નડિયાદ : ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશિષ્ટ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. મેળામાં આવનારા પદયાત્રીઓ તથા ભાવિક ભક્તોની આરોગ્યલક્ષી જરૂરીયાત તથા ઈમર્જન્સી માટે કુલ 9 સ્થળોએ મેડીકલ બુથ તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી રણછોડજીનું મંદિર – કનીજ, ઈશ્વર ફાર્મ આમસરણ – મોદજ, ખાત્રજ ચોકડી, સિહુંજ ચોકડી, મહુધા ચોકડી, નાની ખડોલ બસ સ્ટેન્ડ પાસે, અલીણા ચોકડી, કૃષ્ણધામ બોરડી પાસે તથા વન કુટીર ચેતરસુંબા ખાતે મેડિકલ બુથ તૈયાર રાખવામાં આવ્યા છે. પદયાત્રી રૂટ પર કુલ પાંચ પ્રાથમિક સારવાર કેન્દ્રોમાં આયુર્વેદિક/ હોમિયોપેથિક સારવાર મળી રહે તે માટે સારવાર કેન્દ્રો પર આયુર્વેદિક/ હોમિયોપેથિક તબીબોને ફરજ પણ સોંપવામાં આવી છે.
આ ઉપરાંત પીવાના પાણીનું વોટર ક્વોલેટી મોનિટરિંગ આર.સી. ટેસ્ટ દ્વારા તથા કુલ ત્રણ મોબાઇલ ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. આ મોબાઈલ ટીમ રાસ્કાથી ખાત્રજ ચોકડી, ખાત્રજથી મહુઘા ચોકડી તથા મહુધાથી વનકુટીર એમ ત્રણ રૂટ પર મોનીટરીંગ કરશે. આ સાથે ડાકોર શહેરી વિસ્તારમાં 3 મોબાઈલ ટીમો દ્વારા પીવાના પાણીની ટાંકી ટેન્કરોનું ક્લોરીનેશન હાથ ધરવામાં આવશે અને આર.સી. ટેસ્ટની ચકાસણી હાથ ધરવામાં આવશે. ડાકોર નગર સેવાસદન અને ગ્રામપંચાયતોની આરોગ્ય સંલગ્ન (પીવાનું પાણી / સેનીટેશન) અંગે સુપરવિઝન અને મોનીટરીંગ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. તદ્ ઉપરાંત ડાકોર શહેરી વિસ્તારમાં – આરોગ્ય કર્મચારીઓની ટીમો દ્વારા ધર્મશાળાઓ, હોટલો, લારી-ગલ્લાઓ તથા આશ્રયસ્થાનોમાં ક્લોરીનેશન સેનીટેશન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મેડીકલ ટીમો પણ સ્ટેન્ડ બાય
આ ઉપરાંત SDH-ડાકોર ખાતે રેફરલ સેન્ટર અને ખેડા ડાકોર, નડીઆદ ખાતે બેઈઝ હોસ્પિટલ સતત કાર્યશીલ રહેશે. સિવિલ હોસ્પીટલ ખેડા નડીઆદ તરફથી પદયાત્રી રૂટ ઉપર મોબાઈલ મેડીકલ ટીમો પણ તૈનાત કરવામાં આવશે. વધુમાં SDH-ડાકોર ખાતે ઈમરજન્સી રીર્ઝવ ટીમ મેડીકલ ઓફીસરની 12-12 કલાકના અંતરે રાઉન્ડ ધ ક્લોક ડયુટી ગોઠવવામાં આવી છે અને મહુધા ચોકડી SDH – ડાકોર ખાતે મેડીકલ ઓફીસરની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ફાગણી પૂનમ ના મેળા મા ૧૦૮ એમબ્યુલન્સ એલર્ટ મોડ પર
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ખેડા જિલ્લામાં ડાકોર ખાતે હોળી ધુળેટી તહેવાર પર રણછોડરાય ના દરબારમાં ફાગણી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો પગ-પાળા ચાલીને આવીને પૂનમના દિવસે ભગવાન રણછોડરાયના દર્શનનો લ્હાવો લેતા હોય છે. આ મેળા દરમિયાન કોઈ ભક્તોને તકલીફ ન પડે તે માટે ખેડા જિલ્લાના CDHOના માર્ગદર્શન હેઠળ 6 જેટલી 108 એમન્યુલન્સને અલગ અલગ પોઇન્ટ જેવા કે, મહેમદાવાદ, મહુધા, ડાકોર, ઠાસરા, હલધરવાસ, અંબાવ ગામ પાસે તૈનાત કરવામાં આવી છે. પદયાત્રીઓની સુખાકારી અને આરોગ્ય જળવાઈ રહે અને કોઈ કટોકટીમાં ઈમર્જન્સીમાં સેવા મળી રહે તે માટે 108 ઈમરજન્સી ટીમ ખડેપગે રહશે. આ ઇમરજન્સીનું સંચાલન કરવા માટે જિલ્લાના 108ના અધિકારી બળદેવભાઈ રબારી, વિરાટ પંચાલ તેમજ અબ્બાસ નાયાની પદયાત્રીઓના માર્ગ પર રહી સેવા આપશે.
કન્ટ્રોલરૂમ અને ઈમરજન્સી ફોન નંબર
જિલ્લા કક્ષાનો આરોગ્ય કન્ટ્રોલ રૂમ (0268-2532663) જુની જિલ્લા પંચાયત ખાતે તથા ડાકોર નગરપાલિકા ખાતે સ્થાનિક કન્ટરોલ રૂમ (02699-244634) કાર્યરત રહેશે.