Columns

કોરોના વેક્સિન લેવાને કારણે યુવાનોમાં અચાનક હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે?

ભારત સરકારે કોરોનાથી બચવા માટે ભારતનાં લોકોને કોરોનાની રસીના આશરે ૨૨૦ કરોડ ડોઝ આપી દીધા તે પછી હવે વૈજ્ઞાનિક સર્વે રિપોર્ટો બહાર આવી રહ્યા છે કે કોરોનાની વેક્સિન લેનારાં લોકો માટે હાર્ટ ફેઇલ થવાનું જોખમ એકદમ વધી ગયું છે. તાજેતરમાં ભારતના વિવિધ ભાગોમાં જે હજારો તંદુરસ્ત લોકો અચાનક હૃદય રોગનો ભોગ બની રહ્યાં છે, તેના માટે જો કોરોના રસી જવાબદાર હોય તો તે બહુ ગંભીર બાબત ગણાવી જોઈએ.

દેશનાં નાગરિકો કોરોનાની રસી લે તે માટે સરકાર દ્વારા તેમના પર જાતજાતનાં દબાણો કરવામાં આવ્યાં હતાં તે જોતાં જો રસીના કારણે હાર્ટ એટેક આવે અને કોઈનું મરણ થાય તો તેની જવાબદારી સરકારની પણ ગણાવી જોઈએ. જો કે કેન્દ્ર સરકારે તે માટે પાણી પહેલાં પાળ બાંધી દીધી છે. તાજેતરમાં દેશની સુપ્રીમ કોર્ટમાં કોરોના વેક્સિન લેવાને કારણે થયેલાં મરણનો કિસ્સો આવ્યો ત્યારે સરકારે સોગંદનામાંમાં જણાવ્યું હતું કે તેવા કિસ્સામાં વળતર આપવાની જવાબદારી સરકારની નથી.

દરમિયાન બીજા મહત્ત્વના સમાચાર બહાર આવ્યા છે કે ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ જ્યારે કોવિડ-૧૯નો ભોગ બન્યા હતા ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમને આયુર્વેદિક દવા લેવાની સલાહ આપવામાં આવી હતી અને તે દવા લઈને તેઓ સાજા પણ થઈ ગયા હતા. જો ભારતના વડા પ્રધાન દ્વારા ભારતના ચીફ જસ્ટિસને કોવિડનો મુકાબલો કરવા માટે સફળતાપૂર્વક આયુર્વેદિક દવા લેવાની સલાહ આપવામાં આવી હતી તો ભારતનાં ૧૪૦ કરોડ લોકોને એલોપથી દવાઓ અને વેક્સિન લેવાની સલાહ કોના ઈશારા પર આપવામાં આવી હતી? તેવો સવાલ હવે પૂછાઈ રહ્યો છે. કેટલીક સ્વયંસેવી સંસ્થાઓ ભારતનાં કરોડો નાગરિકોને કોવિડની રસી લેવા મજબૂર કરીને તેમની જિંદગી જોખમમાં મૂકવા બદલ ભારત સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં કેસ કરવાની પણ તૈયારી કરી રહી છે. હકીકતમાં કોરોનાની વેક્સિન અપાઈ રહી હતી ત્યારે પણ તેમણે વિરોધ કર્યો હતો, પણ તેમની વાત સરકારે સાંભળી જ નહોતી.

વર્ષ ૨૦૨૦માં જ્યારે પહેલી વખત કોવિડ-૧૯ વાયરસ ત્રાટક્યો ત્યારે સરકાર અને મિડિયા દ્વારા દેશમાં ડરનો માહોલ ઊભો કરી દેવામાં આવ્યો હતો. સરકાર દ્વારા લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું, જેને કારણે લોકો વધુ ભયભીત થઈ ગયા હતા. કોરોના કાળમાં સામાન્ય શ્વાસની તકલીફ કે ફેફસાંની કોઈ પણ બીમારીથી મરી જનારાં લોકોને કોવિડ મરણ તરીકે ખપાવીને કોરોના મરણના બિહામણા આંકડાઓ બહાર પાડવામાં આવતા હતા. હવે કોરોનાની રસી લેનારાં હજારો લોકો ટપોટપ મરી રહ્યાં છે ત્યારે તેમનું કોઈ પોસ્ટમોર્ટમ કરવામાં આવતું નથી, જેને કારણે તેઓ કોરોના રસીથી મર્યાં હોવાના કોઈ પુરાવા મળી શકતા નથી.

