Health

હિપેટાઇટિસ થયો છે?

આજકાલ હિપેટાઇટિસના કેસ વધતા જાય છે. ટાઇફોઇડ અને હિપેટાઇટિસના કેસો ચોમાસું આવતા જ વધતા હોય છે. આવા સંજોગોમાં ખોરાક ખૂબ સાચવીને ખાવાની જરૂર છે. હિપેટાઇટિસ વકરે તો લિવરને મોટું નુકસાન કરી શકે.
આ હિપેટાઇટિસ છે શું?
હિપેટાઇટિસ એ વાઇરસથી થતો રોગ છે, જે દર્દીના લિવરને નુકસાન કરે છે. આ હિપેટાઇટિસ તે કયા વાઇરસથી થયો છે તેને અનુરૂપ હિપેટાઇટિસ A, B, C, D અને E જેવા પ્રકાર ધરાવે છે. જે પૈકી હિપેટાઇટિસ B અને C વધુ પ્રચલિત છે.

હિપેટાઇટિસ મોટે ભાગે દૂષિત ખોરાક અને દૂષિત પાણીથી થતો રોગ છે. દૂષિત ખોરાક અને દૂષિત પાણીમાં હિપેટાઇટિસના વાઇરસ રહેલા છે, જે લિવરમાં પહોંચી લિવરના કાર્યમાં અવરોધ ઊભા કરે છે. ત્યાં સુધી કે જો સમયસર નિદાન અને ઉપચાર કરવામાં ન આવે તો આ રોગ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. કોઈક વાર લિવરને હંમેશ માટે નુકસાન કરી શકે છે. આવો હવે શું ખાવું અને શું ન ખાવું તે સમજી લઈએ.

હિપેટાઇટિસ દરમ્યાન શું ખાવું જોઈએ?
મોટે ભાગે હિપેટાઇટિસમાં ખોરાકમાં બહુ પરેજી પાળવાની રહેતી નથી. છતાં નીચે મુજબના ખાદ્યપદાર્થો લેવાથી લિવરને થયેલું નુકસાન ઝડપથી ભરપાઈ થઈ શકે અને તબિયત ઝડપથી સારી થઈ શકે.

અનાજ અને ધાન્ય:-
 બને ત્યાં સુધી ઘરે બનાવેલ અનાજ અને ધાન્યની બધી જ વાનગીઓ આરોગી શકાય. લાપસીનું ભડકું, બ્રાઉન રાઈસ, વગર છડેલાં અનાજનો ભરપૂર ઉપયોગ કરી શકાય. અનાજ ખૂબ એનર્જી આપે છે અને રેસા ધરાવે છે, જે લિવરને ઓછું ભારણ આપી પેટ સાફ રાખવામાં મદદરૂપ થાય છે.

ફળો:-
ફળો ઝડપી સારવારમાં મદદરૂપ થાય છે. ફળોના વિટામિન અને રેસા પાચનને સરળ બનાવે છે. શક્ય એટલાં વધુ ફળોનો ઉપયોગ કરવો જરૂરી બને છે.

શાકભાજી :-
બને ત્યાં સુધી સ્ટાર્ચથી ભરપૂર એવાં બટાકા, શક્કરિયાં, બીટ, રતાળુ જેવાં કાર્બોહાઈડ્રેટથી ભરપૂર કંદમૂળનું સેવન ઝડપી સારવાર માટે જરૂરી બને છે. (અલબત્ત, ડાયાબિટિસના દર્દીઓએ ડાયેટિશ્યનની સલાહ મુજબ જ આહાર લેવો.)

ઓલિવ ઓઈલ અને અળસીનું તેલ:-
 આ બંને તેલ પચવામાં હળવા તેલ છે અને વિટામિન Eથી ભરપૂર છે, જે લિવરને પૂરતો આરામ આપે છે. આથી હિપેટાઇટિસ દરમ્યાન ઓલિવ ઓઈલનો ઉપયોગ હિતાવહ છે.

પ્રોટિનયુક્ત આહાર:-
મોટે ભાગે કોઈ પણ માંદગીની સારવારમાં પ્રોટિન ખૂબ અગત્યનો ભાગ ભજવે પરંતુ હિપેટાઇટિસમાં ખૂબ સુપાચ્ય હોય એવું પ્રોટિન લેવું જરૂરી છે. મલાઈ ઉતારેલું દૂધ, ઈંડાંની સફેદી, દહીં જેવા ઓછી ફેટ ધરાવતા પ્રોટિનનું સેવન કરવું જોઈએ.

