Business

અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર સમાપ્ત થયું કે વિરામ અપાયો છે?

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી દુનિયા જાણે કે ચગડોળે ચઢી છે. રશિયા-યુક્રેન યુદ્ધ ચાલતું હતું. ઇઝરાયલ-હમાસ વચ્ચેનો સંઘર્ષ પણ સતત ચાલી રહ્યો હતો. લેબેનોનમાં છેલ્લા અડધા સૈકાથી રાજ કરતા સરમુખત્યાર સામે બળવો થયો અને લેબેનોન આઝાદ થયું. સુદાનનું આંતરયુદ્ધ રોકાવાનું નામ નહોતું લેતું અને એ જ સ્થિતિ મ્યાનમારની હતી. બાંગલા દેશમાં સત્તાપલટો થયો હતો અને અમેરિકાતરફી નૉબેલ પારિતોષિક વિજેતા ડૉ. મોહંમદ યુનુસે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં.

આવી પરિસ્થિતિમાં ટ્રમ્પના એક નવા જ મુદ્દે જગતને હલાવી દીધું. જો કે ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આ અંગેનો ઉલ્લેખ કરી દીધો હતો પણ પ્રમુખપદ તરીકેનો હોદ્દો સંભાળતાં જ એણે ચૂંટણી દરમિયાન આપેલાં વચનોમાંના એકનો અગ્રતા ક્રમે અમલ કર્યો. એ વચન હતું અમેરિકાને વ્યાપાર ખાધમાંથી મુક્ત કરી એ પૈસા બીજા દેશોમાં ઘસડાઈ જતાં અટકાવી અમેરિકન નાગરિકોને આવકવેરામાંથી મુક્ત કરવાનું. આ માટે એણે મેક્સિકો અને કેનેડાની આયાત પર ૨૫ ટકા અને ચીનની આયાત પર પહેલાં ૧૦ ટકા અને ત્યાર બાદ બીજા ૧૦ ટકા એમ આયાત વેરો નાખ્યો.

કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય ગણાવ્યું અને એના વડા પ્રધાનને ‘ગવર્નર’ કહીને સંબોધ્યા. સ્વાભાવિક રીતે જ કેનેડાનો પ્રતિભાવ બહુ જ કડવો અને કડક આવ્યો. કેનેડાએ અમેરિકા સાથેનો સંપૂર્ણ વ્યાપાર (એક એનર્જીને બાદ કરતાં) બંધ કર્યો. પોતે એક સાર્વભૌમ દેશ છે અને અમેરિકાએ એને પોતાનું ૫૧મું રાજ્ય ગણાવી અપમાન કર્યું છે, એ માટે એને બહુ જ ખોટું લાગ્યું. કેનેડિયન નાગરિકોએ અમેરિકાની મુલાકાત રદ કરી દીધી. આમ, એનો પહેલો પ્રત્યાઘાત જોરદાર આવ્યો. ત્યાર બાદ ઘણા બધા દેશો અને ભારતનો વારો પણ આવી ગયો. પણ સૌથી વધારે અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વૉર અથવા ટ્રેડવૉર થયું.

અમેરિકાએ ચીનમાંથી થતી આયાત પર ૧૪૫ ટકા ડ્યૂટી નાખી એ સામે ચીને અમેરિકાથી થતી આયાત પર ૧૨૫ ટકા ડ્યૂટી નાખી અને કડક વલણ અખત્યાર કર્યું કે આ મુદ્દે અમે આરપારની લડાઈ લડી લઈશું. વિશ્વ ટ્રેડવૉર અને એ નિમિત્તે વિશ્વયુદ્ધ સુધી પહોંચી જાય એવી દહેશત સમગ્ર વિશ્વમાં ઊભી થઈ. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન ઉપર આટલું બધું ભારે ટેરિફ નાખી દઈને વૈશ્વિક ટ્રેડવૉર શરૂ થાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કર્યું હતું.

પરંતુ ૧૨ મે, ૨૦૨૫ના દિવસે જે ઘટના બની તેણે સમગ્ર જગતને આશ્ચર્યનો આંચકો આપ્યો. ચીન અને અમેરિકા બંનેએ આ મુદ્દે ૯૦ દિવસ માટે સમજૂતી કરી જે બેફામ વધારો એકબીજા પાસેથી થતી આયાત ઉપરની ડ્યુટીમાં કરવામાં આવ્યો હતો તેને એકદમ માન્યામાં પણ ના આવે એ સ્તરે ઘટાડી દીધો. અમેરિકાએ ચીનથી થતી આયાત પરની ડ્યુટી ૧૪૫ ટકાથી ઘટાડી માત્ર ૨૪ ટકા કરી નાખી. વધુ નવાઈની વાત તો એ હતી કે ફેન્ટાનીલ જે મહદ્ અંશે નશા માટે વપરાય છે અને જેની આયાત સામે અમેરિકાને સખત વાંધો હતો તેને પણ આ ડ્યુટી ઘટાડાનો લાભ આપવામાં આવ્યો. અમેરિકાના આ પગલાં સામે વળતી પ્રતિક્રિયા તરીકે ચીને અમેરિકાથી થતી આયાત ઉપર ૧૨૫ ટકાથી ડ્યૂટી ઘટાડીને માત્ર ૧૦ ટકા કરી દીધી! ૧૨ મે, ૨૦૨૫થી અમલમાં આવતી આ સંધિ પ્રાયોગિક ધોરણે પહેલા ૯૦ દિવસ માટે અમલમાં આવે એવું નક્કી કરવામાં આવ્યું છે.

જીનીવા ખાતે યોજાયેલી આ ટ્રેડ ટોક્સમાં બંને દેશો કેટલી ઝડપથી સર્વસંમતિ પર આવ્યા એ સમજવું અગત્યનું હતું. આનો અર્થ એ થાય કે ચીન અને અમેરિકા વચ્ચેના મતભેદો જેવું ધારવામાં આવતું હતું તેવા ગંભીર નહોતા. અમેરિકા ૧.૨ ટ્રિલિયન ડૉલર જેટલી વ્યાપારખાધ ભોગવે છે. ટ્રમ્પે આ કારણથી રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી અને વધારાના ટેરિફ ઝીંક્યા. અમેરિકાનું માનવું છે કે ચીન સાથે જે સમજૂતી થઈ છે, તે આ રાષ્ટ્રીય કટોકટી નિવારવાની દિશામાં ઉપયોગી બનશે. આમ, એવું કહી શકાય કે અમેરિકાનો જે હેતુ હતો તેની જંગી વ્યાપારખાધ ઓછી કરવાનો, તે મહદ્ અંશે સિદ્ધ થશે અને બીજા દેશોની મંત્રણા માટે પણ આ દાખલો મજબૂત પાયો નાંખશે.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top