કોવિડ રસી પર અત્યાર સુધીના સૌથી મોટા અભ્યાસમાં તેની સાથે સંકળાયેલાં કેટલાંક જોખમોની ઓળખ કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડમાં ગ્લોબલ વેક્સીન ડેટા નેટવર્ક (જીવીડીએન) ના સંશોધકોએ આઠ દેશોમાં કોવિડ રસી લેતાં ૯.૯ કરોડ લોકો પર રસીની અસરનો અભ્યાસ કર્યો હતો. આ સમય દરમિયાન તેઓએ કોવિડ રસી મેળવ્યા પછીના સમયગાળામાં ૧૩ વિવિધ તબીબી પરિસ્થિતિઓમાં ફેરફારોનું નિરીક્ષણ કર્યું હતું. જીવીડીએનએ દાવો કર્યો છે કે કોવિડ રસી રસીકરણ પછી ન્યુરોલોજીકલ, રક્ત અને કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીની પરિસ્થિતિઓમાં થોડો વધારો જોવા મળ્યો હતો.

જે લોકોને ચોક્કસ પ્રકારની mRNA રસી આપવામાં આવી હતી તેઓને મ્યોકાર્ડિટિસ (હૃદયના સ્નાયુમાં બળતરા) થવાનું જોખમ વધુ હોવાનું જણાયું હતું. કેટલીક વાયરલ-વેક્ટર રસીઓ મગજમાં લોહીના ગંઠાઈ જવાના ઊંચા જોખમ સાથે પણ સંકળાયેલી છે તેમ જ તેનાથી ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર) ની શક્યતા વધી જાય છે. વાયરલ વેક્ટર રસીનાં અન્ય સંભવિત જોખમોમાં વાઈરલ વેક્ટર અને mRNA રસીઓ મૂકાવ્યા પછી મગજ અને કરોડરજ્જુની બળતરા જેવી બીમારીઓનો પણ સમાવેશ થાય છે.

જાપાનની ટોચની સંશોધન સંસ્થા રિકેનના વૈજ્ઞાનિકોએ એક રિપોર્ટમાં ચેતવણી આપી છે કે ભવિષ્યમાં કોરોના વાયરસની અસરને કારણે વિશ્વમાં હાર્ટ ફેલ્યોર મહામારીનું જોખમ વધી શકે છે. વર્ષ ૨૦૨૦ માં કોરોના વાયરસના આગમન પછી વિશ્વમાં મોટો ફેરફાર થયો છે. તાજેતરમાં આ વાયરસે ફરીથી પાંખો ફેલાવવાનું શરૂ કરી દીધું છે. કોવિડના ઘણા ખતરનાક પ્રકારો બહાર આવ્યા છે. આ બતાવે છે કે ભવિષ્યમાં આપણે એવા રોગોનો સામનો કરવો પડી શકે છે, જે આપણે ધારી શકીએ તે કરતાં વધુ જીવલેણ હશે. તેની સામે આપણે લાચાર બની જઈશું. તે રોગોમાં મૃત્યુનું તાંડવ હશે. દરમિયાન, કેટલાક આરોગ્યના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કોરોના વેક્સિનની આડ અસરને કારણે વિશ્વમાં હૃદયની નિષ્ફળતાની મહામારીનું જોખમ વધી શકે છે.

તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ માનવ કોષોમાં ACE2 રીસેપ્ટર્સ સાથે જોડાય છે, જે હૃદયમાં ખૂબ જ સામાન્ય છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-૧૯ પછી કેટલાંક લોકોને હૃદયની સમસ્યા થઈ શકે છે અને તેઓ યોગ્ય રીતે કામ કરી શકતાં નથી. આ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સાર્સ-કોવ-૨ સાથે સતત ચેપ ભવિષ્યમાં હૃદયની નિષ્ફળતાનું જોખમ વધારી શકે છે. આમ હોવા છતાં હજી સુધી આ સિદ્ધાંતનો કોઈ ક્લિનિકલ પુરાવો ઉપલબ્ધ નથી, પરંતુ કોરોના વાયરસ પરના આ સંશોધનને ત્રિ-પરિમાણીય માનવ કાર્ડિયાક ટિશ્યુ મોડલ દ્વારા વૈશ્વિક સ્તરે માન્યતા આપવી જોઈએ.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે ગુરુવારે સુપ્રીમ કોર્ટના પરિસરમાં આયુષ હોલિસ્ટિક વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કર્યું. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કોવિડ-૧૯ સામેની તેમની લડાઈ દરમિયાન આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી વૈકલ્પિક ચિકિત્સાપદ્ધતિઓ સાથેનો તેમનો વ્યક્તિગત અનુભવ વર્ણવ્યો હતો. ભારતના ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે ‘‘મને કોવિડ થયો ત્યારથી હું આયુષ સાથે જોડાયેલો છું. વડા પ્રધાને મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે ‘હું માનું છું કે તમે કોવિડમાં પટકાયા છો. ત્યાં એક વૈદ્ય છે, જે આયુષ મંત્રાલયમાં સેક્રેટરી પણ છે. હું તેમની સાથે ફોન કરીને ગોઠવણ કરીશ, જે તમને દવા અને બધું મોકલશે.’જ્યારે હું કોવિડથી પીડાતો હતો ત્યારે મેં આયુષ પાસેથી દવા લીધી હતી. બીજી અને ત્રીજી વખત જ્યારે મને કોવિડ થયો ત્યારે મેં કોઈ પણ જાતની એલોપેથિક દવા લીધી ન હતી.’’

આયુષ હોલિસ્ટિક વેલનેસ સેન્ટરનો ઉદ્દેશ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, તેમનાં પરિવારો અને સ્ટાફ સભ્યોમાં આયુર્વેદ અને સર્વગ્રાહી જીવનશૈલી પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે. સર્વોચ્ચ અદાલતના તમામ સ્ટાફના સભ્યોની સુખાકારી માટે તેમની ચિંતા વ્યક્ત કરતાં વડા ન્યાયમૂર્તિ ચંદ્રચુડે ન્યાયતંત્રની બહાર સર્વગ્રાહી આરોગ્યસંભાળને વિસ્તારવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. વડા ન્યાયાધીશ ચંદ્રચુડે વેલનેસ સેન્ટરની સ્થાપના માટે કરેલી ઝીણવટભરી તૈયારીની પણ પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું હતું કે “‘આ સેન્ટરની સુવિધાઓ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવી છે, પછી ભલે તે એન્ટિ-સ્કિડ ટાઇલ્સ હોય કે ટ્રીટમેન્ટ રૂમ. એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે જે ટ્રીટમેન્ટ થઈ રહી છે તે દર્દીની પ્રકૃતિ સાથે સુસંગત હોય. દરેક દર્દી સારવાર દરમિયાન નીતિનિયમો પાળે તેની ખૂબ કાળજી કરવામાં આવી રહી છે. હું નિયમિત રીતે યોગા કરું છું. છેલ્લા પાંચ મહિનામાં મેં સંપૂર્ણપણે વેગન ડાયેટ ફોલો કર્યું છે અને હું તેને ચાલુ રાખીશ. હું જીવનની સર્વગ્રાહી પેટર્ન પર ધ્યાન કેન્દ્રિત કરું છું, જે તમે શું ખાઓ છો તેનાથી શરૂ થાય છે.’’

Most Popular

To Top