શું ન ખાવું?
હિપેટાઇટિસ દરમ્યાન ‘શું ખાવું’ની સાથે ‘શું ન ખાવું’ની જાણકારી લેવી ખૂબ જરૂરી છે કારણ કે ખોટો ખોરાક લિવરને વધુ નુકસાન કરી સારવારનો સમય લંબાવી શકે છે.

પ્રોસેસ કરેલો ખોરાક:-
 ચીઝ, બ્રેડ, પેકેટના નાસ્તા જેવા પદાર્થોને લાંબો સમય જાળવી રાખવા માટે તેમાં ખૂબ બધાં રસાયણો ઉમેરવામાં આવે છે. આ રસાયણો લિવરને વધુ નુકસાન પહોંચાડે છે. આથી આ રોગ વકરી શકે છે. આ પદાર્થોનો ઉપયોગ બિલકુલ ટાળવો જોઈએ.
ખાંડ:-
 ખાંડનો કોઈ પણ સ્વરૂપે ઉપયોગ ઓછો કરવો જરૂરી બને છે. વધુ પડતી શર્કરા લિવરને પોતાનું કાર્ય કરવા માટે દબાણ કરે છે. અહીં લિવર થાકેલું હોઈ વધુ પાચન કરવા શક્તિમાન હોતું નથી. એથી તે વધુ થાકે છે. ખાંડ, આર્ટીફિશ્યલ શુગર, ફળોના રસ, આઈસ્ક્રીમ જેવા પદાર્થોનો ઉપયોગ પરિસ્થિતિને બગાડી શકે છે.

આયર્ન:-
હિપેટાઇટિસ C દરમ્યાન લિવરમાં આયર્નનું અધિશોષણ મુશ્કેલ બને છે. આવા સંજોગોમાં વધુ લોહતત્ત્વ ધરાવતું લોહી લિવરને હંમેશ માટે ક્ષતિગ્રસ્ત કરી શકે છે. આથી હિપેટાઇટિસ C દરમ્યાન લીલી ભાજી, લાલ માંસ, ખજૂર, અંજીર જેવા સૂકામેવાનો ઉપયોગ ટાળવો જોઈએ.
કોફી:-
વધુ પડતું કોફીનું સેવન હિપેટાઇટિસ Cમાં નુકસાનકારક પુરવાર થઈ શકે. તેનો ઉપયોગ ઓછો કરવો.

મીઠું:-
હિપેટાઇટિસના દર્દીઓએ મીઠાનું સેવન બને એટલું ઓછું કરવું. વધુ પડતું મીઠાનું સેવન લિવરને નુકસાન કરી શકે. અથાણાં, પાપડ, ચાટમસાલો, ખાવાનો સોડા ધરાવતા પદાર્થોનું સેવન કરવું નહિ.
– આલ્કોહોલનું સેવન લિવરને ચોક્કસ નુકસાન કરે છે, તેનું સેવન બિલકુલ કરવું નહિ.
હિપેટાઇટિસની સારવાર દરમ્યાન વધુ પડતા સપ્લીમેન્ટનું સેવન ટાળવું જોઈએ. આ સપ્લીમેન્ટના વિઘટન દરમ્યાન લિવરની ખૂબ શક્તિ ખર્ચાઈ જાય છે. આથી લિવરને આરામ આપવા માટે આ સપ્લીમેન્ટ લેવા નહિ.

  • આટલું ખાસ ધ્યાન રાખવું:-
  • # બને ત્યાં સુધી ચોમાસા દરમ્યાન બહારનો ખોરાક ટાળવો.
  • # કાચો – રાંધ્યા વગરનો ખોરાક ન લેવો.
  • # પાણી ઉકાળીને પીવું.
  • # જમવા પહેલાં હાથ, નખ બરાબર ધોવા.
  • •# શાકભાજી, ફળો બરાબર ધોઈને ઉપયોગમાં લેવા.
  • # પુષ્કળ પાણી પીવું. પાણી ખોરાક તથા જઠરના એસિડને મંદ કરી ખોરાકને સુપાચ્ય બનાવે છે.
  • # થોડા થોડા સમયે થોડો થોડો આહાર લેવો.
  • # પૂરતો આરામ કરવો.

Most Popular

To Top