સુરત: (Surat) દક્ષિણ ગુજરાત સહિત ઉપરવાસમાં પણ હવે ચોમાસું જામ્યું છે ત્યારે હથનુર ડેમમાં (Hathnur Dam) પાણીની આવકને પગલે પાણી છોડવાનું (Water Discharge) શરૂ કરાયું છે. જેને પગલે ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટીમાં પણ વધારો થશે. જિલ્લામાં વરસાદે વિરામ લીધો ત્યારે ઉપરવાસમાં વિતેલા 24 કલાકમાં માત્ર ત્રણ સ્ટેશને દેમાર વરસાદ વરસતા હથનુર ડેમમાંથી આજે મળસ્કે તમામ 41 ગેટ પૂરેપૂરા ખોલી 1.36 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. ડેમમાંથી છોડવામાં આવેલું પાણી આગામી 24 કલાક બાદ ઉકાઈ ડેમમાં આવતા ઉકાઇ ડેમની સપાટીમાં એક થી બે ફૂટનો વધારો થશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર-પાંચ દિવસ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં ઉપરવાસના ગણ્યાગાંઠ્યા સ્ટેશનો પર વરસેલા વરસાદે હથનુર જેમને છલોછલ કર્યો હતો. હથનુર ડેમના તમામ ૪૧ ગેટ મળસ્કે ખોલવા પડ્યા હતા. ડેમની ઉપરવાસમાં આવેલા ટેસ્કામાં સાડા પાંચ ઇંચ, ચીકલધરામાં ચાર ઇંચ, ડેડતલાઈમાં બે ઇંચ તથા ગોપાલખેડા અને લખપુરીમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો.
આ સ્ટેશનો પર પડેલા વરસાદને કારણે હથનુર ડેમમાં પાણીનો મોટો જથ્થો આવતા ડેમના તમામ 41 ગેટ પૂરેપૂરા ખોલી ૧.૩૬ લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. હથનુરમાંથી બપોર સુધીમાં પાણીનો ડિસ્ચાર્જ ઘટીને ૭૫ હજાર કેયુસેક હતો. જ્યારે ઉકાઈ ડેમમાં આજે બપોરે ૩૧ હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી. હથનુર ડેમમાંથી છોડવામાં આવેલું પાણી આગામી ૨૪ કલાકમાં ઉકાઈ ડેમમાં આવતા ઉકાઈ ડેમની આવકમાં વધારો જોવા મળશે. આ સાથે જ ડેમની સપાટી પણ એકથી બે ફૂટ વધારો થશે. આજે સાંજે ઉકાઈ ડેમની સપાટી 314.93 ફૂટ નોંધાઈ હતી.
હથનુરની સપાટી ઉકાઈ રૂલ લેવલથી હજી ૧૮ ફુટ નીચે
હથનુર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે ઉકાઈ ડેમની સપાટીમાં આગામી ૨૪ કલાક બાદ એક થી બે ફૂટનો વધારો થશે. પરંતુ તંત્ર દ્વારા હજી ડેમ ઘણો ખાલી હોવાનું જણાવ્યું હતું. જેથી હાલ ગમે એટલું પાણી આવે છતાં ચિંતાનો કોઈ વિષય નથી. ડેમનું રૂલ લેવલ ૩૩૩ ફુટ છે જેની સામે હાલ ડેમની સપાટી 314.93 ફૂટ નોંધાઈ છે. એટલે કે ડેમ હજી પણ રૂલ લેવલથી ૧૮ ફૂટ નીચે છે.