મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના ‘યશસ્વી’ વડાપ્રધાન તરીકેની રાજકીય કારકીર્દીના બધુ મળીને 24 વર્ષ પૂરા કર્યા તેની ખુશીમાં ગુજરાતમાં ‘વિકાસ સપ્તાહ’ ઉજવાઇ રહ્યું છે! આનંદની વાત છે ! પણ ગુજરાતનો ખરેખર વિકાસ થયો છે ખરો? રાજ્યમાંથી ચોમાસાએ લગભગ વિદાય લઇ લીધી છે તો પણ અનેક શહેરોમાં હજુ ખાડાઓ પૂરાયા નથી! ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજુ થયેલા રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટ મુજબ દેશભરમાં ટોપ 10 નબળા રાજ્યોમાં ગુજરાત સમાવિષ્ટ છે અને ટોપ 50 શ્રેષ્ઠ જિલ્લાઓમાં ગુજરાતની સંખ્યા શૂન્ય છે!
આવી રીતે ભણશે ગુજરાત? ગુજરાતમાં શિક્ષકો ભણાવ્યા સિવાયની 56 પ્રકારની કામગીરીઓ કરે છે પછી શિક્ષણનું સ્તર ક્યાંથી ઊંચુ આવે? નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરોના તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ મુજબ 2023માં ગુજરાતમાં 968 હત્યાઓ થઇ અને બેરોજગારી સહિત જુદા-જુદા કારણોસર 9000 વ્યકિતઓએ આત્મહત્યાઓ કરી! ગત ચોથી ઓક્ટોબરે વિસનગરમાં 15 વર્ષની સગીરાને 6 જેટલી વ્યકિતઓએ સામુહિક બળાત્કાર કરી સતત બે દિવસ સુધી ચૂંથી! આને ગુજરાતનો ‘ક્રાઇમરેટ’ ઘટેલો કહેવાય? એટલે ગુજરાતને વિકસીત બનાવવું હોય તો ભૂલો સુધારો
સુરત – ભાર્ગવ પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.