Columns

તાલિબાનના ટોચના નેતાઓ વચ્ચે આંતરિક યુદ્ધ ફાટી નીકળ્યું છે?

તાલિબાને કાબુલના રાજમહેલ પર કબજો જમાવ્યો તેને એક મહિનો પૂરો થયા પછી પણ તેઓ સરકારની સોગંદવિધિ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી જાતજાતના તર્કવિતર્કો શરૂ થયા છે. તા. ૧૫ ઓગસ્ટે તાલિબાને વિજયની ઘોષણા કરી તે પછી તેના બે ટોચના નેતાઓ જાહેરમાં દેખાયા નથી. આ નેતાઓ તેમના સર્વોચ્ચ નેતા મુલ્લા હૈબતુલ્લા અખુંદઝાદા અને મુલ્લા અબ્દુલ ગની બરાદર છે. તાલિબાને જાહેર કરેલી સરકારમાં અખુંદઝાદાને વડા પ્રધાનનો અને બરદારને નાયબ વડા પ્રધાનનો હોદ્દો આપવામાં આવ્યો છે.

તાલિબાને જ્યારે કાબુલ પર કબજો કર્યો ત્યારે મુલ્લા બરદારને વડા પ્રધાન બનાવવાની વાત ચાલતી હતી. તેની સામે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ વાંધો ઉઠાવ્યો તેને કારણે તેમને નાયબ વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. હવે તેઓ છેલ્લા એક મહિનાથી અલોપ થઈ ગયા છે. કહેવાય છે કે કાબુલના રાજમહેલમાં તેમની અને હક્કાની નેટવર્કના નેતાઓ વચ્ચે છમકલું થયું હતું, જેમાં સંખ્યાબંધ તાલિબાનો ઘવાયા હતા અને બરાદર માર્યા ગયા હતા. તેવી જ રીતે તાલિબાનના હાથમાં સત્તા આવ્યા પછી અખુંદઝાદા એક વાર પણ જાહેરમાં દેખાયા નથી. તેમનું પણ મરણ થયું હોવાની અફવાઓ ચાલી રહી છે.

આ કારણે તાલિબાન દ્વારા સરકાર રચવાની ઘોષણા કર્યા પછી એક યા બીજાં બહાને નવી સરકારની સોગંદવિધિ ટાળવામાં આવી રહી છે. હવે તાલિબાન કહે છે કે તેઓ સોગંદવિધિમાં જ માનતા નથી. મુલ્લા બરાદરનાં મરણની અફવાનો ઇનકાર કરવા તાલિબાન દ્વારા તેમનો એક ઓડિયો મેસેજ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ‘‘હું જીવતો છું, પણ કોઈ કામ અંગે કાબુલની બહાર છું.’’ જો તેઓ ખરેખર જીવતા હોય તો તેમણે વીડિયો મેસેજને બદલે ઓડિયો મેસેજ કેમ બહાર પાડ્યો? તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હોય તે પણ શક્ય છે. તાલિબાનની ટોચની નેતાગીરી વચ્ચે કોઈ ગંભીર સંઘર્ષ ચાલી રહ્યો છે, તે બાબતમાં શંકાને કોઈ સ્થાન નથી.

