આ વખતે ઉનાળો આકરો રહેશે એવા એંધાણ માર્ચ મહિનામાં જ શરૂ થઇ ગયેલી સખત ગરમી પરથી વર્તાઇ રહ્યા હતા ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી દીધી છે કે આ વખતે ઉનાળો આકરો રહેશે અને ઉનાળામાં હીટ વેવ એટલે કે સખત ગરમીના મોજાના દિવસો પણ વધારે રહેશે. ભારત એપ્રિલથી જૂનના સમયગાળામાં સખત ગરમીનો સામનો કરે તેવા સંજોગો છે જેમાં તેના દ્વિપકલ્પના પશ્ચિમી ભાગો સૌથી ખરાબ અસરનો સામનો કરશે એમ ભારતીય હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું. હવામાન ખાતાએ આ એવા સમયે આગાહી કરી છે જ્યારે દેશ એપ્રિલ ૧૯થી શરૂ થનાર સાત તબક્કાની સામાન્ય ચૂંટણી માટે તૈયારી કરી રહ્યો છે. ભારતમાં લોકસભાની ચૂંટણી ૧૯મી એપ્રિલથી શરૂ થઇને ૧ જૂન સુધી સાત તબક્કામાં યોજાનાર છે. દેખીતી રીતે દેશના મોટા ભાગના મતદારોએ સખત ગરમીના સંજોગો વચ્ચે મતદાન કરવું પડશે તેવા એંધાણ સ્પષ્ટ વર્તાઇ રહ્યા છે.
ચૂંટણી કાર્યક્રમ જાહેર થઇ ચુક્યો છે અને ચૂંટણીના દિવસોમાં સખત ગરમી રહેશે તેવી આગાહીથી દેખીતી રીતે કેન્દ્ર સરકાર અને રાજકીય પક્ષોને પણ ચિંતા રહેશે. સખત ગરમીની અસર ચૂંટણી પ્રચાર પર પણ પડશે અને મતદાન પર પણ પડશે એવી પુરી શક્યતા છે. એક પત્રકાર પરિષદને સંબોધન કરતા ભૂવિજ્ઞાન ખાતાના કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું હતું કે ભારત આગામી અઢી મહિના દરમ્યાન અત્યંત સખત હવામાનનો સામનો કરે તેવી આગાહી છે, અને આ સામાન્ય ચૂંટણીઓની સાથે આવી રહ્યું છે જેમાં એક અબજ લોકો તેમના પ્રતિનિધિને ચૂંટવાની કવાયત કરે તેવી અપેક્ષા છે. આ આપણા બધા માટે ઘણુ પડકારરૂપ સાબિત થવા જઇ રહ્યું છે. જ્યારે આપણે વિશ્વમાં સૌથી વધુ વસ્તીવાળો દેશ છીએ અને તીવ્ર હવામાનની સ્થિતિનો સામનો કરવા જઇ રહ્યા છીએ ત્યારે એ ભારત માટે એ સંપૂર્ણ જરૂરી છે કે તે આગોતરી તૈ્યારી કરે એમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું.
હવે સરકાર કેવી આગોતરી તૈયારી કરે છે તે જોવાનું રહે છે. એપ્રિલથી જૂન દરમ્યાન મોટાભાગના મેદાની પ્રદેશોમાં હીટવેવના દિવસોનું પ્રમાણ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે એવી આગાહી કરવામાં આવી છે. દેશના વિવિધ ભાગોમાં દસથી વીસ દિવસ ગરમીના મોજાના રહેવાની શક્યતા છે જેની સામે સામાન્ય રીતે આ સમયગાળો ચારથી આઠ દિવસનો રહેતો હોય છે. દેખીતી રીતે સખત ગરમીના મોજાના દિવસો દેશના અનેક વિસ્તારોમાં ઘણા વધારે રહેવાની આ વખતે આગાહી છે અને તે એક ચિંતાજનક બાબત છે.
ભારતીય હવામાન વિભાગના ડિરેકટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું હતું કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી વખતે આઉટડોર પ્રવૃતિઓમાં વધારો થવાથી લોકો હીટ વેવની અડફેટે આવી જાય તેવું જોખમ વધી જાય છે. જ્યારે ગરમીના વધુ સંપર્કમાં આવવાથી મતદારો અને ચૂંટણી કર્મચારીઓમાં ગરમીના મોજાને લગતા આરોગ્યની તકલીફોની જોખમ વધી જઇ શકે છે એમ તેમણે જણાવ્યું હતું. મોહાપાત્રાએ જણાવ્યું હતું કે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તરીય છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ ગરમીના મોજાઓની સૌથી ખરાબ અસરનો સામનો કરી શકે તેવી શક્યતા છે.
સખત ગરમી પાવર ગ્રીડો પર દબાણ લાવી શકે છે, શિયાળામાં ઉગેલા પાક પર અસર કરી શકે છે અને ભારતના વિવિધ ભાગોમાં પાણીની તંગીમાં પરિણમી શકે છે. મોહાપાત્રાએ અલબત્ત, જણાવ્યું હતું કે તાપમાનમાં વધારો એ લણણી માટે તૈયાર ઘઉંના પાકને કોઇ અસર કરશે નહીં. અલ-નીનો સ્થિતિ, કે જ મધ્ય પેસેફિક સમુદ્રના પાણીને ગરમ કરે છે તે નબળી પડી રહી છે ત્યારે આ એપ્રિલ અને મે મહિનામાં ચાલુ રહી શકે છે એમ હવામાન વિભાગના વડાએ જણાવ્યું હતું. અલ-નીનો એ દક્ષિણપૂર્વ એશિયામાં સૂકી અને ગરમ હવામાન સ્થિતિઓ સાથે સંકળાયેલ છે.
વિશ્વભરમાં અનેક સ્થળે ખૂબ ગરમી સાથે ગત ૨૦૨૩નું વર્ષ અત્યાર સુધીનું નોંધાયેલ સૌથી ગરમ વર્ષ પુરવાર થયું છે ત્યારે ૨૦૨૪નું વર્ષ તેના કરતા પણ વધુ ગરમ પુરવાર થશે કે શું? એ બાબત ચિંતા કરાવે તેવી છે. આ વર્ષ તો સમજ્યા કે અલ-નીનોનું વર્ષ છે પરંતુ આમ પણ વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે અને પ્રદૂષણમાં ઘટાડા સહિતના પગલા માણસ જાત હજી પણ જો તાકીદે નહી ભરે તો આ પૃથ્વી ભઠ્ઠી જેવી બની જશે અને લોકોએ જીવતા શેકાવાના દિવસો આવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. યુનોએ તો ગરમીને કારણે આપણો ગ્રહ લુપ્ત થઇ જવાની આગાહી કરી જ છે ત્યારે દુનિયાભરના દેશોની સરકારોએ અને પ્રજાઓએ જાગી જવાની જરૂર છે.