સુરત(Surat) : હજીરા (Hazira) કાંઠા વિસ્તારના 13 ગામનું પ્રતિનિધિત્વ કરતી વિકાસ સહકારી મંડળીની (Vikash Co Operative Society) ચૂંટણીનું (Election) ચોંકાવનારું પરિણામ આવ્યું છે. ભાજપનો (BJP) ગઢ ગણાતા આ ગામોની મંડળીમાં ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડી નહોતી. આવું પહેલીવાર જોવા મળ્યું હતું. આજે આ ચૂંટણીનું પરિણામ જાહેર થયું તેમાં દિપક પટેલ (દામકા) પ્રમુખ તરીકે વિજયી બન્યા છે.
ગઈ તારીખ 18 -9 -22 રવિવાર હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળીની ચૂંટણી યોજવામાં આવી હતી. આ મંડળી હજીરા, જૂનાગામ, સુવાલી, રાજગરી, મોરા, ભટલાઇ, દામકા, વાંસવા, કવાસ, ઇચ્છાપોર, ભાઠા, ભાટપોર અને પાલ એમ કુલ 13 ગામોમાં કાર્યક્ષેત્ર ધરાવતી મંડળી છે તેમજ હજીરા કાંઠા વિસ્તાર ભાજપ પાર્ટી નો ગઢ ગણાય છે. આ હજીરા કાંઠાના ગામોની સહકારી મંડળીમાં આમ આદમી પાર્ટી સમર્થક એક સામાન્ય કાર્યકર સામે હારી જવાની બીકથી ભાજપના મોટા ગજાના નેતાઓએ ઉમેદવારી પણ ન નોંધાવી હતી.
નવાઈની વાત તો એ હતી કે ભાજપના ગઢમાં હજીરા કાંઠા સહકારી મંડળીની ચૂંટણીમાં પ્રમુખ પદના બંને ઉમેદવાર આમ આદમી પાર્ટીના સમર્થક હતા. જ્યારે ભાજપને પ્રમુખ પદમાં ઉમેદવાર પણ મળ્યા ન હતા. જેથી ભાજપના મોટા ગજાના નેતાઓએ મજબૂરી વશ આપના ઉમેદવારને મત આપવા પડ્યા હતા. હજીરા કાંઠા મંડળીમાં દીપક પટેલ( દામકા) અને યોગેશ પટેલ (ઇચ્છાપોર ) વચ્ચે સીધો જંગ ખેલાયો હતો . જેમાં, દિપક પટેલ (દામકા ) ને 589 મત મળ્યા હતા જ્યારે યોગેશ પટેલ (ઈચ્છાપોર) ને (541) મત મળ્યા હતા. જેમાં દીપક પટેલ દામકાને 48 મતે વિજય થયો હતો.
પ્રમુખ પદના ઉમેદવાર
- દિપકભાઇ ડી પટેલ = 589
- યોગેશ પટેલ = 541
- દિપકભાઇ ડી પટેલ ને 48 મત વધુ મળતા તેમનો વિજય થયો.
ઉપ પ્રમુખ પદના ઉમેદવાર
- મહેશભાઈ પટેલ = 580
- સુરેશભાઈ પટેલ =536
- મહેશભાઈ પટેલને 44 મત વધુ મળતા તેમનો વિજય થયો.
મહામંત્રી પદના ઉમેદવાર
- ભગુભાઈ પટેલ =827
- મણીભાઈ પટેલ = 278
- ભગુભાઈ પટેલ ને 549 મત વધુ મળતા તેમનો વિજય થયો.
આ એ જ દિપક પટેલ છે જેમને હજીરા કાંઠા વિસ્તારના ગંભીર પ્રશ્નો બાબતે મંત્રી મુકેશ પટેલ દુર્લક્ષતા દર્શાવતા મુખ્યમંત્રીને સીધી ફરિયાદ કરી બાંયો ચડાવી હતી. દીપક પટેલ એક નવયુવાન છે. જે હજીરા કાંઠા વિસ્તારમાં રોજગારી અને પ્રદૂષણ બાબતે ઘણા સમયથી કંપનીઓ સામે સતત લડી રહ્યા છે. હજીરા કાંઠા વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં ભાજપના નેતાઓ આ પ્રશ્નોનું ઉકેલ લાવી શક્યા નથી. જેથી હજીરા કાંઠા વિસ્તારના તમામ લોકોમાં ભાજપ પ્રત્યે ઘણો વિરોધ છે. જેથી હજીરા કાંઠા વિસ્તારની પ્રજા હવે પરિવર્તન ઈચ્છી રહી છે. એવું લાગી રહ્યું છે. જો ભાજપ સરકાર વિધાનસભા ચૂંટણી પહેલા હજીરા કાંઠા વિસ્તાર રોજગારી પ્રદૂષણ જેવા ગંભીર પ્રશ્નોનું નિરાકરણ ન લાવી તો આવનારી વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જ મોટું નુકસાન થવાના ભણકાણા વાગી રહ્યા છે. તે ચોક્કસ દેખાઈ રહ્યું છે