ચંડીગઢ: (Chandigarh) હરિયાણાના રાજકારણમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. મનોહર લાલ ખટ્ટરે (Manoharlaal Khattar) સીએમ (CM) પદ પરથી રાજીનામું આપી દીધું છે. નાયબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ બન્યા છે. નવા સીએમનો શપથ ગ્રહણ સાંજે 5 વાગ્યે શરૂ થયો હતો જેમાં નાયબ સિંહ સૈનીએ શપથ લીધા હતાં. રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. નાયબ સિંહ સૈની હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. તે ઓબીસી સમુદાયમાંથી આવે છે.
કુરુક્ષેત્રના સાંસદ નાયબ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બન્યા. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. બેઠક બાદ નાયબ સૈનીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરે તેમને ફૂલ આપીને અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્ય દળની બેઠક પહેલા ગૃહમંત્રી અનિલ વિજ ગુસ્સે થઈને ચાલ્યા ગયા હતા. તેમને નાયબ સૈનીના નામ સામે વાંધો હતો. વિજ છ વખતના ધારાસભ્ય છે પરંતુ તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નથી. તેઓ શપથ ગ્રહણ સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા ન્હોતા.
કોણ છે નાયબ સિંહ સૈની?
નાયબ સિંહ સૈની હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. તે ઓબીસી સમુદાયમાંથી આવે છે. વર્ષ 1996માં સૈનીને રાજ્યમાં ભાજપ સંગઠનની જવાબદારી મળી. આ પછી, 2002 માં, તેમને BJYM ના જિલ્લા મહાસચિવ બનાવવામાં આવ્યા. વર્ષ 2012માં સૈનીને અંબાલા બીજેપીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ પછી સૈનીનું પ્રમોશન થતું રહ્યું અને 2014માં તેઓ નારાયણગઢથી ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા. 2016માં સૈનીને ખટ્ટર સરકારમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
નાયબ સૈની મનોહર લાલ ખટ્ટરના નજીકના માનવામાં આવે છે. વર્ષ 2019માં તેઓ કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. તેઓ શ્રમ અંગેની સંસદની સ્થાયી સમિતિના સભ્ય પણ છે. સૈનીને 2023માં પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. તે ઘણીવાર ખટ્ટર સાથેના કાર્યક્રમોમાં જોવા મળે છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે આ રાજકીય ઉથલપાથલમાં ભારતીય જનતા પાર્ટીના રણનીતિકારોએ દૂરના રાજકારણને ધ્યાનમાં રાખીને મોટા નિર્ણયો લેવાનું આયોજન કર્યું છે. જેના કારણે સૌપ્રથમ કેબિનેટમાંથી રાજીનામું આપીને ફરીથી મંત્રીમંડળની શપથ લેવાની તૈયારી કરવામાં આવી છે.