પ્રાચીન કાળથી સુરત ‘સોનાની મૂરત’ તરીકે ઓળખાતું આવ્યું છે. ચોર્યાસી બંદરના વાવટા અહીં ફરકતા હતા. વેપાર-ઉદ્યોગમાં વૈશ્વિક સ્તરે જોડાયેલું હતું. ટૂંકમાં અતિ સમૃદ્ધ શહેર-બંદરમાં સુરતની ગણતરી થતી હતી.આજે પણ વૈશ્વિક સ્તરે એનો વિકાસ હરણફાળ ભરે છે. દેશના અલગ અલગ પ્રાંતમાંથી આવીને પરપ્રાંતિય નાગરિકો અહીં વસ્યાં છે. સુરતે તેમને રોટલો અને ઓટલો બંને સહર્ષ આપ્યા છે. સહ્રદૃયતાપૂર્વક સ્વીકારી પણ લીધા છે. પરપ્રાંતિય વ્યક્તિઓએ સુરતને કર્મભૂમિ બનાવી વિકાસ પણ સાધ્યો છે.
પરંતુ કયારેક એવું ફીલ થાય છે કે અસલી સુરતી કયાં ખોવાઈ ગયો છે? સુરતના પ્રત્યેક વેપાર-ઉદ્યોગોમાં કદાચિત પરપ્રાંતિય વેપારીઓનું પ્રાધાન્ય વધુ નથી જણાતું? કારીગરવર્ગ પણ મહદ્દ અંશે પરપ્રાંતીય જ વધુ જણાય છે અને કયારેક અખબારી અહેવાલ મુજબ ગુનાખોરીનું પ્રમાણ પણ પરપ્રાંતીયો દ્વારા થતું વધુ જાણવા મળે છે. નાણાં ઉચાપત, મારામારી, નહીં જેવી વાતમાં ચપ્પુ હુલાવવો, ચોરી-ચપાટી, નાની બાળકીઓનાં અપહરણ અને એમના પર થતાં દુષ્કર્મો, સગીર વયની યુવતીઓને લગ્નની લાલચ આપી ભોળપણનો લાભ લેવો, સાચી સલાહ આપનારને ઇજા પહોંચાડવી. વિ. અનેક ગેરવર્તણૂક પરપ્રાંતિયો દ્વારા કરવામાં આવે છે.
અપવાદ સર્વત્ર હોય પણ અસલી સુરતીઓનો સ્વભાવ ઉપર્યુકત બાબતોથી અલગ છે. મનોમોજી સુરતીઓ શકય હોય ત્યાં સુધી ઝઘડા ટાળે! બોલાચાલીથી પતે તો મારામારી કે કતલ તો ન જ કરે. એમના અપશબ્દોમાંથી પણ સ્નેહ વરસતો હોય. આશરે સિત્તેર લાખની વસ્તી ધરાવતા શહેરમાં અસલી સુરતી ખોવાઈ ગયો હોય એમ લાગે છે.
નવયુગ કોલેજ, સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.