સુરત: હજીરાથી (Hazira) ભાવનગરના ઘોઘા જતી રો-રો ફેરી સર્વિસ (BhavnagarGhoghaRoRoFerry) તા.10થી 12 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં (ArebianSea) બિપોરજોય વાવાઝોડાને (BiparjoyCyclone) લીધે સાવચેતીનાં પગલાં સ્વરૂપે DG કનેક્ટ રોપેક્સ ફેરી સર્વિસ દ્વારા ત્રણ દિવસ ફેરી સર્વિસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
ફેરી સર્વિસના કેપ્ટન દેવેન્દ્ર મનરાલે જણાવ્યું હતું કે, અત્યારે દરિયામાં નોર્મલ સિઝન છે. અમારી ગણતરી મુજબ વાવાઝોડું અમરોલી-પીપાવાવથી 800 કિ.મી. દૂર દરિયાથી પસાર થઈ શકે છે. ભાવનગરનું ઘોઘા અહીંથી ખૂબ દૂર છે. છતાં રાજ્યના હવામાન ખાતાની આગાહીની ધ્યાને રાખી ત્રણ દિવસ ઓપરેશન બંધ રાખીશું.
જો વાવાઝોડું ફંટાઈ જશે તો સેવા સરકારની સૂચના પછી ફરી શરૂ કરીશું. હજીરા ઘોઘા રો-રો ફેરી સર્વિસ માટે અગાઉથી જેમણે ટિકિટ બુક કરી છે, તેમને આગળની તારીખ જોઈતી હશે તો આપીશું. કોઈ રિફંડ ઈચ્છશે તો પણ ચૂકવીશું. સુરતના હજીરાથી ઘોઘાની ગુજરાતની પ્રથમ ફેરી સર્વિસ સફળ રહી છે. પણ મગદલ્લાથી વિક્ટર અને પીપાવાવની ફેરી સર્વિસની જાહેરાત પછી કોઈ નક્કર કામગીરી થઈ નથી.
બિપોરજોય વાવાઝોડાને લઈ મનપાએ જોખમી હોર્ડિગ્સો ઉતારી લીધા
સુરત: હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે બિપોરજોય વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારથી જ દરિયામાં કરંટ જોવા મળતાં ભારે મોજા ઉછળતાં દરિયો આગામી બે દિવસમાં ગાંડોતૂર બને તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિમાં શહેર – જિલ્લાના તમામ બીચો પર સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બીજી તરફ વાવાઝોડાની તીવ્રતાને ધ્યાને રાખીને સુરત મહાનગર પાલિકા સહિત જિલ્લાના તમામ અધિકારીઓ – કર્મચારીઓને પણ હેડ ક્વાર્ટર ન છોડવા અંગેનો આદેશ ફરમાવવામાં આવ્યો છે. તેમજ મનપા તંત્ર દ્વારા પણ બિપોરજોય વાવાઝોડાને લઈ શહેરના વિવિધ ઝોન વિસ્તારમાંથી જોખમી હોય તેવા હોર્ડિગ્સ ઉતારી લીધા હતા. હાઈરાઈઝ કોમ્પલેક્ષ અને ઈમારતો પર આવેલા જોખમી બેનરો – ર્હોડિંગ્સ ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી.