સુરતઃ સુરત (Surat) જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા બાદ હજીરા, (Hazira) દામકા, ભટલાઈ અને વાંસવામાં ઠેરઠેર કેમિકલ વેસ્ટના (Chemical Waste) ડુંગરો ઉભા કરી દેવાયા છે. આ વિસ્તારમાંથી પસાર થતા જ જાણે ડુંગરાળ પ્રદેશમાં પહોંચી ગયા હોય તેમ કતારબંધ કચરાના ઢગલા જોવા મળે છે.
સુરત શહેરના ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટથી ધમધમતા ચોર્યાસી તાલુકામાં પારાવાર ફરિયાદો ઉઠે છે. હજીરામાં સરકારી જમીન પર ગેરકાયદે ભાડા વસૂલીથી શરૂ કરી ખાનગી જમીનોમાં પણ આડેધડ વગર પરવાનગીએ કચરાનો વેસ્ટ નાખવામાં આવી રહ્યો છે. ગયા સપ્તાહમાં જ મોરાની સરકારી જમીન પર બનેલા વિવાદી ક્રિકેટ ગ્રાઉન્ડ બાદ વધુ એક સ્ફોટક મામલો બહાર આવ્યો છે. જેને લઈને આસપાસના ગ્રામજનોમાં પણ ભારે આક્રોશ ફેલાયો છે.
હજીરાના મોરા, જુનાગામ, વાંસવા, ભટલાઈ, દામકામાં મોટાપાયે કેમિકલ વેસ્ટ અને ભંગાર નાખી દેવામાં આવી હતી. ભાડાની આવકની લાલચે જમીન માલિકોએ ખાનગી જમીન પણ નિકંદન કાઢવા દલાલોને સોંપી દીધી છે. ગામોના સ્થાનિક સરપંચોની મીલીભગતથી પોતાના જ ગામ પર લોકોના જીવના જોખમ ઊભા કરાયા છે. આ અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ કમલેશ સુરતીએ છેલ્લા બે વર્ષથી કલેક્ટર, મામલતદાર, જીપીસીબી, ટીડીઓ, ડીડીઓ સહિત વિભાગના દરેક અધિકારીને ફરિયાદ કરી છે. પરંતુ તંત્ર કોઈ પગલા ભરતું નથી.
કેમિકલ વેસ્ટના કાંઠાનાં ગામોમાં કાળી મેસની ચાદર
હજીરા વિસ્તારમાં કંપનીઓમાંથી નીકળતો કેમિકલ વેસ્ટ વગર પરવાનગીએ અને લોકોના જીવના જોખમે સંગ્રહ કરવાનું પ્રવૃત્તિથી મોટું જોખમ ઊભું થયું છે. હજીરામાં આમેય કેન્સર પેશન્ટોની સંખ્યા અધધ છે. તેની વચ્ચે ફરી બહાર આવેલી આવી ઘટનાઓથી લોકો પણ પરેશાન છે. હજીરા વિસ્તારના ગામોની સડકો, મેદાનો અને મકાનના ઓટલા અને ધાબાઓ પર કાળી મેસની ચાદર છવાઈ જાય છે. સ્થાનિક લોકો અવારનવાર આ અંગે કકળાટ મચાવે છે. પરંતુ રાજનેતા અને અધિકારીઓની ભાઈબંધીથી આ ગોરખધંધો વધુ મજબૂત બન્યો છે.
કેમિકલ વેસ્ટ ચારેય બાજુ કવર કરી સંગ્રહ કરવો જોઈએ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઈડલાઈન મુજબ જે રીતે કેમિકલ વેસ્ટનું નિકાલ કરવાનો હોય છે. તે અત્યંત કપરી અને વિકટ છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ કેમિકલનો કચરાની ચારેય બાજુ શેડ ઊભા કરી જમીનમાં પાંચ મીટર નીચે દાટવાના હોય છે. જેથી જમીનની ઉપરના સ્તરની ફળદ્રુપતા પર માઠી અસર ન પડે. પરંતુ જમીન માલીકો અને જીપીસીબીના દલાલ બનેલા કેટલાક અધિકારીઓના પાપે ગ્રામજનો પર સંકટ તોળાઈ રહ્યું છે. સાથે સાથએ જમીનની ફળદ્રુપતાની પણ ઘોર ખોદાઈ ગઈ છે.
આ સરકારી અને ખાનગી નંબરો પર ગેરકાયદે દબાણ
હજીરા ખાતે જે સરકારી જમીન પર કેમિકલ વેસ્ટ ઠાલલવામાં આવે છે તેની વિગતો જોઈએ તો ચોર્યાસી મોરા ગામમાં બ.નં. 72 પૈકી 2, 139 પૈકી 2, 159/2 પ્લસ 3, 154/1, 154/4/2, જુના ગામમાં બ.ન. સ.નં. 19 પૈકી 3, રાજગરીના બ.નં. 167, ભટલાઈમાં બં.નં 56 પૈકી 5, વાંસવામાં બ.નં 152, 133 તથા દામકામાં આવેલી સરકારી બ્લોક નંબર 285 વાળી જમીન ઉપર ગેરકાયદે કચરાના ડુંગર બની ગયા છે.