સુરત: શહેરના ચોર્યાસી તાલુકાના હજીરાના (Hazira) દામકા અને મોરા ગામની (Mora village) સરકારી જમીન ધણીધોરી વગરની તો બની ગઇ છે, પરંતુ તેની સમેત કેટલાક ખાનગી બ્લોક નંબરોની ખેતીલાયક જમીનો (Lend) ઉપર લોખંડની ભૂકી અને સ્લેજનો ખડકલો કરી દેવાયો છે.સુરત શહેર અને ફરતેના વિસ્તારોમાં પ્રદૂષણની ભયંકર સમસ્યા છે. શિયાળો શરૂ થતાં રાત પડતા જ શહેરમાં ધુમાડાના ગોટેગોટા ફરી વળે છે. શહેરના રહેણાક વિસ્તારોમાં પણ પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે. તેની સાથે સાથે ચોર્યાસી તાલુકાના હજીરા પટ્ટી ઉપર આવેલા દામકા અને મોરા સહિત અનેક ગામોમાં ઝેરી કચરાનું પ્રમાણ વધી રહ્યું છે.કંપનીઓમાંથી નીકળતા કચરાના નિકાલ માટે કેટલાક જાણીતા ચહેરાઓ લાંબી ટૂંકી રકમના ઇજારા લે છે. પરંતુ તે પછી કચરાનો પ્રોપર નિકાલ કરતા નથી. જેને લઇને સમસ્ત હજીરા પટ્ટીનાં ગામોમાં ઘાતક બીમારીઓનું સંકટ તોળાઇ રહ્યું છે. ચોર્યાસી તાલુકાનાં કેટલાંક ગામના સ્થાનિક નેતાઓએ આડેધડ ઇજારાઓ લીધા છે.
આ મામલે સ્થાનિક તલાટી અને સરપંચ સહિત નેતાઓ પણ વાકેફ છે
પરંતુ કોઇ શરતોનું પરિપાલન કરતા નથી.મોરા અને દામકાના સરકારી જમીન ઉપર આ કોન્ટ્રાક્ટરોએ બારોબાર કચરો ખડકી દીધો છે. આ મામલે સ્થાનિક તલાટી અને સરપંચ સહિત નેતાઓ પણ વાકેફ છે. પરંતુ કહેવાય છે ભાગબટાઇમાં તમામને એમનાં લેવલ મુજબ કમિશન કટકે કટકે આપવામાં આવે છે. જેને કારણે સરકારી જમીનની રખેવાળી કરવાને બદલે દામકા અને મોરા ગામના તલાટીએ આંખે પાટા બાંધી લીધા છે. ગુજરાતમિત્ર પાસે તે સિવાય પણ બીજી સ્ફોટક વિગતો આવી છે. જે મુજબ સરકારી નંબરો સમેત ખાનગી જમીનોમાં પણ કચરાનો ખડકલો કરી દેવાયો છે. આ જમીનો ખેતીલાયક છે. હાલની તારીખે પણ રેવન્યુ રેકર્ડ ઉપર જમીનો ખેતીલાયક છે. છતાં તેનો બિનખેતી ઉપયોગ કરાઇ રહ્યો છે.
સોમવારે સ્થળ તપાસ કરી સેમ્પલ લેવા જીપીસીબીની ધરપત
હજીરાના દામકા અને મોરા ગામની સરકારી જમીનો ઉપર ગેરકાયદે રીતે કેમિકલ વેસ્ટનો ખડકલો કરી જમીનોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે. આ મામલે અગાઉ પણ સ્થાનિક રહીશ કમલેશ સુરતીએ જિલ્લા કલેક્ટર, પ્રાંત ઓલપાડ સહિત જીપીસીબી અને સરકારમાં રજૂઆતો કરી છે. પરંતુ સ્થાનિક લેવલે કેટલાક નેતાઓની ભાગીદારી હોવાથી તેમની સામે કોઇ પગલાં ભરી શકાતાં નથી. આ અંગે પૂછપરછ કરતાં જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જિજ્ઞાબેને ઓઝાએ કહ્યું હતું કે, તેમની ટીમ સોમવારે સ્થળ તપાસ કરી સેમ્પલ કલેક્ટ કરશે.
હજીરાની કંપનીમાં એક મોટા ગજાના નેતાએ ભલામણ કરી કોન્ટ્રાક્ટ અપાવ્યા હોવાની વાત
સુરત જિલ્લામાં ભાજપાના મોટા નેતા ગણાતા અને ઓલપાડ સહિત કાંઠા વિસ્તારમાં સારી વગ ધરાવતા એક કદાવર નેતાના લીધે હજીરામાં ચોક્કસ લોકોને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ મળી ગયા છે. આ રાજકારણીની મહેરબાનીને લીધે ટુ વ્હીલર ચલાવવાની હેસિયત ન હોય તેવા લોકો ટ્રાન્સપોર્ટના વેપારમાં કૂદી પડ્યા છે.