બિહારમાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન જ્યારે પત્રકારે તેજસ્વી યાદવને ચિરાગ પાસવાન વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ મોટા ભાઈ છે.. તેમણે હવે લગ્ન કરી લેવા જોઈએ… આ દરમિયાન સ્ટેજ પર તેમની સાથે હાજર રાહુલ ગાંધીએ હસીને કહ્યું કે આ વાત મને પણ લાગુ પડે છે.
મતદાર અધિકાર યાત્રાના 8મા દિવસે રાહુલ-તેજસ્વીનો કાફલો અરરિયા પહોંચ્યો. અહીં મીડિયા સાથે વાત કરતા તેજસ્વી યાદવે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને લગ્ન કરવાની સલાહ આપી. ચિરાગ વિશેના પ્રશ્ન પર વિપક્ષના નેતાએ કહ્યું, ‘તે એક ખાસ વ્યક્તિના હનુમાન છે. અમે જનતાના હનુમાન છીએ. ચિરાગ પાસવાન આજે કોઈ મુદ્દો નથી. હું ચોક્કસપણે તેમને સલાહ આપીશ, તે અમારા મોટા ભાઈ છે અને તેમણે શક્ય તેટલી વહેલી તકે લગ્ન કરી લેવા જોઈએ.’ આ નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યું, “આ મને પણ લાગુ પડે છે.” આના પર તેજસ્વીએ કહ્યું કે પપ્પા તમને લાંબા સમયથી લગ્ન કરવાનું કહી રહ્યા છે. આ દરમિયાન બંને નેતાઓ હસતા અને એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા.
રવિવારે સવારે યાત્રા પૂર્ણિયાથી શરૂ થઈ હતી જ્યાં રાહુલ ગાંધીએ મોટરસાઈકલ ચલાવી હતી. આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજેશ રામ તેમની પાછળ બેઠેલા જોવા મળ્યા હતા. રાહુલ 2 કિમી બાઇક ચલાવીને ગયા હતા. આ દરમિયાન તેમનો એક સમર્થક અચાનક સામે આવ્યો. રાહુલ કંઈ સમજે તે પહેલાં તેણે લોકસભામાં વિરોધ પક્ષના નેતાને ચુંબન કર્યું. ત્યાં સુધીમાં સુરક્ષા રક્ષકો પહોંચી ગયા અને તે યુવાનને પકડી લીધો હતો.
તેજસ્વી યાદવ બીજી બાઈક પર જોવા મળ્યા હતા. તેમની પાછળ એક બોડીગાર્ડ હતો. તેજસ્વી યાદવની સાથે મુકેશ સાહની, CPI(ML) નેતા દીપાંકર ભટ્ટાચાર્ય, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ યાત્રામાં હાજર હતા.
પૂર્ણિયાથી અરરિયા જતી વખતે રાહુલ ગાંધી જલાલગઢ બ્લોકના એક ઢાબા પર રોકાયા અને ચા પીધી. તેઓ લગભગ 30 મિનિટ સુધી ઢાબા પર રોકાયા. તેમણે ઢાબા માલિકના ખબરઅંતર પણ પૂછ્યા. અહીંથી રાહુલ ગાંધી આજે સાંજે દિલ્હી જવા રવાના થશે. આવતીકાલે સોમવારે યાત્રામાં એક દિવસનો વિરામ રહેશે. પ્રિયંકા ગાંધી પણ 26 ઓગસ્ટે યાત્રામાં જોડાશે. મતદાર અધિકાર યાત્રા દરમિયાન 1300 કિમીનું અંતર કાપવામાં આવશે. આ યાત્રા 17 ઓગસ્ટે સાસારામથી શરૂ થઈ હતી. આ યાત્રા 16 દિવસના સમયગાળામાં 20 થી વધુ જિલ્લાઓમાંથી પસાર થશે અને 1 સપ્ટેમ્બરે પટનામાં રેલી સાથે સમાપ્ત થશે.