સુરત(Surat) : હજીરાથી (Hazira) ભાવનગરના (Bhavnagar) ઘોઘા (Ghogha) જતી રો-રો ફેરી સર્વિસના (Ro Ro Ferry Service) સમયમાં ફેરફાર કરવામાં આવતા પેસેન્જરો (Passengers) અટવાયા હતાં. સવારે 8 ને બદલે 11 વાગ્યે પણ ફેરી સર્વિસ નહીં ઉપાડતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. સવારે 7 વાગ્યે મુસાફરો ફેરી સર્વિસના ટર્મિનલ (Terminal) પર પહોંચેલા પેસેન્જરોને 8 વાગ્યાની રો-રો ફેરી માટે બેસાડી રાખી 11 વાગ્યા સુધી કોઈ ઉત્તર નહીં આપતાં પેસેન્જરોએ ફેરી સર્વિસના વિરોધમાં સૂત્રોચ્ચાર પોકાર્યા હતાં. સવારે 8 વાગ્યાને બદલે 11 વાગ્યા પછી રો-રો ફેરી ઊપડશે તેવા જવાબ મળતા મુસાફરો નારાજ થયા હતાં. કેટલાક પેસેન્જર નવરાત્રિની પૂજા માટે ભાવનગર જઈ રહ્યાં હતાં. તો કેટલાક હાઈવેની 9 કલાકની મુસાફરી 3 થી 4 કલાકની થઇ શકે એ માટે ફેરી સર્વિસમાં જવા આવ્યાં હતાં. આ પેસેન્જર હજીરા તરમીનલમાં 4 કલાક સુધી અટવાાઈ પડ્યાં હતાં.
- સવારે 7 વાગ્યાના ટર્મિનલ પર મુસાફરો પહોંચ્યા હતા અને 11 વાગ્યા સુધી જહાજ ઉપાડ્યું નહીં
- ફેરી સર્વિંસ કંપની દ્વારા કોઈ જાણકારી આપવામાં આવતો નહીં હોય મુસાફરો ગુસ્સે ભરાયા
- ઘોઘા પહોંચતા ત્રણ કલાક થાય અને ટર્મિનલ પર જ ચાર કલાક થઇ જતા પેસેન્જરનો સૂત્રોચ્ચાર
હજીરા રો-રો ફેરી સ્ટેશને રોષ વ્યક્ત કરતાં પેસેન્જર નિતેશ લકુમે પત્રકારોને કહ્યું હતું કે, સુરતના હજીરા ખાતેથી ભાવનગરના ઘોઘા સુધી દરિયા માર્ગે જવા સવારે 7 વાગ્યે ટર્મિનલમાં પેસેન્જર મોટી સંખ્યામાં આવ્યા હતાં. ફેરીનો ઉપાડવાનો સમય સવારે 8 વાગ્યાનો છે. પણ વિલંબથી ઉપડશે એવી પ્રાથમિક માહિતી આપ્યા પછી 10 વાગી ગયા હોવા છતાં કોઈ ઉત્તર નહીં મળતા પેસેન્જરોએ સૂત્રોચ્ચાર કરતાં 11 વાગ્યા પછી ફેરી સર્વિસનું જહાજ ઉપડશે એવી જાહેરાત કરવામાં આવી હતી. જેથી પેસેન્જર વધુ રોષે ભરાયા હતાં.
મુસાફરોને ટર્મિનલના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો. તે પછી પેસેન્જરોને શાંત કરવા 11 વાગ્યા બાદ જહાજ ઊપડશે એવી જાહેરાત કરવામાં આવી હતી. તેવું મુસાફરોને જણાવવામાં આવ્યું હતું. જેને લઈને વહેલી સવારના આવેલા મુસાફરો રોષે ભરાયા હતા. બાળકો અને મહિલાઓ સાથે વાહનો લઈ આવેલા પેસેન્જરોને ફેરી વિલંબિત થતાં પીવાના પાણીથી લઈ નાસ્તા સુધીનો વધારાનો ખર્ચ કરવો પડ્યો હતો.11 વાગ્યા પછી ફેરી સર્વિસ ઘોઘા જવા રવાના થઇ હતી.