેરના એક-એક સ્થળે પાણીની ફ્યુમ્સ વરસતી રહે છે, જેથી સડક પર ચાલતાં લોકોની સ્કિનને પવન સ્પર્શ કરે ત્યારે ગરમ ન હોય.
વર્ષ ૨૦૦૮માં મસદાર શહેરનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. પહેલાં આ શહેર ૨૦૨૦માં તૈયાર થઈ જવાનું હતું. હવે આ પ્રોજેક્ટ ૧૦ વર્ષ લેઇટ ચાલી રહ્યો છે. હવે મસદાર વર્ષ ૨૦૩૦ સુધીમાં પૂરેપૂરું તૈયાર થશે. જો કે, ઘણી કંપનીઓ આવી ચૂકી છે, લોકો અહીં રહેવા લાગ્યાં છે.
મસદારમાં મોટાં મોટાં સોલાર પેનલ રેગિસ્તાનમાં લગાવવામાં આવ્યાં છે, જેથી શહેરની ઇલેક્ટ્રિસિટી ત્યાંથી આવી રહી છે. શહેરમાં એવી સ્ટ્રીટલાઇટ લગાડવામાં આવી છે જેમાં સેન્સર છે. રાત થાય એટલે લાઇટ ઓન અને સવાર પડે એટલે ઓટોમેટિક ઓફ થઈ જાય છે. શહેરમાં ટ્રાન્સપોર્ટ માટે પોડ્સ દોડે છે. નાની નાની ટેક્સી જેવી ગાડી. આ પોડમાં કોઈ ડ્રાઇવર નથી હોતા! એલેક્સા અને સીરીની માફક તમારે અંદર બેસીને બોલી દેવાનું કે ક્યાં જવું છે? પોડ તમને ત્યાં પહોંચાડી દેશે! અલબત્ત, આટલું જ નહીં આનાથી પણ ઘણી વધારે વિશેષતાઓ મસદારમાં આવેલી છે. હવે વિચાર કરો કે, મસદાર જો આટલું આધુનિક શહેર બની રહ્યું છે ત્યારે તેનાથી પણ એડવાન્સ શહેરનો પ્લાન કેવો હશે?
હવે વાત કરીએ મસદારથી પણ એડવાન્સ શહેર ધ લાઇનની
૧૭૦ કિમીની સીધી રેખામાં આ શહેર ફેલાયેલું છે! એટલા માટે જ નામ આપવામાં આવ્યું છે – ધ લાઇન. આ શહેર કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મથી કમ નહીં હોય! એક એવું શહેર જ્યાં દુનિયાની બધી સુવિધા માત્ર પાંચ મિનિટના વોકમાં મળી જશે. અને હા, અહીં કોઈ સડક નહીં હોય, કોઈ ગાડીઓ નહીં દોડે, કોઈ હોર્ન નહીં વાગે! મતલબ કે, કોઈ પણ જાતનું પ્રદૂષણ નહીં ફેલાય! એક એવું શહેર જે આખેઆખું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પર સંચાલિત હશે! એક એવું શહેર જે હજારો લોકોને રોજગાર આપશે અને ભવિષ્યની દુનિયાનો પાયો નાખશે. સાંભળવામાં તો કોઈ હોલિવૂડનું મૂવી હોય તેવું લાગે છે ને? દાવો છે કે, આ શહેર ત્રણ લેયરમાં બનશે!
સૌથી ઉપરનું લેયર અસલી જમીન હશે, વૃક્ષો અને બગીચાઓથી ભરેલું. ફક્ત પગે ચાલવા માટે, પ્રકૃતિનો અહેસાસ કરતું શહેર. અહીં સાઈકલ સિવાય કોઈ વાહન નહીં હોય! સૌથી નીચેના લેયરમાં મેટ્રો દોડશે. તમે લાંબી યાત્રા કરવા માગતાં હો તો નીચેના લેયરમાં જતું રહેવાનું, મેટ્રો પકડી લેવાની અને તમારી મંઝિલ સુધી પહોંચી જવાનું. આ મેટ્રો સૌથી ઝડપી હશે કારણ કે, સીધી લાઇનમાં દોડશે. બીજું લેયર પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે હશે. આ લેયરને સર્વિસ લેયર કહેવામાં આવશે.
બીજા લેયરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે બસ હશે, અન્ય સુવિધાઓ હશે, મતલબ કે, માર્કેટ કે ઓફિસ જવું હોય તો આ લેયરમાં આવવું પડશે. ઇઝરાયેલ અને જોર્ડન નજીક લાલ સાગરના કિનારે બની રહેલું આ નિયોમ શહેર ખરેખર કમાલનું હશે! અહીં સમુદ્ર છે, પહાડો છે, રેગિસ્તાન છે વગેરે બધું જ કુદરતી રૂપમાં અવલેબલ છે. અહીં એવી શક્યતાઓ છે જ્યાં એવું શહેર બનાવી શકાય કે ન્યૂયોર્કની જેમ ટ્રાફિક જામ ન હોય, બીજિંગની જેમ દોડતી જિંદગી ન હોય, જપાનની જેમ આપાધાપી ન હોય કે મુંબઈની જેમ સ્લમ ન હોય. અલબત્ત, કલ્પના તો એકદમ સુંદર છે પણ શહેર કેવું હશે તે વર્ષ ૨૦૩૦માં જ જાણવા મળશે. આ શહેર માટે યુએઇની સરકાર અત્યારે પાણીની જેમ પૈસા વાપરી રહી છે. વિદેશી રોકાણ પણ મોટા પાયે થઈ રહ્યું છે. પરિણામ શું આવશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. ત્રણ લેયરમાં શહેર બનાવવું કેટલો સારો આઇડિયા છે? તેના પર આવનારો સમય જ કંઈ જણાવી શકશે, પણ હા, એટલું નક્કી છે કે, પૃથ્વી પર હવે સીમિત સંસાધનો બચ્યાં છે અને વસતી વધી રહી છે ત્યારે શહેરોના વર્તમાન સ્વરૂપને બદલવાં તો પડશે જ. નહીં તો ઇલોન મસ્ક કહે છે તેમ – મંગળ પર જઈને વસવું પડશે.