SURAT

લાઇટબિલ ભરવાના પણ પૈસા નહીં હોવાથી ડ્રગ વેચવા માંડ્યું

સુરત: શહેરમાં યુવાનોને બરબાદ કરી રહેલા એમડી ડ્રગ્સના છૂટક વેચાણનો પર્દાફાશ કરતી એસઓજી પોલીસે વેસુના ભગવાન મહાવીર કોલેજ પાસેથી રિક્ષાચાલકને ૭૦હજારની કિંમતનો ૭.૦૫૦ ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા છ મહિનાથી ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો હતો અને એક ગ્રામના ૨૦૦૦ રૂપિયા લઈને કોલેજની આસપાસના યુવાનોને ખપાવતો હતો.ડ્રગ્સ આપનાર સૈયદપુરાના સિરાજને વોન્ટેડ જાહેર કર્યો છે.

  • ભગવાન મહાવીર કોલેજ પાસેથી ૭૦ હજારના એમડી સાથે પેડલર પકડાયો

એસઓજી પીઆઈ ટી.બી. પંડયાને બાતમી મળી હતી કે, વેસુ ભગવાન મહાવીર કોલેજ રોડ પર સંગીની ઈ-વોક બિલ્ડિંગની સામે એક રિક્ષાચાલક મોપેડ લઈ એમડી ડ્રગ્સ આપવા આવવાનો છે. બાતમીના આધારે પીએસઆઈ ડી.સી. વાઘેલા તથા તેમની ટીમે ગત ૧૮મીની મોડી રાત્રે ભગવાન મહાવીર ચોકડી પાસે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન ત્યાં બર્ગમેન મોપેડ પર આવેલો મોહંમદ જાફર નજીર અહેમદ અંસારી (ઉં.વ. ૩૫, રહે. ધાસ્તીપુરા, વરિયાળીબજાર, લાલગેટ)ને પકડી પાડવામાં આવ્યો હતો.આરોપીની તલાશી લેતાં તેની પાસેથી રૂ. ૭૦,૫૦૦ની કિંમતના ૭.૦૫૦ ગ્રામ એમડી ડ્રગ્સ, રૂ. ૫૦,૦૦૦ની બર્ગમેન મોપેડ તેમજ એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. કુલ રૂ. ૧,૩૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, તે છ મહિના પહેલાં સૈયદપુરાના રહેવાસી સિરાજ પાસેથી એમડીનો જથ્થો લાવીને શહેરમાં છૂટક વેચાણ કરતો હતો. એક ગ્રામના 2000 રૂપિયા લઈને મુખ્યત્વે કોલેજની આસપાસના યુવાનોને આપતો હતો.

આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે તેના પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા છે અને એક પુત્ર તેની સાથે રહે છે. ઘરનું લાઈટ બિલ ન ભરાતાં ડીજીવીસીએલે કનેક્શન કાપી નાખ્યું હતું. ઘરખર્ચ અને લાઈટ બિલ ભરવા માટે તેને આર્થિક તંગી હોવાથી તેણે ડ્રગ્સના વેચાણનો રવાડે ચઢ્યો હોવાનું રટણ કર્યું હતું.પોલીસે મોહમંદ જાફર વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.જ્યારે ડ્રગ્સ આપનાર સૈયદપુરાના સિરાજને વોન્ટેડ જાહેર કર્યો છે.અલથાણ પોલીસેને વધુ તપાસ સોંપતા આરોપીને કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે.

Most Popular

To Top