અમેરિકાનાં લશ્કરે અફઘાનિસ્તાન ખાલી કરવાની જાહેરાત કરી કે તરત તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવવાનું પોતાનું અભિયાન ચાલુ કર્યું હતું. અમેરિકાની સરકારે ધાર્યું હતું કે તાલિબાનને અફઘાનિસ્તાન પર કબજો જમાવતાં ઓછામાં ઓછો એક મહિનો લાગશે; પણ તાલિબાને અત્યંત ચપળતાથી આગેકૂચ કરીને તે કામ સાત દિવસમાં પૂરું કર્યું હતું. અમેરિકાએ તાલીમ આપીને જે સાડા ત્રણ લાખનું સૈન્ય તૈયાર કર્યું હતું તેણે કોઈ પણ જાતનો પ્રતિકાર કર્યા વિના તાલિબાનની શરણાગતિ સ્વીકારી લીધી હતી. તેમની પાસેથી કબજે કરેલી ટેન્કોમાં જ તાલિબાને કાબુલમાં વિજયયાત્રા કાઢી હતી. કહેવાય છે કે તાલિબાને અફઘાન સૈનિકોને લાંચ આપીને તેમની પાસેની ટેન્કો અને શસ્ત્રો કબજે કર્યા હતા. અફઘાન સૈનિકોને જ્યારે ખ્યાલ આવ્યો કે અમેરિકાના સૈનિકો હવે તેમની મદદે આવવાના નથી ત્યારે તેમણે શરણાગતિ સ્વીકારવાનું પસંદ કર્યું હતું.

તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો જમાવી દીધો તે પછી તેની અંદર રહેલા વિવિધ જૂથો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. તાલિબાનમાં મુખ્ય બે જૂથો છે. પહેલું જૂથ હક્કાની નેટવર્ક છે, જે તાલિબાનની લશ્કરી શાખા ગણાય છે. તેણે ૨૦ વર્ષ સુધી લડાઈ ચાલુ રાખી તેને કારણે જ અમેરિકા અફઘાનિસ્તાન છોડવા મજબૂર થયું હતું. હક્કાની નેટવર્કના નેતા સિરાજુદ્દીન હક્કાની છે, જે તેના સ્થાપક જલાલુદ્દીન હક્કાનીનો પુત્ર છે. બીજું જૂથ અમેરિકા સાથે વાટાઘાટો ચલાવનારી તાલિબાનની રાજકીય શાખા છે, જેના વડા મુલ્લા અબ્દુલ ગની બરાદર છે. યુદ્ધ પૂરું થયા પછી સફળતા માટેનો યશ મેળવવા આ બે જૂથ વચ્ચે ખટપટ થઈ હતી. આ ખટપટમાં ખલિલ ઉર હક્કાની દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં મુલ્લા બરાદર માર્યો ગયો હતો કે ઘાયલ થયો હતો. 

મુલ્લા બરાદર પણ તાલિબાની નેતા છે, જે ૧૯૯૬થી ૨૦૦૧ દરમિયાન તાલિબાની સરકારમાં મહત્ત્વનું સ્થાન ધરાવતો હતો. તે ૨૦૧૦થી ૨૦૧૮ દરમિયાન અમેરિકાના ઇશારે પાકિસ્તાનની જેલમાં બંધ રહ્યો હતો. જેલમાંથી છૂટ્યા પછી પણ તેણે પાકિસ્તાનને પોતાનું મથક બનાવ્યું હતું અને ત્યાં રહીને તે પોતાની પ્રવૃત્તિઓ ચલાવ્યા કરતો હતો. અમેરિકાએ જ્યારે દોહામાં તાલિબાન સાથે વાટાઘાટો ચાલુ કરી ત્યારે તાલિબાન તરફથી તેમના પ્રતિનિધિ તરીકે મુલ્લા બરાદરની નિમણુક કરવામાં આવી હતી. ૨૦૨૦માં અમેરિકા સાથે જે શાંતિ કરાર કરવામાં આવ્યા તેમાં પણ તાલિબાન વતી મુલ્લા બરાદરે સહી કરી હતી. મુલ્લા બરાદર વડા પ્રધાન બનવા માગતા હતા, પણ હક્કાની નેટવર્કને કારણે બરાદરને વડા પ્રધાન બનતા રોકવામાં આવ્યા હતા.

મુલ્લા બરાદર કહે છે કે તેની મુત્સદીગીરીને પ્રતાપે અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અફઘાનિસ્તાનમાંથી પોતાનું લશ્કર પાછું ખેંચી લેવા અને તાલિબાન સાથે શાંતિકરાર કરવા તૈયાર થયા હતા. મુલ્લા બરાદર સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર સીધી વાત પણ કરી હતી. બીજી બાજુ સિરાજુદ્દીન હક્કાની કહે છે કે તેમના લડવૈયાઓ દ્વારા અફઘાનિસ્તાનમાં અને તેની બહાર સતત લડાઇ ચાલુ રાખવામાં આવી તેને કારણે અમેરિકા અફઘાનિસ્તાન છોડવા તૈયાર થયું હતું. હક્કાની નેટવર્ક પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાનું ફેવરિટ છે. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા અફઘાનિસ્તાનના સરકસમાં રિંગ માસ્ટરની ભૂમિકા ભજવી રહી છે. જ્યારે તાલિબાન સરકારની રચના થઇ રહી હતી ત્યારે ગુપ્તચર સંસ્થાના વડા કાબુલ પહોંચી ગયા હતા. તેમની દરમિયાનગીરીને કારણે મુલ્લા બરાદર વડા પ્રધાન બની શક્યા નહોતા.

તેમના દબાણને કારણે તાલિબાન સરકારમાં હક્કાની નેટવર્કને ચાર સૌથી મહત્ત્વનાં ખાતાંઓ આપવામાં આવ્યાં હતાં. હક્કાની નેટવર્કના વડા સિરાજુદ્દીન સંયુક્ત રાષ્ટ્રસંઘના આતંકવાદીઓની યાદીમાં ટોચ ઉપર છે. તેના માથાં ઉપર એક કરોડ ડોલરનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. તેને તાલિબાન સરકારમાં ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ ગુપ્તચર સંસ્થાનો મુલ્લા બરાદર સાથેનો ઝઘડો જૂનો છે. આ ઝઘડાને કારણે જ તેણે આઠ વર્ષ પાકિસ્તાનની જેલમાં સબડવું પડ્યું હતું. ગુપ્તચર સંસ્થાના હસ્તક્ષેપને કારણે જ મુલ્લા બરાદરે વડા પ્રધાનપદને બદલે નાયબ વડા પ્રધાનપદથી સંતોષ માનવો પડ્યો હતો.

અફઘાનિસ્તાનમાં જે તાલિબાન સરકાર સત્તામાં આવી છે તેણે ક્યારેય અફઘાનિસ્તાનનો વિકાસ કરવાનું વચન આપ્યું નહોતું. તેનો મુખ્ય મુદ્દો અમેરિકાના કબજામાંથી અફઘાનિસ્તાનને મુક્ત કરવાનો અને તેમાં શરિયાનો કાયદો લાગુ કરવાનો હતો. અફઘાન પ્રજા તાલિબાનની પડખે ઊભી રહી હતી તેને કારણે જ તાલિબાન ઝડપથી યુદ્ધમાં સફળ થયું હતું. હવે યુદ્ધ પૂરું થયું હોવાથી સત્તામાં ભાગ પડાવવા માટે તાલિબાનના બે જૂથો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

આ સંઘર્ષ કેવળ સત્તા માટે નથી પણ સંપત્તિ માટે છે. અફઘાનિસ્તાનના પેટાળમાં પેલેડિયમ, લિથિયમ વગેરે કીમતી ધાતુના અખૂટ ભંડારો ભરેલા છે. આ ભંડારો જો અમેરિકા જેવી મહાસત્તાને વેચવામાં આવે તો વેચનારા ન્યાલ થઈ જાય તેમ છે. આ માલ વેચવા માટેની લડાઈ ચાલી રહી છે. અગાઉ તાલિબાનમાં મુલ્લા ઓમાર જેવા ટોચના નેતા હતા, જે બધાને એકસૂત્રે બાંધી રાખતા હતા. હવે તેવા કોઈ નેતાનો પણ અભાવ હોવાથી તાલિબાનની સરકાર કેટલું ખેંચશે તે કોઈ કહી શકે તેમ નથી.          
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top